• અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ બાળકના પેટમાંથી 2 ઈંચનો સ્ક્રુ બહાર કઢાયો 

  • બાળકના મોટા અને નાના આંતરડાના બંન્ને છેડે સ્ક્રુ ચોંટીને ફસાઇ ગયો, સિવિલના તબીબોએ ભારે જહેમતથી સ્ક્રુ દૂર કર્યો 

  • ખર્ચાળ એવી સર્જરી સિવિલ હોસ્પિટલમાં નિ:શૂલ્ક થતા પરિવાર અને 2 વર્ષીય પિયુષ ચિંતા અને પીડા બંનેથી મુક્ત થયા 


ઝી મીડિયા/બ્યૂરો :નાના બાળકો રમત રમતમાં કેટલીક વખત ભૂલથી કોઇ વસ્તુ ગળી જતા હોય છે. જેના કારણે ક્યારેક બાળકો મોટી મુશ્કેલીમાં મૂકાઈ જતા હોય છે. આવા ઘણા કિસ્સાઓ આપણી આસપાસમાં બનતા સાંભળ્યા હશે. પરંતુ જો આ પ્રકારના કિસ્સામાં તકેદારી રાખવામાં ન આવે અને સત્વરે સચોટ સારવાર ના મળે તો મોટી હાનિ થવાનો ભય પણ રહેલો હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના ચાંદલોડીયામાં રહેતા અને સુથાર કામ કરતા રામકલાલ ચૌહાણના બાળક સાથે કંઇક આવું જ બન્યું. તેમનો 2 વર્ષનો બાળક પિયુષ ઘરમાં રમતા-રમતા કેટલીક વસ્તુઓ ગળી ગયો. જેના કારણે તેને સમયાંતરે ઉલ્ટીઓ થવાની શરૂ થઇ. શરૂમાં તો તેના માતા-પિતાએ નજરઅંદાજ કરીને સામાન્ય દવાઓ આપી. પરંતુ પિયુષને સતત શરદી અને ઉધરસ રહેવા લાગી ત્યારે તેના માતા-પિતા  ખાનગી હોસ્પિટલમાં તેને સારવાર અર્થે લઇ ગયા. 


આ પણ વાંચો : આ છે ગુજરાતના સૌથી વધુ જોવાયેલા ટોપ-3 Videos, ભગવાન રામના ચરણોમાં પડેલી વીજળી કેમેરામાં કેદ થઈ


ખાનગી હોસ્પિટલના તબીબોએ એક્સ-રે કરાવતા પિયુષ ત્રણથી ચાર વસ્તુઓ ગળી ગયો હોવાનું જાણવા મળ્યું. ત્યાંના સર્જનોએ એન્ડોસ્કોપી કરતા નાની ચેઇન અને ટાંકણી તેના પેટમાં હોવાની જાણ થઇ. જે ખાનગી તબીબોએ સર્જરી કરીને દૂર કરી. પરંતુ આ બંને વસ્તુની સાથે સ્ક્રુ પણ તેના પેટમાં હતા. જેણે તબીબોને પણ આશ્ચર્યમાં મૂકી દીધા. જેની સર્જરી કરવી ખાનગી તબીબો માટે જોખમ ભરેલી અને ખર્ચાળ પણ હોવાથી સામાન્ય વર્ગના પરિવાર માટે અશક્ય બની રહી હતી. જેથી પિયુષના માતા-પિતા તેને સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઇ આવ્યા. 


સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગમાં જ્યારે પીયુષને લાવવામાં આવ્યો ત્યારે અહીંના તબીબોએ પણ વિવિધ રિપોર્ટસ કરાવ્યા. રિપોર્ટના આધારે સ્ક્રુ ક્યાં ફસાયેલો છે તે જોવાનો પ્રયત્ન કર્યો. તબીબોના અનુભવના આધારે આ સ્ક્રુ લગભગ 6 થી 8 મહિનાથી આંતરડામાં ચોંટી ગયો હશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું. 2 વર્ષના બાળકના બંને આંતરડા વચ્ચે ફસાયેલા સ્ક્રુને સર્જરી દ્વારા દૂર કરવું પડકાર ભરેલું હતું. આ તમામ પડકારભરેલી પરિસ્થિતિઓ જોતા સિવિલ હોસ્પિટલ બાળરોગ વિભાગના વડા અને સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી અને તેમની ટીમે પિયુષને આ પીડામાંથી મુક્ત કરવાનું બીડુ ઉપાડ્યુ. તેઓએ એનેસ્થેસિયા વિભાગના આસીસ્ટન્ટ પ્રોફેસર ડૉ. કિરણ પટેલ અને તેની ટીમના સહયોગથી આ સર્જરી હાથ ધરી. 



આ પણ વાંચો : પિતાએ રસ્તે ઉભા રહી દીકરીનો જીવ બચાવવા મદદ માંગી, સુરતીઓએ ખોબલે ભરીને દાન આપ્યું 


સર્જરી દરમિયાન તબીબોને આશ્રર્યમાં મૂકે તે બાબત એ હતી કે, સ્ક્રુનો આગળનો ભાગ મોટા આંતરડામાં જ્યારે પાછળનો અણીદાર ભાગ નાના આંતરડા વચ્ચે ચોંટી ગયો હતો. આ સર્જરી દરમિયાન ખૂબ જ ચોકસાઇ વર્તવાની જરૂર હતી. સર્જરી બાદ આંતરડામાં રૂઝ ન આવે અને ટાંકા તૂટી જાય તો પિયુષનો જીવ જોખમમાં મુકાવવાની શક્યતાઓ રહેલી હતી. પરંતુ નિષ્ણાંત તબીબોની ટીમે ફરી એક વખત પોતાની નિપુણતા અને કૌશલનો પર્ચો બતાવ્યો અને પિયુષના આંતરડામાંથી સ્ક્રુ દૂર કર્યો. 



સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોશી આ સર્જરીની જટીલતા સમજાવતા કહે છે કે, સામાન્ય રીતે બાળકોમાં ઘણી વખત સિક્કા, પીન, ચાવી, બટન, નાના રમકડા, પથ્થર અને સ્ક્રુ જેવા બાહ્ય પદાર્થો ગળી જવાના કિસ્સા અમારી પાસે આવ્યા છે. બાળક જ્યારે કોઇ બાહ્ય પદાર્થ ગળી જાય ત્યારે તે પ્રથમ નાના આંતરડામાં પ્રવેશે છે ત્યાં થઇને મોટા આંતરડામાં પહોંચી મળમાર્ગથી બહાર નીકળી જાય છે. ઘણી વખત ખોરાકની સાથે મિશ્ર થઇને મળમાર્ગ દ્વારા પણ નીકળી જવાની ઘટનાઓ અમે જોઇ છે. પરંતુ પીયુષના કિસ્સામાં સ્ક્રુના ઉપરનો ભાગ નાના આંતરડામાં પ્રવેશ્યો અને ત્યારબાદ તે મોટા આંતરડા અને નાના આંતરડા બંને વચ્ચે ચોંટી જઇ ફસાઇ ગયુ હશે તેવું અમારૂ અનુમાન છે. જે કારણોસર તેને બહાર નીકળવાનો માર્ગ અશક્ય બની રહ્યો.જે કારણોસર તેની સર્જરી કરવી અનિવાર્ય બની રહી હતી. ડૉ. રાકેશ જોષીએ દરેક માતા-પિતાને ઘરમાં આવા બાહ્ય પદાર્થો બાળકથી દૂર રાખવા અથવા બાળક પહોંચી ન શકે તેવા અંતરે રાખવા સલાહ આપી. ઘણી વખત તકેદારી જ તમને મોટી હાનિમાંથી બચાવી શકે છે તેવું તેમણે ઉમેર્યુ હતુ.