અમદાવાદ : વૈભવી ઔડી કારે નોકરીથી ઘરે જતા યશને કચડ્યો, મોત આપીને ત્યાંથી ફરાર થઈ ગયો
Ahmedabad Hit And Run : પોલીસ એક જ રાતમાં અકસ્માત સર્જીને ભાગી ગયેલા ઓડી કારના માલિકને શોધી કાઢ્યો
મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદમાં ગુરુવારે મોડી રાતે RTO પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં વૈભવી કારના પૈડા નીચે કચડાઈને નોકરી કરીને પરત ફરી રહેલો યુવકનું મોત નિપજ્યુ હતું. તો યુવકને કચડીને ઔડી કારનો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે સવાર સુધીમાં સીસીટીવી મેળવીને કાર ચાલકને શોધી કાઢ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઝુંડાલ વિસ્તારનો રહેવાસી 25 વર્ષીય યુવક યશ ગાયકવાડ વિશાલા હોટલમાં કેશિયર તરીકે નોકરી કરે છે. તે મોડી રાતે નોકરીથી પરત ફરી રહ્યો હતો. ત્યારે આરટીઓ સર્કલ પાસેથી પસાર થઈ રહેલી એક ઔડી કારે તેને કચડ્યો હતો. ઔડી કારનો ચાલક યશની બાઈકને ચીમનભાઈ બ્રિજથી RTO સર્કલ સુધી ઘસડી લઇ ગયો હતો. જેમાં યશ ગાયકવાડનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યુ હતું. યશને કચડીને ઔડીનો ચાલક ગાડી લઈને ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકોએ પોલીસને આ વિશે જાણ કરી હતી. જેના બાદ યશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો.
આ પણ વાંચો : ગુરુવારની રાત કાળ બનીને આવી : એક જ રાતમાં ત્રણ અકસ્માત, 6 ના કમકમાટીભર્યાં મોત
આ પણ વાંચો : જન્માષ્ટમી પર અમદાવાદના પુરાણી પરિવાર પર દુખનો પહાડ તૂટ્યો, અકસ્માતમાં સાસુ-વહુ-પૌત્રીના મોત
અકસ્માત બાદ પોલીસે કારચાલકની તપાસ શરૂ કરી હતી. જેમાં એક જ રાતમાં પોલીસે સીસીટીવી કબજે કરીને ઔડી કારની વિગતો મેળવી હતી. ઔડી કારનો નંબર GJ -01- RP- 0774 હોવાનું સામે આવ્યું છે. સાથે જ અકસ્માત સર્જી ફરાર થઇ જનાર કાર ચાલકનું નામ પણ સામે આવ્યું. GJ-01-RP-0774 ઔડી કાર સાબરમતી વિસ્તારના રહેવાસી રોહન કુમારની હોવાનુ ખૂલ્યું છે. ત્યારે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરિયાદ નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.