યુનિવર્સિટીની બોગસ માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવતી ગેંગ ઝડપાઈ
ઝડપાયેલી આ ટોળકીનો માસ્ટર માઇન્ડ મૃગાંક ચતુર્વેદી છેલ્લા ઘણા સમયથી અલગ-અલગ યુનિવર્સિટીની માર્કશીટ બનાવી 5 થી 7 લાખ રૂપિયામાં આપતો હોવાનું સામે આવ્યું છે.
મૌલિક ધામેચા, અમદાવાદઃ યુનિવર્સિટીની બોગસ માર્કશીટ અને માઈગ્રેશન સર્ટિફિકેટ બનાવી આપતી ટોળકીને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. ઝડપાયેલી આ ટોળકીનો માસ્ટર માઇન્ડ મૃગાંક ચતુર્વેદી છેલ્લા ઘણા સમયથી અલગ-અલગ યુનિવર્સિટીની માર્કશીટ બનાવી 5 થી 7 લાખ રૂપિયામાં આપતો હોવાનું સામે આવ્યું છે.
પોલીસે મૃગાંક ઉર્ફે પોલી ચતુર્વેદી, મનોજ ઉર્ફે પીંકુ ચૌહાણ, જૈમીન પંડ્યા અને વિરલ જયસ્વાલને ઝડપી પાડ્યા છે. આ ટોળકી વિદેશ જવા માટે ઇચ્છુક વ્યક્તિઓને ટાર્ગેટ બનાવતી અને અલગ-અલગ યુનિવર્સિટીના પેજને હેક કરી તેમાં ઓનલાઇન એન્ટ્રી કરી ડુપ્લીકેટ માર્કશીટને ઓરીજનલ સાબિત કરવાનું કામ કરતી હતી. આ ગેંગનો મુખ્ય આરોપી મૃગાંક ઉર્ફે પોલી ચતુર્વેદી છેલ્લા ઘણા સમયથી આ જ પ્રકારે લાખો રૂપિયા કમાતો હતો. આ અંગે સાયબર ક્રાઇમને ચોક્કસ માહિતી મળતા આખી ટોળકીને પકડી પાડી હતી. આ અંગે સાયબર ક્રાઇમને ફરિયાદ પણ મળી હતી જેમાં ગુજરાત રાજ્યના ફાર્મસી કાઉન્સિલએ ફરિયાદ કરી ફાર્મસીની ડુપ્લીકેટ માર્કશીટ બનતી હોવાની જાણ કરી હતી. ત્યારબાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા હકીકત સામે આવી હતી કે બનાવટી રજીસ્ટ્રેશન સર્ટિફીકેટ, માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ ને સાચા બનાવી ફાર્મસી કાઉન્સિલમાં ઉપયોગમાં લેતી ટોળકી આ કામ કરી રહી છે.
પકડાયેલા આરોપીઓમાં જમીન પંડ્યા વડોદરામાં ટ્યુશન ક્લાસીસ ચલાવતો અને સાથે જ GPSC અને ગવર્મેન્ટ એક્ઝામની તૈયારીઓ કરાવતો હતો. જ્યારે વિરલ જયસ્વાલ સ્ટુડન્ટ વિઝા માટેની ઓફિસ ખોલી ILETS અને ગવર્મેન્ટ પરીક્ષાઓની તૈયારી કરાવી ડુપ્લીકેટ માર્કશીટ બનાવવા માટે માણસો શોધતો હતો. તો આરોપી જય અને મનોજ ખાનગી વીમા કંપની બ્રાન્ચ મેનેજર તરીકે લોન આપવાનું કામ કરતો હતો સાથે જ ગુજરાત રાજ્યની ફાર્મસી કાઉન્સિલની વેબસાઈટમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું કામ પણ પોતે જ કરતો. આમ અલગ જ પ્રકારની મોડેશ ઓપરેન્ડીથી વિદેશ જવા ઇચ્છુક અને ડિગ્રી આધારે નોકરી મેળવવા માંગતા લોકોને આ ટોળકી ટાર્ગેટ કરતી હતી.
અમદાવાદમાં અનૈતિક સંબંધનો કરૂણ અંજામ, જુદી-જુદી બે ઘટનામાં બે લોકોએ જીવ ગુમાવ્યા
આ ગેંગનો મુખ્ય આરોપી મૃગાંક ઉર્ફે પોલી ચતુર્વેદી મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં આ ચારેય આરોપીઓની ટોળકી ભેગા મળીને લાખો રૂપિયા વેબસાઈટ હેક કરી અને ડુપ્લિકેટ માર્કશીટ બનાવી કમાતા હતા. હાલ તો આ ચારેય આરોપીઓ પાસેથી આર.કે યુનિવર્સિટીની બનાવટી માર્કશીટ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ અને માઈગ્રેશન સર્ટિફિકેટ સહીત 10 જેટલા ડોક્યુમેન્ટ કબજે કરવામાં આવ્યા છે.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવી પણ વિગતો સામે આવી કે આ ટોળકીએ વેબસાઇટમાં હેકિંગ કરી બોગસ સર્ટિફિકેટના એન્ટ્રીઓ પણ કરી દેતા જેથી કરી ડુપ્લિકેટ હોવાનું સાબિત ન થાય. એટલું જ નહીં રાજ્યભરની અને યુનિવર્સિટીના ડુપ્લીકેટ માર્કશીટ અને માઈગ્રેશન સર્ટિફિકેટ બનાવ્યા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. ત્યારે પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે કેટલા લોકોએ તેમની પાસેથી આ માર્કશીટ અને માઈગ્રેશન સર્ટિફિકેટ બનાવડાવ્યા હતા.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube