Film Review: ચાર બિન્દાસ્ત ગર્લની બેહદ બોલ્ડ પ્રિ એન્ડ પોસ્ટ વેડિંગ સ્ટોરી એટલે `વિરે દી વેડિંગ`
બોલિવૂડ બોલ્ડનેસને સેલિબ્રેટ કરી રહ્યું છે કે પછી સેન્સર નામના રૂઢિચુસ્ત બેરિકેડને ઓવરટેક કરી રહ્યું છે એવા સવાલ રિસન્ટ મૂવીઝના કન્ટેન્ટથી ચોક્કસ થાય અને એ સવાલ ફરી પૂછવાનું કારણ આપે છે મૂવી વિરે દી વેડિંગ...
મુફદ્દલ કપાસી/અમદાવાદઃ વર્ષ 2017માં આવેલી અને પરદા સુધી પહોંચવા જેને ખાસ્સી મશક્કત કરવી પડેલી એવી લિપસ્ટિક અંડર માય બુરખા અને વિરે દી વેડિંગને સીધું કનેકશન છે. બન્નેમાં નારીની જાતીય જિંદગીની વાત છે. પણ એક એનું રો એન્ડ રફ વર્ઝન છે. તો વિરે એનું ગ્લેમશેમ વર્ઝન છે. લિપસ્ટિકમાં અડલ્ટ કન્ટેન્ટથી સેન્સર બોર્ડની આંખોના ભવા ચઢી ગયા હતા તો અહીં સેન્સર બોર્ડને કોઈ વાંધો આવ્યો નથી. બાકી અડલ્ટ કન્ટેન્ટ તો અહીં પણ ભરચક છે. લિપસ્ટિકમાં પણ ચાર નારીની અંગત જિંદગીને સંઘર્ષના ચશ્મા પહેરીને દર્શાવાઇ હતી. અહીં ચારેય ખૂલીને પોતાના જાતીય જીવનની ચર્ચા કરે છે. લિપસ્ટિકમાં ચારેય નારીપાત્રને સંજોગો એકઠા કરે છે તો અહીં ચારેય પૈકી એકના વેડિંગ એકઠા કરે છે. મૂળ તો વિરે'માં ચારેયના 'વેડિંગ'ની આસપાસ જ વાર્તા ફરે છે.
ચાર બેહદ બોલ્ડ સહેલીઓની લેવિશ લાઈફ સ્ટાઇલ અને એ ચારેયના લગ્ન પહેલાં કે પછીની વાતોની ગૂંથણીમાં ખરેખર વાર્તા મિસિંગ છે. આમેય આ એકતા કપૂર પ્રોડકશન છે. અને મેકિંગમાં એની અસર સ્પષ્ટ જોવા મળે છે. લખલૂંટ ખર્ચો તો ખાલી કોસ્ચ્યુમ્સમાં કરેલો છે. કદાચ આટલાં બધા કપડાં તો કોઈપણ મૂવીમાં લીડ કેરેક્ટર્સે બદલ્યા નહીં હોય. અને આ ચારેય પાત્રો એકદમ બિન્દાસ્ત છે એવું ભારપૂર્વક દર્શાવવા માટે લગભગ દર બીજા દ્રશ્યમાં આ પાત્રોને લિકર કે પછી સ્મોક કરતાં દર્શાવાયા છે. અને એકતા કપૂર પ્રોડકશનમાં અગાઉ જોવા મળ્યું છે એમ પેટભરીને બ્રાન્ડિંગ પણ કરાયું છે. એ પછી ચાહે અમૂલ હોય કે વિડીયોકોન હોય.
ચાર બિનદાસ્ત ગર્લની કહાનીમાં અડલ્ટ હ્યુમરનો તડકો નાખવાનો પ્રયાસ છે. એ જો કે કેટલાંક દ્રશ્યોમાં સફળ પણ રહ્યો છે. પણ ઓવરઓલ મજા કરાવે એવા વનલાઈનર્સ એટલી માત્રામાં નથી. હા ચારેય અભિનેત્રીઓ પહેલીવાર જ સાથે કામ કરી હોવા છતાં એમની કેમેસ્ટ્રી ઓનસ્ક્રીન જામે છે. ચારેયનો અભિનય પણ પાત્ર અનુસાર યોગ્ય છે. જો કે કરિનાની ઉંમર હવે દેખાઈ રહી છે. ચારેયમાં ઓછી જાણીતી શિખા તલસાણીયાએ સહુથી મજબૂત અભિનય કર્યો છે. એ સહુથી નેચરલ પણ લાગે છે. ડિરેક્ટર શશાંક ઘોષ કોઈ ખાસ છાપ છોડતાં નથી. એકાદ બે દ્રશ્યો જ રૂટિનથી થોડા અલગ છે. વિવેક મુશરન હજુ પણ અભિનયની બાબતમાં ગૂંચવાયેલા લાગે છે.
ઓવરઓલ સો સંસ્કારી ગર્લનું વિપરિત વર્ઝન જેવી આ ચારેય ફ્રેન્ડઝની બોન્ડિંગ અને મૂવીના સુપર્બ બેકગ્રાઉન્ડ સ્કોરને ફૂલ સ્કોર અને બાકીનું બધું જ પાસિંગ માર્ક સુધી સિમિત છે. એવામાં લાઈટર મૂડમાં ફૂલ ટુ બોલ્ડ ગર્લ ગેંગને જોવા ઇચ્છતા હોવ તો આ મૂવી એકાદવાર નિરાંતે જોઈ શકાય