નવી દિલ્હી: બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીના નિધનના કારણે સમગ્ર બોલિવૂડ જગતમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. શ્રીદેવીનું નિધન 24 ફેબ્રુઆરીના રોજ રાતે દુબઈની એક હોટલમાં બાથરૂમમાં થયું હતું. શ્રીદેવીની ઓળખ પહેલી ફિમેલ સુપરસ્ટાર તરીકેની છે. શ્રીદેવીએ બોલિવૂડમાં જ નહીં પરંતુ તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ સિનેમામાં પણ પોતાની ખાસ ઓળખ બનાવી હતી. બોલિવૂડમાં તેને મિસ્ટર ઈન્ડિયાથી વિશેષ ઓળખ મળી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન શેખર કપૂરે કર્યુ હતું. ફિલ્મમાં શ્રીદેવીની એક્ટિંગે બધાનું મન જીતી લીધુ હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાની બે ફિલ્મોમાં શ્રીદેવીને કાસ્ટ કરનારા ડિરેક્ટર શેખર કપૂરને પણ શ્રીદેવીના અચાનક થયેલા નિધનથી ખુબ આઘાત લાગ્યો છે અને તેમણે શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપતા શ્રીદેવી સાથે પોતાની યાદ શેર કરી છે. ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શ્રીદેવી સાથે એક તસવીર શેર કરતા શેખર કપૂરે લખ્યું કે તમે એક જોશથી ભરેલા અભિનેત્રી હતાં. મેં તમને જેટલું કહ્યું તેના કરતા હંમેશા તમે વધુ સારું કામ કર્યું. માણસ તરીકે તમે હંમેશા જે તમારી નજીક રહ્યાં તેના સમર્થનમાં રહ્યાં. મને યાદ છે કે જ્યારે એક ફિલ્મના કારણે બધા મારા વિરુદ્ધ થઈ ગયા ત્યારે તે સમયે તમે મારા માટે વાઘણની જેમ લડ્યાં.



અમને ફિલ્મ મિસ્ટર ઈન્ડિયા 2નો ઈન્તેજાર હતો. સાચું કહ્યું તો અત્યાર સુધી તો આ ફિલ્મ બની જવી જોઈતી હતી. અત્રે જણાવવાનું કે શ્રીદેવીનું નિધન 24મી ફેબ્રુઆરીના રોજ દુબઈની હોટલમાં થયું. શ્રીદેવીએ બાળપણથી જ અભિનય શરૂ કરી દીધો હતો. પહેલા સાઉથની ફિલ્મોમાં કામ કર્યું અને ત્યારબાદ 1979માં સોલવા સાલ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યુ હતું. આ ફિલ્મમાં ફિલ્માવવામાં આવેલુ ગીત પી કહાં... તેની કેરિયરનું પહેલું હિન્દી ગીત હતું. ત્યારબાદ એવી ખ્યાતિ મળી કે તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી. જો કે બોલિવૂડમાં જબરદસ્ત ઓળખ તો હિમ્મતવાલા અને તોહફા જેવી ફિલ્મોથી મળી. 1989માં આવેલી ચાંદની ફિલ્મે પહેલાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને તે ફિલ્મ સુપરહીટ સાબિત થઈ.