પીએમ મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી, સુરતની આ હોસ્પિટલ એક વર્ષ સુધી આપશે સારવાર ફ્રી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરે જન્મદિવસ છે. ત્યારે સુરતના એક ઉદ્યોગપતિએ જરૂરીયાતમંદ વડીલોની સેવા કરવાનું નક્કી કર્યું છે. મુકેશ પટેલ દ્વારા 60 વર્ષથી મોટી ઉંમરના વડીલોના દાંતનું ચોકઠું ફ્રી બેસાડી આપવામાં આવશે. ઉદ્યોગપતિ મુકેશ પટેલ દ્વારા આ સેવા સતત એક વર્ષ સુધી કરવામાં આવશે.
સુરતઃ સુરત શહેર આમ તો દાનવીરોની ભૂમિ તરીકે ઓળખાય જ છે. ત્યારે આ વર્ષે દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સુરતના એક ઉદ્યોગપતિએ જરૂરિયાતમંદ વડીલોની સેવા કરવાનું નક્કી કર્યું છે. આ સેવા માત્ર એક દિવસ પૂરતી નહિ પરંતુ સતત એક વર્ષ સુધી કરવાનો નિર્ણય કર્યો છે.
સુરતના ઉદ્યોગપતિએ કર્યો સંકલ્પ
આગામી 17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આવી રહ્યો છે. ત્યારે તમામ લોકો પોતપોતાની રીતે તેની ઉજવણી કરશે. પરંતુ સુરતના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ પટેલ દ્વારા આ વર્ષે પ્રધાનમંત્રીના જન્મદિવસની ખાસ બનાવવા માટે એક નવી યોજનાની શરૂઆત કરવામાં આવનાર છે. જેમાં 60 વર્ષથી વધુની ઉંમર ધરાવતા જરૂરિયાતમંદ અને ગરીબ વડીલોને દાંતનો ચોકઠું ફ્રીમાં બેસાડી આપવામાં આવે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજના શરૂ કરવા પાછળનો તેમનો હેતુ એટલો જ છે કે પ્રધાનમંત્રી જ્યારે સમગ્ર દેશની સેવા કરી રહ્યા હોય ત્યારે દેશના નાગરિક તરીકે આપણી પણ ફરજ બને છે કે તેમના જન્મદિવસ નિમિત્તે બહુ મોટી નહીં પરંતુ એક નાની સેવા કરી શકાય. એટલે જ તેમણે આ સેવા કાર્ય માત્ર એક દિવસ પૂરતું નહીં પરંતુ આખા એક વર્ષ દરમિયાન ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે અને રોજના 10 વૃદ્ધોને આ સહાય કરવામાં આવશે અને તેનો તમામ ખર્ચ મુકેશભાઈ દ્વારા જાતે ઉઠાવવામાં આવશે.
આ પણ વાંચોઃ વડોદરામાં એક ફેક્ટરીમાં ATSના દરોડા, ડ્રગ્સનો કાચો માલ જપ્ત કરી ગોડાઉન સીલ કર્યું
આજથી શરૂ થયું રજીસ્ટ્રેશન
સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત ડાયમંડ હોસ્પિટલ સાથે કરાર કરીને "ચહેરો ઉજવે આનંદ ઉત્સવ" નામની આ યોજના 17મી સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવનાર છે. જેમાં સારવાર અંગેની તમામ સુવિધાઓ ડાયમંડ હોસ્પિટલ દ્વારા પૂરી પાડવામાં આવશે. અને જે પણ વડીલો કે વૃદ્ધોએ દાંતનો ચોક્કસ બેસાડવું હશે તેમણે ડાયમંડ હોસ્પિટલ ખાતે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આજથી શરૂ થયેલા રજીસ્ટ્રેશનમાં વધુમાં વધુ લોકો જોડાઈ તેવી પણ આ પ્રસંગે ડાયમંડ હોસ્પિટલના ટ્રસ્ટીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી જે રીતે દેશની સેવા કરે છે અને ગરીબ અને સામાન્ય માણસોને તમામ યોજનાઓનો લાભ અપાવવા કટિબદ્ધ છે. તે જ પ્રમાણે સુરતની ડાયમંડ હોસ્પિટલ પણ ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની વહારે આવીને પોતાનું યોગદાન આપવા માટે કટિબદ્ધ છે.
સામાન્ય રીતે આ પ્રકારની તકલીફ ધરાવતા દર્દીઓને દાંતના ચોખઠા બેસાડવા માટેની ટ્રીટમેન્ટ માટે ઓછામાં ઓછા 25 થી 35 હજાર રૂપિયાનો ખર્ચ થતો હોય છે. જે સમગ્ર ખર્ચ ઉદ્યોગપતિ મુકેશ પટેલ દ્વારા ચૂકવવામાં આવશે. તેમજ એક વર્ષ દરમિયાન ચાલનારી આ યોજનામાં કુલ 3,650 જેટલા દર્દીઓને નિશુલ્ક સેવા આપવાનો હોસ્પિટલ નો ટાર્ગેટ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube