નવી દિલ્હી: દેશના સૌથી મોટા બેંકિંગ કૌભાંડ સામે ઝઝૂમી રહેલી પંજાબ નેશનલ બેંકની છબી આજે ભલે ખરડાઈ હોય પરંતુ આ બેંકનો એક ગૌરવશાળી ઈતિહાસ રહ્યો છે. તેની શરૂઆત આજના પાકિસ્તાનના લાહોર શહેરમાં થઈ હતી. બેંકને રાષ્ટ્રીય સન્માન તરીકે સ્વેદશી આંદોલન અંતર્ગત સ્થાપવામાં આવી હતી. તેને શરૂ કરાવવામાં લાલા લજપત રાય જેવા સ્વતંત્રતા આંદોલનના મોટા નેતાઓના અથાગ પ્રયત્નો રહ્યાં છે. આજના જમાનામાં આજે આ બેંક એક મલ્ટીનેશનલ બેંક છે. તેની દુનિયાભરમાં શાખાઓ છે. હજારો કર્મચારીઓ છે. 7 લાખ કરોડ રૂપિયાથી વધુની બેંકની સંપત્તિ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાગલા બાદ જો પીએનબી બેંક ભારતના ફાળે ન આવત તો આજે તે પાકિસ્તાની બેંક હોત. આ એ જ બેંક છે જેમાં ચર્ચિત જલિયાવાલા બાગ કાંડ સમિતિનું એકાઉન્ટ હતું. આજે ભારતના લગભગ દરેક જિલ્લામાં પોતાની શાખા ધરાવનારી આ બેંકને ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ લાહોરથી નવી દિલ્હી શિફ્ટ કરાઈ હતી. ભારતની આજે તે બીજી સૌથી મોટી સરકારી બેંક અને સંપત્તિના મામલે ત્રીજી મોટી બેંક છે.


લાહોરના અનારકલી બજારમાં શરૂ થઈ PNB
ભારતની પંજાબ નેશનલ બેંક છેલ્લા બે મહિનાથી ખુબ ચર્ચામાં છે. નીરવ મોદી અને મેહુલ ચોક્સીને અપાયેલી લોન અને ત્યારબાદ કૌભાંડ બાદ એક પછી એક આવતી માહિતીઓએ બેંકિંગ સિસ્ટમને હચમચાવી નાખી છે. આ બેંકનું રજિસ્ટ્રેશન ભારતીય કાયદા મુજબ 19 મે 1894ના રોજ લાહોરના અનારકલી બજારમાં થયું હતું. 1947માં ભારતના ભાગલા બાદ પીએનબીને લાહોરમાંથી વિદાય લેવી પડી.


92 ઓફિસ કરવી પડી હતી બંધ
ભારત અને પાકિસ્તાનના ભાગલા બાદ પીએનબીએ પશ્ચિમ પાકિસ્તાનમાં 92 ઓફિસો બંધ કરવી પડી હતી. જેમાં 40 ટકા જમા રાશી હતી. જો કે પીએનબીએ પહેલા જ નક્કી કરી લીધુ હતું કે તે લાહોર છોડીને ભારતમાં રજિસ્ટ્રેશન કરાવશે. તેને 20 જૂન 1947ના રોજ લાહોર હાઈકોર્ટમાંથી મંજૂરી મળી ગઈ અને તેણે પોતાનું નવું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં બનાવ્યું.


લાલા લજપતરાય હતાં પીએનબીના ફાઉન્ડર
પીએનબી શરૂ કરાવનારામાં સ્વદેશી આંદોલનના અનેક મોટા નેતાઓનું યોગદાન રહ્યું. પીએનબી શરૂ કરાવવાનો મૂળ વિચાર રાય મૂલ રાજને આવ્યો હતો. જેમાં દયાલ સિંહ મજેઠિયા, અને લાલા કૃષ્ણલાલ જેવા નેતાઓ સામેલ હતાં. પીએનબી સાથે લાલા લાજપત રાય સક્રિય રીતે જોડાયેલા રહ્યાં હતાં. પીએનબીની વેબસાઈટ મુજબ લાલા લજપતરાયને જ બેંકના ફાઉન્ડર (સંસ્થાપક) ગણવામાં આવે છે. પીએનબીએ 12 એપ્રિલ 1895ના રોજ લાહોરમાં કારોબાર શરૂ કરી દીધો.


લાલા લાજપત રાયે ખોલ્યુ પહેલું એકાઉન્ટ
પીએનબીમાં એકાઉન્ટ ખોલાવનારા પહેલવહેલા લાલા લાજપતરાય હતાં. લાહોરના અનારકલી બજાર સ્થિત બેંક બ્રાન્ચમાં તેમણે એકાઉન્ટ ખોલાવ્યું હતું. તેમના નાના ભાઈ બેંક મેનેજર તરીકે જોડાયા હતાં. બેંકની કુલ ઓથોરાઈઝ્ડ કેપિટલ 2 લાખ રૂપિયા અને વર્કિંગ કેપિટલ 20,000 રૂપિયા હતી. તે સમયે બેંક સ્ટાફમાં કુલ 9 વ્યક્તિઓ હતી અને કુલ મંથલી પગાર 320  રૂપિયા હતો.


7 મહિનામાં જ આપ્યું હતું 4 ટકા ડિવિડન્ડ
ઓપરેશન શરૂ થયા બાદ પીએનબીએ 1900માં પહેલીવાર લાહોરની બહાર પગ મૂક્યો. પીએનબીએ રાવલપિંડી, કરાંચી, અને પેશાવરમાં શાખાઓ ખોલી. પીએનબીએ  પોતાની કામગીરી શરૂ થયાના 7 મહિનાની અંદર જ 4 ટકા ડિવિડન્ડ આપ્યું હતું.


દેશની બીજા નંબરની મોટી સહકારી બેંક
ભારત સરકારના સ્વામિત્વવાળી પીએનબીની 31 માર્ચ 2017 સુધી દેશમાં 6937 બ્રાન્ચ હતી. દેશમાં પીએનબીના 10681 એટીએમ અને 8033 બેંકિંગ કોરોસ્પોન્ડન્ટ છે. બીજી બાજુ ભારતની બહાર પીએનબી 9 દેશોમાં છે. જેમાંથી 3 બ્રાન્ચ (2 હોંગકોંગ અને એક ડીઆઈએફસી, દુબઈમાં), 3 રિપ્રેઝન્ટેટિવ ઓફિસ (શાંઘાઈ, દુબઈ અને સિડની) તથા 3 સબ્સિડિયરિઝ (લંડન, કઝાખિસ્તાન અને ભૂટાન) સામેલ છે. આ ઉપરાંત નેપાળમાં એક પીએનબીની જોઈન્ટ વેન્ચર બેંક છે.