મૌલિક ધામેચા/અમદાવાદ: હાલ ચારેબાજુ વિદેશ જવાનો લોકોમાં મોહભંગ થઈ રહ્યો છે. ત્યારે વિદેશમાં મોકલવા માર્કશીટમાં ચેડા કરીને ડુપ્લીકેટ માર્કશીટ બનાવવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. એલિસબ્રિજ પોલીસે 3 આરોપીની ધરપકડ કરીને 31 જેટલી ડુપ્લીકેટ માર્કશીટ જપ્ત કરી છે. ત્યારે વિદેશ જવાની ઘેલછામાં વિદ્યાર્થીઓ આવી ઠગ ટોળકીનો પણ શિકાર ન બને તેનો ખ્યાલ રાખવો જરૂરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનામાં પોલીસે ઝડપેલ ત્રણ આરોપીઓના નામ મનીષ ઝવેરી, નીરવ વખરીયા અને જીતેન્દ્ર ઠાકોર છે. જે ડુપ્લીકેટ માર્કશીટના આધારે અનેક વિદ્યાર્થીઓને ગેરકાયદે વિદેશ મોકલીને મોકલી ચુક્યા છે. હાલમાં પણ અનેક વિદેશ વાંછુંકોને મોકલવા અનેક લોકો પાસેથી પૈસા લઈ ચુક્યા છે. સામાન્ય રીતે કોઈ પોતાનું કેરિયર બનાવવા તો કોઈ બેરોજગાર પોતાની જીવનભર બચાવેલી મૂડીથી વિદેશ જવા માટે સપના જોતા ભેજાબાજ સકંજામાં ફસાઈ જાય છે.



લોકોના જીવન સપના આશાઓ સાથે ચેડાં કરતા આ આરોપીનો પર્દાફાશ એલિસબ્રિજ પોલીસે કર્યો છે. આરોપીઓ વિદ્યાર્થીઓની ધોરણ 12ની માર્કશીટમાં ચેડાં કરી બોગસ માર્કશીટના આધારે UK માં એડમિશન આપીને લાખો રૂપિયા પડાવતા હતા. પોલીસે 31 થી વધુ ડુપ્લિકેટ માર્કશીટ જપ્ત કરીને આરોપીઓની ધરપકડ કરી છે. આ માર્કશીટ કૌભાંડનો માસ્ટર માઈન્ડ મનીષ ઝવેરી છે. મનીષ ઝવેરીએ આંબાવાડીમાં યુનિવર્લ્ડ નામથી વિઝા કન્સલ્ટિંગની ઓફિસ શરૂ કરી હતી. આ આરોપી ફોરેન સ્ટુડન્ટ એસોસિએશનનો પ્રમુખ છે. 



વિદેશમાં અભ્યાસ કરવા માટે IELTS ની પરીક્ષા આપીને સારા બેન્ડ મેળવવા ફરજિયાત છે. પરંતુ વિદેશ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ IELTS જો પાસ નથી કરી શકતા તો તેમની માર્કશીટમાં ચેડા કરીને વિદેશમાં એડમિશન કરાવે છે. જે વિદ્યાર્થીઓના ધોરણ 12માં અંગ્રેજીમાં 70થી વધુ માર્ક્સ આવેલા હોય તેમનું UKમાં એડમિશન થઈ જાય છે. જેથી આરોપી અસલી માર્કશીટના માર્ક્સમાં ચેડા કરતો હતો. 56 માર્કસના 76 કે 86 કરતો હોવાનો ખુલાસો થયો છે અને માર્કશીટની ઝેરોક્ષ કાઢીને UK ની યુનિવર્સિટીમાં એડમિશન માટે મોકલતો હતો.



જો વિદ્યાર્થીનું એડમિશનનું નક્કી થઈ જાય તો આરોપી અસલી માર્કશીટમાંથી ગુજરાત એજ્યુકેશન બોર્ડની સાઇનિંગ વાળો સિક્કો કાઢીને ડુપ્લીકેટ માર્કશીટ બનાવીને વિધાર્થીને વિદેશ મોકલતો હતો. કૌભાંડી મનીષ ઝવેરી લોકોને વિદેશ જવાના અવેરનેસના પ્રોગ્રામ પણ કરતો હોવાનું પણ ખુલ્યું છે. હાલમાં માર્કશીટ કૌભાંડમાં અનેક વિદ્યાર્થીઓને વિદેશ મોકલ્યા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. એલિસબ્રિજ પોલીસે આ માર્કશીટ કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે મુદ્દે પૂછપરછ શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube