6 લાખ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં! વડોદરામાં દૂષિત પાણીના મુદ્દે કેમ સર્જાયો રાજકીય વિવાદ?
વડોદરા શહેરના ઘણા વિસ્તારોમાં છેલ્લા ચારેક દિવસથી પીવા માટેનું પાણી ડહોળું આવી રહ્યું છે. આ પાણી મહિસાગર નદીમાંથી રાયદા દોડકા ફ્રેન્ચ વેલમાં ઠલવાય છે. અચાનક પાણી પીળાશ પડતું અને ડહોળું આવતા પાણીમાં કેમિકલ ભળ્યું હોવાની શંકા પ્રબળ બની હતી.
ઝી બ્યુરો/વડોદરા: વડોદરામાં દૂષિત પાણીના મુદ્દે રાજકીય વિવાદ સર્જાયો છે. શહેરને મહીસાગર નદીમાંથી અપાતું પીવાનું પાણી દૂષિત આવતા વિપક્ષે તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે દૂષિત પાણીના નમૂના લીધા, તેના 24 કલાકથી ઓછા સમયમાં મનપાએ જ પાણી પ્રદૂષિત ન હોવાનો રિપોર્ટ આપી દેતાં વિપક્ષે તેની સામે સવાલ ઉઠાવ્યા છે. વિપક્ષે પાણીના ડહોળા રંગની પાછળનું કારણ જીપીસીબીને પૂછ્યું છે.
પાણી પીળાશ પડતું અને ડહોળું આવતા પાણીમાં કેમિકલ ભળ્યું હોવાની શંકા
વડોદરા શહેરના ઘણા વિસ્તારોમાં છેલ્લા ચારેક દિવસથી પીવા માટેનું પાણી ડહોળું આવી રહ્યું છે. આ પાણી મહિસાગર નદીમાંથી રાયદા દોડકા ફ્રેન્ચ વેલમાં ઠલવાય છે. અચાનક પાણી પીળાશ પડતું અને ડહોળું આવતા પાણીમાં કેમિકલ ભળ્યું હોવાની શંકા પ્રબળ બની હતી. 6 લાખ લોકો સુધી આ પાણી પહોંચે છે, ત્યારે તંત્રને જાણ કરાઈ.
પાણીમાં ફટકડી નાંખી, ઉકાળીને ગાળીને પીવાની પણ સલાહ અપાઈ
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા અમીબેન રાવતે મુખ્યમંત્રી, જીપીસીબીના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરને પત્ર પણ લખ્યો. જેને જોતાં શનિવારે GPCBએ પાણીના સેમ્પલ લઈ ટેસ્ટિંગ માટે મોકલ્યા હતા. સેમ્પલ લીધાના બીજા જ દિવસે વડોદરા મનપાએ અખબારમાં જાહેરાત આપીને ખુલાસો કર્યો કે પ્રાથમિક તબક્કે પાણી કેમિકલયુક્ત નથી અને પીવાલાયક છે. લોકોને પાણીમાં ફટકડી નાંખી, ઉકાળીને ગાળીને પીવાની પણ સલાહ અપાઈ છે.
પાણીમાં લીલ અને ફોસ્ફરસનું મિશ્રણ હોવાની પ્રબળ શક્યતા
મનપાના સત્તાધીશોએ આ જાહેરાત પ્રાથમિક તપાસના પરિણામોને આધારે કરી છે. જેમાં એ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો કે પાણીમાં લીલ અને ફોસ્ફરસનું મિશ્રણ હોવાની પ્રબળ શક્યતા છે. જો કે આ સમગ્ર કવાયત સામે વિપક્ષના નેતા અમીબેન રાવતે સવાલ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે કોર્પોરેશન અને જીપીસીબીની લેબોરેટરીએ હજુ પાણીનો રિપોર્ટ નથી આપ્યો, ત્યાં મનપાએ પાણી પીવાલાયક છે તેવી જાહેરાત કેવી રીતે કરી દીધી?
પાણીના કુદરતી સ્રોતમાં આફત આવી
મનપાના સત્તાધીશો હજુ પણ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. તંત્ર હજુ પણ પાણીની ગુણવત્તા અંગે સંપૂર્ણપણે આશ્વસ્ત નથી, આ જ કારણ છે કે લોકોને પાણી ઉકાળીને ગાળીને પીવાની સલાહ અપાઈ છે. ત્યારે વિપક્ષે સત્તા પક્ષ પર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની પણ માગ કરી છે, જે અંગે સત્તાધીશોએ કોઈ ફોડ નથી પાડ્યો...
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં
મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પોતે સ્વીકારે છે કે પાણીના મામલે આફત જેવી સ્થિતિ છે, જો કે આ આફતનો સામનો કરવાની જવાબદારી હાલ તો જનતાના માથે જ છે. કાં તો તેમણે તંત્રની સલાહ પ્રમાણે પાણીને ફટકડી નાંખી, ગાળી, ઉકાળીને પીવું પડશે અને કાં તો પછી પાણી બહારથી લાવવું પડશે. આ કવાયત ક્યાં સુધી કરવી પડશે, તેનો આધાર તંત્રની કામગીરી અને મૂડ પર છે.