• પ્રાકૃતિક ખેતીથી બનાસકાંઠાના બાબુજી ઠાકોર કરે છે 500 થી 600 મણ બટાકાનું ઉત્પાદન

  • રાસાયણિક બટાકા કિલોના રૂ.10 ના ભાવે વેચાય છે, જેની સામે પ્રાકૃતિક ખેતીના બટાકા રૂ.15ના ભાવે વેચું છું


ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારના કૃષિ વિભાગે સંનિષ્ઠ પ્રયાસો આદર્યા છે. તેના પરિણામે આજે વધુ ને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતીને અપનાવી રહ્યા છે. વાત છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની. બટાકાની ખેતી એ બનાસકાંઠા વિસ્તારની આગવી ઓળખ છે. બટાકાના વિપુલ ઉત્પાદનને કારણે આ વિસ્તારમાં તેના કોલ્ડસ્ટોરેજની સંખ્યા પણ વધુ છે. બનાસકાંઠાના અનેક ખેડૂતોએ બટાકાના ઉત્પાદન માટે પ્રાકૃતિક ખેતીનો સફળ પ્રયોગ કર્યો છે. આવા જ એક પ્રગતિશીલ ખેડૂત છે, ડીસા તાલુકામાં આવેલા જોરાપુરા ગામમાં રહેતા બાબુજી ઠાકોર.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાબુજી ઠાકોર આજે પ્રાકૃતિક ખેતીથી બટાકાનું મબલખ ઉત્પાદન કરે છે અને લાખોમાં કમાણી કરે છે. વર્ષ 2016માં તેમણે બટાકાની પ્રાકૃતિક ખેતી કરવાનું શરૂ કર્યું હતું. શરૂઆતનું વર્ષ હોવાને કારણે અને પ્રાકૃતિક ખેતીનો બહુ અનુભવ ન હોવાને કારણે પ્રાકૃતિક ખેતીમાં બટાકાનું તેમનું ઉત્પાદન રાસાયણિક ખેતીની સરખામણીએ થોડું ઘટી ગયું હતું. પરંતુ, ખૂબ મહેનતને અંતે આખરે તેમને સફળતા મળી અને રાસાયણિક ખેતી હેઠળ મળતા ઉત્પાદન કરતાં પણ વધુ ઉત્પાદન તેમને પ્રાકૃતિક ખેતી હેઠળ મળવા લાગ્યું. આજે બાબુજી ઠાકોર એકરદીઠ 500 થી 600 મણ બટાકાનું ઉત્પાદન મેળવે છે.


આ પણ વાંચો : સમાજ કહેશે તો રાજકારણમાં આવીશ... ખોડલધામના મંચ પરથી નરેશ પટેલનું મોટુ નિવેદન


બાબુજી ઠાકોર જણાવે છે કે, ‘પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરવાને કારણે મને મારા બટાકાના ભાવ પ્રમાણમાં ઘણા સારા મળે છે. રાસાયણિક બટાકા કિલોના રૂ.10 ના ભાવે વેચાય છે, જેની સામે હું મારા પ્રાકૃતિક ખેતીના બટાકા કિલોના રૂ.15ના ભાવે વેચું છું. આમ, મને કિલોએ રૂ.5 વધારે મળે છે. વર્ષ 2019-20માં મેં રૂ. 2.60 લાખના બટાકાનું વેચાણ કર્યું હતું.’


પ્રાકૃતિક ખેતી તરફ વળવાને કારણે તેમના ખર્ચમાં થયેલા ઘટાડાની વાત જણાવતા તેઓ કહે છે કે, ‘રાસાયણિક પદ્ધતિથી હું જ્યારે ખેતી કરતો ત્યારે રૂ. 18 થી 20 હજારનો ખર્ચ તો મારે ખાતર લાવવામાં જ થઈ જતો હતો. પણ પ્રાકૃતિક ખેતીમાં આ ખર્ચનો પ્રશ્ન રહેતો જ નથી. ઉપરાંત, પાકમાં રોગચાળો લાગે તો તેના માટે દશપર્ણી અર્ક, નિમાસ્ત્ર જેવી દવાઓનો અમે છંટકાવ કરીએ છીએ અને આ દવાઓ અમે જાતે જ બનાવીએ છીએ. મહત્વની વાત એ છે કે બંને પદ્ધતિથી બટાકાનું ઉત્પાદન એકસરખું જ થાય છે, પરંતુ પ્રાકૃતિક ખેતીમાં બટાકાની ગુણવત્તા ઘણી સારી હોય છે, જેથી ભાવ સારો મળે છે. આમ, ખાતર અને દવાઓનો ખર્ચ ઘટે છે, અને ભાવ વધુ મળે છે, જેના પરિણામે અમને ખેડૂતોને ઘણો આર્થિક ફાયદો થાય છે.’ 



બાબુજી ઠાકોરની બટાકાની સફળ પ્રાકૃતિક ખેતીના પ્રયોગથી પ્રેરાઈને આસપાસના ગામોના અન્ય આઠ-દસ ખેડૂતોએ પણ છેલ્લાં બે વર્ષ દરમિયાન પ્રાકૃતિક ખેતીનો પ્રારંભ કર્યો છે.  બાબુજી ઠાકોર જણાવે છે કે, આરોગ્યની દ્રષ્ટિએ પણ પ્રાકૃતિક ખેતીના બટાકા ઘણા લાભદાયી હોય છે. તેની મીઠાશ વધુ હોય છે. વધુમાં આ બટાકાની ટકાઉશક્તિ પણ વધારે હોય છે. બટાકા ખરીદ્યા પછી અઢીથી ત્રણ મહિના સુધી બગડતાં નથી અને કોલ્ડસ્ટોરેજમાં સંગ્રહ કરીએ તો એક વર્ષ સુધી બટાકા સારા રહે છે. રાસાયણિક બટાકામાં આ બાબત શક્ય નથી. પ્રાકૃતિક ખેતીના કારણે જમીનના ગુણધર્મોમાં પણ ઘણો ફરક જોવા મળતો હોય છે. 


બાબુભાઈ જણાવે છે કે, જમીન હવે છિદ્રાળુ, પોચી, ઉપજાઉ અને ફળદ્રુપ બનવા લાગી છે. ખેતરમાં પહેલા અળસિયાં બિલકુલ દેખાતા નહોતા, તેના બદલે હવે ચોમાસામાં આખું ખેતર અળસિયાથી ભરાઈ ગયું હોય છે. હજારોની સંખ્યામાં અળસિયાની સક્રિયતાના કારણે જમીનમાં પાણીની સંગ્રહશક્તિ વધી ગઈ છે. વરસાદી પાણી હવે ખેતરમાં જ સમાઈ જાય છે, જેના કારણે કુદરતી રીતે જળસંચય થાય છે.


બિનઉપજાઉ થઈ ગયલી જમીનને ફળદ્રુપ બનાવતા અળસિયામાં રહેલા સેન્દ્રીય તત્વોનું એક આગવું વિજ્ઞાન છે. કાળક્રમે ખેડૂતો આ વિજ્ઞાનને ભૂલી ગયા હતા. પણ આજે કાળચક્ર ફર્યું છે અને ખેડૂતો હવે પાછા પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે, જે ભવિષ્યનો શુભ સંકેત છે.