લો બોલો ! PM મોદીને પણ સતાવે છે કોલ ડ્રોપની સમસ્યા, લેવાયો મોટો નિર્ણય
મોબાઇલ ફોનની કોલ ડ્રોપની સમસ્યા આખા દેશમાં પ્રવર્તી રહી છે.
નવી દિલ્હી : મોબાઇલ ફોનની કોલ ડ્રોપની સમસ્યા આખા દેશમાં પ્રવર્તી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આના કારણે ઉભી થતી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ સંજોગોમાં પ્રધાનમંત્રીએ ટેલિકોમ વિભાગને આ સમસ્યાનો ટેકનીકલ ઉકેલ શોધવાનો આદેશ આપતા કહ્યું છે કે મોબાઇલ ઓપરેટરોએ સુનિશ્ચિત કરવું પડશે કે પોતાના ગ્રાહકોને ઉચ્ચ સ્તરની સંતુષ્ટ કરતી સેવાઓ આપે.
ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે વડાપ્રધાન જ્યારે પ્રગતિ સમીક્ષા બેઠક કરી રહ્યા હતા ત્યારે તેમણે પોતાનો અનુભવ શેયર કરતા કહ્યું કે દિલ્હી એરપોર્ટથી માંડીને ઘર સુધીના પ્રવાસ સુધી કોલ ડ્રોપની સમસ્યાના કારણે તેમને પણ ભારે હેરાનગતિ થઈ હતી. આ રિપોર્ટમાં સુત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાને ઉલ્લેખ કર્યો હતો કે દિલ્હી એરપોર્ટની બહાર નીકળીને લોકો કોલ માટે ફોનની સમસ્યાનો સામનો કરતા દેખાય છે. હવે આ એક રાષ્ટ્રીય સમસ્યા બની ગઈ છે. આવી સમસ્યા ન ઉભી થાય એ માટે પગલાં લેવાની જરૂર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેલિકોમ ક્ષેત્રર્ની ફરિયાદોના સમાધાનની સમીક્ષા કરતા કહ્યું કે ટેલિકોમ સેવા આપતા ઓપરેટર્સ ઉપભોક્તાની સંતુષ્ટિનું ઉચ્ચ સ્તર સુનિશ્ચિત કરવાની જરૂર છે. હાલમાં આ મામલે થયેલી એક બેઠક પછી જાહેર કરેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે તમામ ફરિયાદોનું સમાધાન કરવાના મામલે થયેલી પ્રગતિ વિશે વડાપ્રધાનને જણાવી દેવામાં આવ્યું છે.