નવી દિલ્હી: બોલિવૂડની આ વર્ષની મચ અવેટેડ ફિલ્મ 'સંજૂ' રિલીઝ થઈ ચૂકી છે. સંજય દત્તના જીવન પર બનેલી આ ફિલ્મમાં તેના અંડરવર્લ્ડ સાથેના સંબંધોને પણ દર્શાવાયા છે. આ જ કારણે ફિલ્મ રિલીઝ બાદ હવે વિવાદમાં ફસાઈ રહી છે. જેલમાં બંધ અબુ સાલેમે ફિલ્મના મેકર્સને નોટિસ મોકલી છે. અબુ સાલેમનું કહેવું છે કે અસલ જિંદગીમાં તે ક્યારેય સંજય દત્તને મળ્યો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂઝ એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ અબુ સાલેમે નોટિસમાં લખ્યું છે કે ફિલ્મમાં તેના વિશે ખોટી માહિતી રજુ  કરાઈ છે. આથી મેકર્સે 15 દિવસની અંદર માફી માંગવી પડશે. નહીં તો તે તેમના પર માનહાનિનો દાવો માંડશે. અત્રે જણાવવાનું કે ફિલ્મના એક દ્રશ્યમાં સંજયનો રોલ ભજવી રહેલા રણબીર  કપૂરને અબુ સાલેમ પાસે હથિયાર માંગતા અને ઘરમાં છૂપાડતા દેખાડવામાં આવ્યો છે. આ દ્રશ્યને લઈને જ અબુ સાલેમે મેકર્સને નોટિસ મોકલી છે. 



ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યાં મુજબ આ ફિલ્મ દેશભરમાં 4000 સ્ક્રીન્સ પર રિલીઝ થયેલી છે. તથા 65 દેશોમાં રિલીઝ થઈ છે. આ વર્ષે રેસ 3 બાદ આ બીજી મોટી ફિલ્મ છે જે આટલી વધારે સ્ક્રીન પર રિલિઝ થઈ છે. ફિલ્મની સફળતાથી બોક્સ ઓફિસ પર ધમાલ મચી ગઈ છે. આ ફિલ્મ રણબીર કપૂરની અત્યાર સુધીની સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મ બની છે.