Review : પાકિસ્તાનમાં વહુ બનીને જાસૂસી કરે છે આલિયા ભટ્ટ, જાણો કેવી છે ફિલ્મ
બોલિવૂડમાં આ શૈલીમાં મૂવીઝ ઓછા બને છે પણ મેઘના ગુલઝારે અહી એ બખૂબી પાર પાડ્યું છે
મુફદ્દલ કપાસી/અમદાવાદ : વર્ષ 1950માં આવેલી ફિલ્મ સમાધિમાં પહેલીવાર નારી જાસૂસનું પાત્ર નોંધપાત્ર રીતે દર્શાવાયું હતું! એ ફિલ્મના બરાબર 21 વર્ષ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલાં ઐતિહાસિક યુદ્ધની ઠીક પહેલાં બનેલા એક ગુમનામ ઘટનાક્રમે ઈતિહાસની તવારીખ બદલી નાખી. એ ગુમનામ ઘટનાક્રમને બાદમાં નેવીમાંથી નિવૃત થયેલાં ઓફિસર હરિન્દર સિક્કાએ પુસ્તકરૂપે ઢાળેલો. અને એ પુસ્તક પરથી એ ઘટનાક્રમના 47 વર્ષ પછી મેઘના ગુલઝાર જેવી નિર્દેશિકાએ નિર્દેશિત કરેલી નારી જાસૂસ પરની મૂવી એટલે રાઝી.
એક રસપ્રદ વાર્તા પર એક કૌશલ્યવાન નિર્દેશિકાનો કસબ અને જેની 10માંથી 8 ફિલ્મ માતબર હિટ રહી તેવી આલિયા ભટ્ટનું ઉડતા પંજાબ બાદ વધુ એક ક્લાસ એક્ટ, આ ફિલ્મ ઘણીબધી રીતે ખાસ બની રહેવાની. એક તો જો વાર્તામાં કહેવાતાં ઘટનાક્રમનો ફ્લો શાંત હોય પણ છતાં તેમાં બધું બહુ જ ઝડપથી બન્યે જતું હોય અને એ પણ જો એક થ્રિલર ડ્રામા હોય તો પછી તમને થ્રિલનું સ્લો પોઇઝન ચઢે એ નક્કી છે. જેનું બેકગ્રાઉન્ડ યુદ્ધનો સમયગાળો છે, જ્યાં દુશ્મન ધરતી પર રહીને દેશ માટે ફિલ્ડ એજન્ટનું અત્યંત કપરું કામ કરવાનું છે એવી કથાવાર્તા પણ કોઇ ધૂમધડાકા વિના શાંત રીતે કહી શકાય એવું યાદ અપાવે છે રાઝી. એ રીતે રાઝી એક સાઇલેન્ટ સ્પાય થ્રિલર છે.
બોલિવૂડમાં આ શૈલીમાં મૂવીઝ ઓછા બને છે પણ મેઘના ગુલઝારે અહી એ બખૂબી પાર પાડ્યું છે. બીજુ કે જેને હજુ સુધી અંડર એસ્ટિમેટ કરાતી રહી છે એ પોકેટસાઇઝ પાવરહાઉસ આલિયા ભટ્ટે અહી બોલિવૂડની આગલી હરોળની બાકીની તમામ અભિનેત્રીઓને પડકાર ફેંક્યો છે. આલિયા એક નાજૂક કાશ્મીરી યુવતીથી માંડીને છેક પાકિસ્તાનમાં જઇને જાસૂસી કરતી સાઇલેન્ટ અંડરકવર એજન્ટની ભૂમિકામાં પોતાનો કારકિર્દી શ્રેષ્ઠ અભિનય આપી ગઇ છે. વિકી કૌશલે પોતાના પાત્રને પૂરતો ન્યાય આપ્યો છે. પણ એનાથીય એક ડગલું આગળ વધે છે ઇન્ટેલિજન્સ ઓફિસરના પાત્રમાં જયદીપ અહલાવત.
કાનથી છેક મન સુધી સફર કરે તેવું સંગીત આપવામાં શંકર અહેસાન લોય વધુ એકવાર સફળ રહ્યાં છે. શબ્દોના શહેનશાહ ગણાતાં ગુલઝારના ગીત જમાવટ કરે છે. એમાંય એ વતન, મેરે વતન ગીત તો લાંબો સમય સુધી દેશભક્તિ ગીતની યાદીમાં ટોચે રમ્યાં કરે તેવુ સુપર્બ છે. તો બીજીતરફ ગુલઝારની જ નિર્દેશિકા પુત્રી મેઘના ગુલઝારના શબ્દો સંવાદરૂપે અસર છોડે છે. કેટલાંક ખરેખર જબરદસ્ત છે પણ તોય એ સંવાદોને ક્યાંય લાઉડલી પ્રસ્તૂત નથી કરાયાં. સિનેમેટોગ્રાફર જય પટેલ અને આર્ટ ડિરેક્ટર વિભાસ જોશીનું કામ પરદે દેખાય છે.
ઇતિહાસના પાના પર નોંધાયેલા એક મહાભયાનક યુદ્ધની પશ્ચાદભૂમાં કંઇ કેટલાંય ઘટનાક્રમ જવાબદાર હોય છે જે ક્યાંય અંકિત નથી હોતા એ જ રીતે એ યુદ્ધમાં વિજયી બનનારા રાષ્ટ્રના કેટલાંય સપૂતોએ વિરલ વ્યક્તિત્વનો પરચો આપીને દેશને ગૌરવાન્વિત કર્યો હોય છે. પણ કેટલાંક આ ગૌરવની ચકાચૌંધની પાછળ છૂપાયેલાં હીર હોય છે જેનું બલિદાન લગભગ ગુમનામ હોય છે આવી જ એક ગુમનામ નારીની સાચ્ચી કથા પરથી પ્રેરિત આ મૂવી કોઇ રીતે બનાવટી નથી લાગતી. બધુ જ ખૂબ સહજતા સાથે પરદા પર ઉતારવામાં મેઘના ગુલઝાર સફળ રહ્યાં છે. અને એટલે જ આ બીજા કોઇની નહી પણ આલિયા અને મેઘનાની મૂવી છે. તમે એ વાતથી 'સેહમત' તો થશો જ પણ આ ક્લાસિક મૂવીને જોઇ 'રાઝી' પણ થશો.