સસ્તા હોલીડે પેકેજના નામે 200 લોકો છેતરાયા, અમદાવાદનું મોટું ટ્રાવેલ કૌભાંડ
Ahmedabad News : ગુજરાતીઓ ફરવાના શોખીન હોય છે, તેથી જ અનેક ટુર્સ એન્ડ ટ્રાવેલ કંપનીઓ ગુજરાતીઓને ફરવાના નામે છેતરતા હોય છે... અમદાવાદની ટુર એન્ડ ટ્રાવેલ કંપનીએ 120 જેટલા લોકો સાથે આશરે 4 કરોડથી વધુની છેતરપિંડી કરી
મૌલિક ધામેચા/અમદાવાદ :સસ્તી હોલીડે ટુર આપવાના બહાને કરોડોની ઠગાઈ કરનાર મુખ્ય આરોપીની અમદાવાદ પોલીસે ધરપકડ કરી છે. જોકે કે, આ સસ્તી ઓફર આપતા કેસી હોલીડેનો મેનેજર અને સહ આરોપી ફરાર છે. જેની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. સાથે જ પોલીસ તપાસમાં 200 જેટલા લોકો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. જેનો છેતરપિંડીનો આંક ચાર કરોડની પાર જઇ રહ્યો હોવાનું પોલીસ માની રહી છે.
કેસી હોલીડેના કિરણ ચૌહાણની સેટેલાઈટ પોલીસે કરોડોની ઠગાઈ મામલે ધરપકડ કરી છે. સાથે જ તેના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. કિરણ ચૌહાણ અને તેનો સહ આરોપી મિહિર શાહ એ ભેગા મળી દુબઈ, સિંગાપુર સહિતની હોલીડે ટુર ઓછા ભાવની ઓફર આપી હતી. તેઓએ લોકોને સસ્તા ટુરના સપના બતાવીને છેતરપીંડી કરી હતી. જેમા 120 જેટલા લોકો સાથે આશરે 4 કરોડથી વધુની છેતરપિંડી કરી હોવાનું પોલીસ માની રહી છે. સાથે જ સેટેલાઈટ પોલીસે અત્યાર સુધીમાં 100 થી વધુ લોકોના નિવેદનો નોંધ્યા છે. જેમાં અલગ-અલગ ટુરના નામે રૂપિયા પડાવ્યા હતા. સાથે જ ટૂરમાં ગયેલા લોકોને અપૂરતી સુવિધાઓ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : ‘કમા’ પર રાજનીતિથી ગિન્નાયું કોંગ્રેસ, કહ્યું-દિવ્યાંગોને તો ચૂંટણીમાં ન ધસેડો
ઝડપાયેલા આરોપી કિરણ ચૌહાણની પૂછપરછ કરતા અને ભોગ બનનારના નિવેદનમાં એ વાત સામે આવી કે આરોપીઓએ કેટલાક લોકોના પાસપોર્ટ પણ પોતાની પાસે રાખ્યા હતા. જે પાસપોર્ટ ક્યાં છે અને કોની પાસે છે સાથે જ તે પાસપોર્ટ નો કોઈ દુર ઉપયોગ થયો છે કે કેમ તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
મહત્વનું છે કે, આ ગુનામાં અન્ય આરોપી મિહિર શાહની આગોતરા જામીન અરજી પર સુનાવણી ચાલુ છે. તેથી તેની ધરપકડ થયા બાદ આ છેતરપિંડી અંગે ઘણી નવી હકીકત સામે આવી શકે છે.