અમદાવાદઃ લોકસભાની 26 બેઠક માટે બે યાદી જાહેર કર્યા બાદ ભાજપની ત્રીજી યાદી પર મંથન ચાલી રહ્યુ હતુ. પરંતુ ભાજપ ત્રીજી યાદી જાહેર કરે તે પહેલાં જ ભાજપના ઉમેદવારોને લઈને ભડકો થવા લાગ્યો. તેવામાં વિવાદ વચ્ચે પોતાની ત્રીજી યાદીમાં અમુક નવા જ નામો જાહેર કરીને ભાજપે વિવાદો પર પડદો પાડી દીઘો છે. ત્યારે કોણ છે એ ઉમેદવાર, કે જેણે તમામને ચોંકાવ્યા છે. જોઈએ આ અહેવાલમાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના તમામ 26 ઉમેદવાર જાહેર
ભાજપના 20 ઉમેદવારોના નામ જાહેર થયા બાદ અમુક ઉમેદવારોના નામને લઈને વિવાદ શરૂ થવા લાગ્યો હતો. વડોદરા બેઠક રંજનબેન ભટ્ટ અને સાબરકાંઠા બેઠક પર ભીખાજીની ઉમેદવારી પરત ખેંચાતા વિવાદ વકર્યો હતો. તો બનાસકાંઠા, વલસાડ, આણંદમાં પણ વિરોધનો વંટોળ ઉઠ્યો હતો. જો કે વિવાદો વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા ભાજપ હાઇકમાન્ડે સાવ આશ્ચર્યજનક નામો આપીને કાર્યકર્તાઓને અને ખાસ તો ટિકીટ માટે હું જ શ્રેષ્ઠ છું તેવા દાવા કરનારાંઓને પાઠ ભણાવ્યો છે. 


પાર્ટીએ ત્રીજી યાદીમાં જાહેર કર્યાં 6 ઉમેદવાર
ભારતીય જનતા પાર્ટીએ પોતાની ત્રીજી યાદીના 6 ઉમેદવારોમાંથી 5 બેઠક પર નવા ઉમેદવાર ઉતાર્યા છે. જ્યારે જૂનાગઢ એકમાત્ર બેઠક પર રાજેશભાઈ ચુડાસમાને રિપીટ કરાયા છે. ભાજપે નવી યાદીમાં બે જગ્યાએ ઉમેદવાર બદલ્યા છે. જેમાં વડોદરા સીટ માટે પહેલા જાહેર થયેલા ઉમેદવાર રંજન ભટ્ટની જગ્યાએ હેમાંગ જોશીની ટિકિટ આપી છે. જ્યારે સાંબરકાંઠા સીટ પર ભીખાજી ઠાકોરને બદલી શોભનાબેન બારૈયાને ટિકીટ આપી છે. આમ વડોદરામાં મહિલા ઉમેદવાર બદલી પુરુષ ઉમેદવાર જ્યારે સાબરકાંઠામાં પુરુષ ઉમેદવાર બદલી મહિલા ઉમેદવારને ટિકીટ આપી છે.


આ પણ વાંચોઃ મા અંબાના ચોકમાં પ્રગટેલી હોળી પરથી વરસાદનો વરતારો : શંકરજી ઠાકોરે કરી આ ભવિષ્યવાણી


વડોદરા બેઠક
ભાજપે વડોદરા બેઠક પર પહેલાં રંજનબેન ભટ્ટને ટિકિટ આપી હતી. પરંતુ અચાનક જ રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતા વિવાદ ઉભો થયો. ત્યારે ભાજપે વડોદરામાં કોઇપણ જૂથ સાથે નહીં સંકળાયેલા કોરી પાટી જેવા ઉમેદવાર ડો. હેમાંગ જોષીને રંજન ભટ્ટના વિકલ્પ તરીકે ઉતારીને વિવાદ પર ઠંડુ પાણી રેડું દીધું છે.


કોણ છે હેમાંગ જોષી
ચર્ચા એવી છે કે હેમાંગ જોષીએ વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીમાં ટિકીટ માંગી હતી, પરંતુ તેમને તે વખતે ટિકીટ મળી ન હતી. તેઓ કોઇપણ જૂથ સાથે સંકળાયેલા કે તેમના કોઇ ગોડફાધર નહીં હોવાથી તેમને ટિકીટ મળે તે માટે કોઇ જોર કરનારું હતું જ નહીં. ત્યારે કોઇ જૂથમાં ન હોવાથી જોષીને કોર્પોરેશન ચૂંટણીમાં જે નુક્સાન થયું હતું તે જ બાબતનો ફાયદો તેમને લોકસભા ચૂંટણીમાં થયો અને કોર્પોરેશનની જગ્યાએ સીધી લોકસભાની ટિકિટ મળી ગઈ. 


સાબરકાંઠા બેઠક પર પણ થયો હતો વિવાદ
વડોદરા બાદ સાબરકાંઠા બેઠકના ઉમેદવારને લઈને પણ વિવાદ શરૂ થયો હતો. સાબરકાંઠા પરથી ભીખાજી ઠાકોરે ઉમેદવારી પરત ખેંચી લેતા સમર્થકો રોષે ભરાયા હતા. બેનરો સાથે વિરોધ કરીને ચૂંટણી બહિષ્કાર સુધીની ચીમકી ભાજપના કાર્યકરોએ ઉચ્ચારી હતી. ત્યારે ભીખાજી ઠાકોરની જગ્યાએ ભાજપે શોભનાબેન ઠાકોરને ટિકિટ આપીને વિવાદની આગને શાંત કરી દીધી છે. 


સાબરકાંઠાના પ્રાંતિજની બાલિસણા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શોભનાબહેને હવે લોકસભાનો જંગ લડવા માટે શિક્ષક તરીકે રાજીનામું આપવું પડશે.


આ પણ વાંચોઃ ગુજરાતમાં ભાજપના 26 મૂરતિયાઓના નામ જાહેર; જાણો કોણ ક્યાંથી લડી રહ્યું ચૂંટણી?


રાજેશ ચુડાસમાને રિપીટ કરાયા
ભારતીય જનતા પાર્ટીએ પોતાની ત્રીજી યાદીમાં રાજેશ ચુડાસમાના નામની જાહેરાત કરતા અનેક લોકો ચોંકી ઉંઠ્યા હતા. કેમ કે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાનું નામ ડો. ચગ આત્મહત્યા પ્રકરણમાં ઢસડાયાં બાદ તેમની ટિકિટ કપાવાની ચર્ચાએ જોર પકડ્યું હતુ. તમામ લોકો વિચારી રહ્યા હતા કે જૂનાગઢ બેઠક પર ભાજપ આ વખતે રાજેશ ચુડાસમાને બદલી નાંખશે પરંતુ ભાજપે તમામ શક્યતાઓને ખોટી પાડીને રાજેશ ચુડાસમાને રિપીટ કરી દીધા છે.


ભાજપ માટે આ ત્રણ એવી બેઠક બની ગઈ હતી કે વિવાદ થાય તેમ હતો. બે ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી લેતા વિવાદ શરૂ પણ થઈ ગયો હતો. ત્યારે ડૉક્ટર ચગ આત્મહત્યા કેસમાં રાજેશ ચુડાસમાનું નામ આવતા આ બેઠકને લઈને ચર્ચાએ ભારે જોર પકડ્યુ હતુ. ત્યારે ભાજપે હવે આ તમામ ત્રણેય બેઠકો પર નામ ફાઈનલ કરી દીધા છે.