અમદાવાદમાં મલાઈદાર પદ માટે લોબિંગ શરૂ, કોણ બનશે શહેરના નવા મેયર, આ નામ છે સૌથી વધુ ચર્ચામાં
Ahmedabad New Mayor : અમદાવાદ મહાનગરપાલિકાના નવા મેયરની વરણી માટે તેજ થઈ ગતિવિધિ...મણિનગરના કોર્પોરેટર શીતલ ડાગાનુ નામ રેસમાં સૌથી આગળ...ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેનના પદ માટે શરૂ થયું લોબિઈંગ..
Ahmedabad News અર્પણ કાયદાવાલા/અમદાવાદ : રાજ્યની સૌથી મોટી મહાનગર પાલિકામાં નવા મેયર માટે કવાયત તેજ થઈ ગઈ છે. 9 સપ્ટેમ્બરે અમદાવાદને નવા મહિલા મેયર મળવાના છે. વર્તમાન મેયર કિરીટ પરમાર સહિત ભાજપના 5 હોદ્દેદારોની મુદ્દત 9 સપ્ટેમ્બરે પૂર્ણ થવાની છે. તે જ દિવસે AMCની સામાન્ય સભાની બેઠક મળશે. જેમાં નવા મેયરની ચૂંટણીના આધારે નિમણૂક કરવામાં આવશે. જો કે ભાજપ પાસે બહુમતી હોવાથી મહિલા કોર્પોરેટર મેયરના પદ પર બેસે તે નક્કી જ છે.
કોના કોના નામ ચર્ચામાં
ત્યારે મેયર પદ માટે અત્યારથી લોબિંગ પણ શરૂ થઈ ગયું છે. મેયર માટે શાહીબાગ વોર્ડના મહિલા કોર્પોરેટર પ્રતિભા જૈન, મણિનગર વોર્ડના કોર્પોરેટર શીતલ ડાગાનું નામ સૌથી આગળ છે. તો ભાજપ મોવડી મંડળ દ્વારા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટને ફરી રિપીટ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. જો કે સ્ટેન્ટિંગ કમિટીના ચેરમેન બનવા માટે કેટલાક કોર્પોરેટરો લોબિંગ શરૂ કરી દીધું છે.
ગુજરાતમાંથી એકાએક ગાયબ થયો વરસાદ, આગામી 5 દિવસ માટે આવી છે ભયાનક આગાહી
નવા મેયર મહિલા કોર્પોરેટર બનશે
વર્ષ 2021 માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપના 159 કોર્પોરેટરો અને કોંગ્રેસના માત્ર 25 કોર્પોરેટરો, અન્યના 7 કોર્પોરેટર જીત્યા હતા. તે વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના મોવડી મંડળે અમદાવાદના મેયર તરીકે ઠક્કર બાપાનગર વોર્ડના કોર્પોરેટર કિરીટ પરમારની પસંદગી કરી હતી. જ્યારે OBC ક્વોટામાંથી થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. ચાંદખેડાના કોર્પોરેટર અરુણસિંહ રાજપુતને હિન્દીભાષી સમાજને ધ્યાને રાખી દંડકની પોસ્ટ આપી હતી. નારણપુરાના મહિલા કોર્પોરેટર ગીતાબહેન પટેલને ડેપ્યુટી મેયર તરીકે નિમવામાં આવ્યા હતા. સરસપુરના કોર્પોરેટર ભાસ્કર ભટ્ટને પક્ષના નેતાના પદે મૂકાયા હતા. જો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 50 ટકા મહિલા અનામત હોવાના લીધે 9 સપ્ટેમ્બરના રોજ મેયરની અઢી વર્ષની મુદત પૂર્ણ થશે. જેથી મેયર કિરીટ પરમારની જગ્યાએ નવા મેયર મહિલા કોર્પોરેટર બનશે. જે આગામી અઢી વર્ષ સુધી અમદાવાદની કમાન સંભાળશે. ત્યારે નવા મેયર માટે હાલ ભાજપમાં ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. વિવિધ કોર્પોરેટરો પોતાના રાજકીય ગોડફાધરો પાસે જઇને પોતાને હોદ્દો મળે એ માટે દોડધામ કરી રહ્યા છે.
ગુજરાતી ભાષાનો મહિમા કરવાનો દિવસ : ગુજરાતી ભાષાનાં ઉદભવ પહેલા ગુજરાતીઓ કઈ ભાષા બોલતા
અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગ પર મંદીના વાદળ છવાયા, વેપારીઓએ સરકાર પાસે કરી આ માંગ
તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે પણ અત્યારથી લોબિંગ શરૂ થઈ ગયુ છે. હિતેશ બારોટની ટર્મ પૂર્ણ થતા નવા ચેરમેન બની શકે છે. જેથી ઘાટલોડિયાના કોર્પોરેટર જતીન પટેલ, પાલડીના કોર્પોરેટર જૈનિક વકીલના નામ રેસમાં સૌથી આગળ છે. એટલું જ નહીં વર્તમાન રોડ કમિટી ચેરમેન અને ભૂતકાળમાં હાઉસિંગ કમિટીના ચેરમેન રહેલા સિનીયર કોર્પોરેટર મહાદેવ દેસાઇ પણ પોતાના ગોડફાધરની મદદથી સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન બનવાના પ્રયાસો કરી રહ્યા છે. જો કે પાટીદાર, વણિક-જૈન સમાજના કોર્પોરેટરને પણ સ્ટેન્ડિંગ કમિટીનું ચેરમેન પદ મળી શકે તેમ છે. જો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બદલાય તો મેયર પદનું ગણિત પણ બદલાઈ શકે છે. જેથી OBC સમાજના મહિલા કોર્પોરેટર પણ અમદાવાદના નવા મેયર બની શકે છે. જેમાં બોડકદેવ વોર્ડના કોર્પોરેટર દિપ્તીબહેન અમરકોટિયાનું નામ પણ મોખરે છે.
ભાજપ મોવડી મંડળ દ્વારા એક સપ્ટેમ્બરથી નવા મેયર સહિતના હોદ્દા માટે પેનલ બનાવવા પર ચર્ચા કરવામાં આવશે..ભાજપ મોવડી મંડળ દ્વારા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પક્ષના નેતા અને દંડકના હોદ્દા માટે ચારથી પાંચ કોર્પોરેટરના નામની પેનલ બનાવશે. જેના પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ આખરી નિર્ણય લેશે.