રાહુલના આરોપથી રિલાયન્સ લાલઘુમ, આપ્યો જડબાતોડ જવાબ
રફાલ સોદાને લઈને રાહુલ ગાંધી સતત સરકાર પર પ્રહાર કરી રહ્યા છે અને રિલાયન્સને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવી રહ્યા છે. આ સંજોગોમાં વિવાદ વધુ વકર્યો છે.
નવી દિલ્હી : રિલાયન્સ ગ્રૂપે તેના વડા અનિલ અંબાણીને રાજકીય સાંઠગાંઠ કરીને ફાયદો ઉપાડનાર ગણાવનાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિવેદનને નકારી દીધું છે. ગ્રૂપે જણાવ્યું છે કે રાહુલ ગાંધી તેમના વિરદ્ધ અપપ્રચાર કરી રહ્યા છે. રિલાયન્સ તરફથી કહેવાયું કે, યુપીએ શાસન દરમિયાન ગ્રુપને 1 લાખ કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટ મળ્યા, શું કોંગ્રેસ સરકાર અપ્રમાણિક બિઝનેસમેનને સાથ આપી રહી હતી?
નોંધનીય છે કે રફાલ સોદાને લઈને રાહુલ ગાંધી સતત સરકાર પર પ્રહાર કરી રહ્યા છે અને રિલાયન્સને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવી રહ્યા છે. આ સંજોગોમાં વિવાદ વધુ વકર્યો છે. રાહુલ ગાંધીએ તાજેતરમાં જ મીડિયાને આપેલા નિવેદનમાં અનિલ અંબાણીને કેપિટલિસ્ટ અને બેઈમાન કહ્યા હતા. આ વાતનો જવાબ આપતા ગ્રૂપ તરફથી અપાયેલા નિવેદનમાં કહેવાયું છે કે, તેમણે અમારા ચેરમેન અનિલ ધીરુભાઈ અંબાણી ક્રોની કેપિટલિસ્ટ અને બેઈમાન બિઝનેસમેન હોવાનો આરોપ લગાવ્યો છે, તે સ્પષ્ટ રીતે અસત્ય છે.
રિલાયન્સ ગ્રૂપે વળતો જવાબ આપતા કહ્યું છે કે 2004-2014ની વચ્ચે કોંગ્રેસ નેતૃત્વવાળી યુપીએ સરકારે 10 વર્ષો દરમિયાન અનિલ અંબાણીના નેતૃત્વવાળા ગ્રુપને પાવર, ટેલિકોમ, રોડ, મેટ્રો જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર્સમાં 1 લાખ કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટ આપ્યા. જૂથે રાહુલ ગાંધીને એ પણ સ્પષ્ટ કરવા કહ્યું છે કે, શું તેમની સરકાર 10 વર્ષો સુધી એક કથિત ક્રોની કેપટલિસ્ટ અને બેઈમાન બિઝનેસમેનને સમર્થન કરતી રહી?