રવિ અગ્રવાલ, વડોદરાઃ વડોદરા (Vadodara) જિલ્લાના ડેસરના પિપલછટ ગામમાં એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોતાના સમાજમાંથી કન્યા મેળવવાની જીદમાં ચાર દાયકા સુધી લગ્ન કરવા માટેની રાહ જોઈને બેઠેલા નવયુવાનની જિંદગી વીતી ગઈ હતી. આધેડ વયે પોતાના સમાજની કન્યા મળતા ખુશીથી ઝૂમી ઉઠેલા વરરાજાએ પાંચ ગામો જમાડીને લગ્ન કરવા વાજતે ગાજતે જાન લઇ પ્રભૂતામાં પગલા માંડ્યા હતા. પરંતુ કુદરત ને કંઈક અલગ જ મંજૂર હતું, કન્યા લઇ પોતાના ઘરે આવેલા વરરાજાએ વિધિ કરાવી મીંઢળ છોડાવ્યું અને યમરાજ આવી પહોંચ્યા હતા અને નવેલી દુલ્હન લીલાને ચક્કર આવતાની સાથે ધરમા પલંગ પર સુવડાવીને દવાખાને પહોંચે તે પહેલાં નવેલી દુલ્હન નું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત વિગતો અનુસાર ડેસર તાલુકા ના પીપરછટ ગામે રહેતા કલ્યાણભાઈ બાબુભાઇ રબારી ઉર્ફે કલાભાઇ ઉ.વર્ષ ૬૩ પશુપાલક છે. ૧૦ જેટલી ગાય વાછરડા રાખી પોતાનું અને પોતાના  નાનાભાઈ રામજીભાઈ જે વર્ષોથી અસ્થીર મગજ ધરાવે છે તેઓનુ  અને વિધવા બહેન દેવીબહેનનું ભરણ પોષણ કરે છે. તેઓની જિંદગીમાં પત્નીનું સુખ પ્રભુ લખવાનું ભૂલી ગયા હોય તેમ તેઓ માની રહ્યા છે.  છેલ્લા ચાર દાયકાથી તેઓ પોતાના સમાજની કન્યા લાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા હતા અને પોતે જીદ લઇ બેઠા હતા કે જ્યાં સુધી પોતાના સમાજની કન્યા નહીં મળે ત્યાં સુધી લગ્ન નહીં કરું.  છેલ્લા કેટલાય સમયથી તેઓ જીવનસાથીની તપાસમાં હતા છતાંય ક્યાંય તેઓનો મેળ પડતો ન હતો. 


આ પણ વાંચોઃ Vadodara: રાજપીપળાના રાજવી માનવેન્દ્ર સિંહ સહિત 50થી વધુ ટ્રાન્સજેન્ડરો ભાજપમાં જોડાયા  


પરંતુ લોકડાઉન દરમિયાન બન્યું એવું કે નજીકના ગામ વરસડાના તેમના સબંધી રાજુભાઈ રબારીને  ખેડા જિલ્લાના ઠાસરા ગામની એક કન્યા લીલાબહેન રબારી ઉ.વર્ષ 40 નજરે ચઢયા હતા તેઓએ કલ્યાણ ભાઈ રબારીને ઉપરોક્ત કન્યા બાબતે વિગતે વાત કરી ત્યારે થોડું પણ‌ મોડું કર્યા વગર તાબડતોબ જોવા માટે ઉપડી ગયા હતા અને ઠાસરાના વિક્રમભાઈ રબારીની બહેન લીલાબેન બધી રીતે કલાભાઈને ગમી ગયા હતા. તેઓની લગ્નની વાત આગળ ધપાવી હતી. કુટુંબ કબીલાની પરવાનગી બાદ લગ્નની તારીખ નક્કી કરાઇ હતી. વર્ષોથી સુના કલાભાઈના આંગણે ઢોલ ઢબુક્યા અને સહેનાઇ ગુંજી હતી.  23 જાન્યુઆરી શનિવારે બપોરે પિપરછટ ગામે ભોજન સમારંભ રખાયું હતું તેમા વાંટા, નારપૂરી, રામપુરી, જેસર, ગોપરી, અને પિપરછટના ગ્રામજનો ઉપરાંત સગા વ્હાલાઓને લગ્નનું આમંત્રણ આપી જમાડ્યા હતા. જ્યારે બીજા દિવસે સરકારી ગાઇડલાઇન મુજબ માસ્ક ધારણ કરી સોશિયલ ડિસ્ટન્સ જાળવી માત્ર 50 જાનૈયાઓને લઈ વાજતેગાજતે કલાભાઈની જાન ઠાસરા મુકામે રહેતા વિક્રમભાઈ રબારીની ત્યાં પહોંચી હતી. 


આ પણ વાંચોઃ Gujarat Budget 2021: 1 માર્ચથી શરૂ થશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર
 
હિન્દુ રીતરિવાજ મુજબ બંને લગ્નગ્રંથિથી જોડાયા હતા અને સાંજે ચાર વાગે ઠાસરા નિવાસેથી લીલાબેન રબારીને પોતાના ભાઈએ વિદાય આપી હતી. તેઓના ભાઈને ક્યાં ખબર હતી કે તેઓ પોતાની વહાલસોઇ બહેનને અંતિમ વિદાય આપી રહ્યા છે. ચાર દાયકાથી વાંઢા ફરતા કલાભાઈ રબારી નવેલી દુલ્હન લઈ ઘરે આવતાં સમસ્ત ગ્રામજનોને ધેલુ લાગ્યું હતું અને તેઓની દુલ્હનને નજરે નિહાળવા ફળિયાવાળા ઉપરાંત ગ્રામજનો ઉમટી પડ્યા હતા. ગામના મહારાજને બોલાવી વિધિ મુજબ મીંઢળ છોડવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. થોડા જ સમયમાં કલાભાઈની ધર્મપત્ની લીલાબેનને ચક્કર આવ્યા હતા તબિયત વધુ ખરાબ થતાં કલાભાઈ ઉપરાંત પરિવારના સભ્યો લીલાબેનને લઈ કાલોલની પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ જતા હતા. તે દરમિયાન માર્ગમાં જ લીલાબેનનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. દવાખાને પહોંચ્યા ત્યારે ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા તેઓના ભાઈ ને જાણ કરાતા પોતાની બહેનનો મૂર્તદેહ ઠાસરા ગામે લઇ જવાયો હતો અને ગળતેશ્વર મહીસાગર નદીમાં પરિવારની ઉપસ્થિતિમાં અગ્નિદાહ અપાયો હતો.


મંડપમાં બાંધેલા લીલા તોરણ હજુતો લીલાજ હતા અને ધડીકભરની ખુશી  આપી લીલાએ વિદાય લીધી હતી. આમ બન્ને પરિવારોમાં આવેલી ખુશીઓ થોડા જ સમયમાં દુખમાં પરિવર્તિત થઇ હતી. લગ્નનો ખર્ચો કલાભાઈને માથે પડયો હતો. વાયુવેગે પંથકમાં વાતો પ્રસરતા જોગ સંજોગનો અનોખો કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube