અમદાવાદઃ ગુજરાતના કરોડો લોકો માટે ખુશીના સમાચાર છે. આપણી ઓળખ સમાન ગરબાને હવે વૈશ્વિક ઓળખ મળી છે. યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે પસંદગી કરવામાં આવી છે. આ વાત માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારત માટે પણ ગૌરવની વાત છે. નવરાત્રિમાં નવ દિવસ સુધી ગુજરાતીઓ ગરબા રમતા હોય છે. હવે યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર જાહેરાત કરાતા ગુજરાતીઓમાં મોટી ખુશી જોવા મળી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ એક્સ પર પોતાની ખુશી વ્યક્ત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે
હવે ગુજરાતના ગરબા ગ્લોબલ બની ગયા છે. યુનેસ્કો દ્વારા ગુજરાતી ગરબાને 2023ના અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જે સમગ્ર ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ છે. ગરબા માત્ર ગુજરાતમાં જ નહીં જ્યાં જયાં ગુજરાતીઓ રહે છે ત્યાં પણ ગરબા જોવા મળે છે. વિદેશમાં વસ્તા ગુજરાતીઓ પણ નવરાત્રિમાં ગરબા રમતા જોવા મળે છે. 


ઉલ્લેખનીય છે કે ગરબો ભારતીય સંસ્કૃતિની વૈવિધ્યપૂર્ણ એકતા દર્શાવવામાં મહત્વનું સ્થાન ધરાવે છે. ગરબાને મા આદ્યશક્તિની ઉપાસના તરીકે પણ જોવામાં આવે છે. જાતિ-ધર્મ, ભાષાના ભેદથી ઉપર ઊઠીને સામાજિક સમરસતા અને સમૂહજીવનને આકાર આપવામાં ગરબાએ મહત્વનું સ્થાન લીધું છે. ગુજરાતની પ્રજાને ધબકતી રાખવા માટે પણ ગરબાએ મહત્વની ભૂમિકા ભજવી છે. 


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કરી ખુશી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર લખ્યું- 'માઁ આદ્યશક્તિની ભાવભરી ભક્તિના પ્રતીક સમા ગરબાની સદીઓ પુરાણી પરંપરા આજના સાંપ્રત સમયમાં પણ જીવંત રહી છે અને પૂરા તેજ સાથે ખીલી છે. ગુજરાતની ઓળખ સમા ગરબાની @UNESCO  દ્વારા 'અમૂર્ત સાંસ્કૃતિક વારસા' તરીકે પસંદગી કરવામાં આવી છે. વિશ્વભરમાં વસેલા ગુજરાતીઓ માટે આ ગૌરવની ક્ષણ છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની વિરાસતને મળેલા મહત્વ અને તેને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાના પ્રયાસોનું આ સુખદ પરિણામ છે. ગુજરાતના લોકોને ખૂબ ખૂબ અભિનંદન.'


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube