મોતના મુખમાં લઈ ગઈ US જવાની લાલચ, યમરાજને મળીને પરત આવ્યું ગુજરાતી દંપતિ, નવા VIDEO એ મચાવી ચકચાર
Ahmedabad Patel Couple In Iran: નરોડાના દંપતીના ઈરાનમાં થયેલા અપહરણના કેસમાં ઝી 24 કલાક એજન્ટની ઓફિસે પહોચ્યું છે. અભય રાવલ નામના એજન્ટની ગાંધીનગરના સરગાસણ ખાતે ઓફિસ આવેલી છે. પરંતુ અભય રાવલ સામે ફરિયાદ થયા બાદ ઓફિસ છેલ્લા 6 દિવસથી બંધ છે.
ઝી બ્યુરો/ઉદય રંજન: અમદાવાદના પંકજ પટેલ અને તેમના પત્ની નિશા પટેલનું અમેરિકા જવાનું સપનું ભારે પડી ગયું છે. પરંતુ હાલ દંપતિ અને પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. અમેરિકા જવાની લાલચે ઈરાનમાં ફસાયેલા અમદાવાદના દંપતી સરકારના પ્રયાસથી આખરે અમદાવાદ પરત ફર્યું છે. અમદાવાદમાં દંપતીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. પંકજ પટેલ અને નિશા પટેલ સરકારના પ્રયાસથી ગુનેગારો પાસેથી છુટી શક્યા છે, પરંતુ તેમણે વિતાવેલા એ કલાકોમાં એમણે અનેક યાતનાઓ સહન કરી છે.
ઝી 24 કલાક પહોચ્યું એજન્ટની ઓફિસે
નરોડાના દંપતીના ઈરાનમાં થયેલા અપહરણના કેસમાં ઝી 24 કલાક એજન્ટની ઓફિસે પહોચ્યું છે. અભય રાવલ નામના એજન્ટની ગાંધીનગરના સરગાસણ ખાતે ઓફિસ આવેલી છે. પરંતુ અભય રાવલ સામે ફરિયાદ થયા બાદ ઓફિસ છેલ્લા 6 દિવસથી બંધ છે. અભય રાવલની હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પૂછપરછ કરી રહી છે. ટ્રમ્પ ઓવર્સિસ લખેલું બેનર હાલ અભય રાવલની ઓફિસ લાગેલું છે.
વધુ એક વીડિયો વાયરલ
ઈરાનમાં ગુજરાતી દંપત્તિ અપહરણ મામલે વધુ એક વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં પટ્ટા વડે યુવાનને માર મરાઈ રહ્યો છે. વાયરલ વીડિયો સાથે બંધક યુવાનનો ઓડિયો પણ વાયરલ થયો છે. જેમાં તે પોતાના ભાઈ સાથે વાત કરાવા કહી રહ્યો છે. એટલું જ નહીં, વીડિયોમાં પ્લાસ્ટિક સળગાવીને શરીર પર નાંખતા હોવાની ઓડિયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આંગડિયા પેઢીમાંથી પૈસા મોકલાવો તો અહીંયાથી છોડી દેશે નહી તો મારી દેશે, એવું યુવાન બોલતો નજરે પડી રહ્યો છે.
1.15 કરોડમાં અમેરિકા લઈ જવાની થઈ હતી ડિલ
પંકજ પટેલે અણેરિકા જવા માટે ગાંધીનગરના સરગાસણ ખાતે એજન્ટ પિન્ટુ ગોસ્વામી અને અભય રાવલનો સંપર્ક કર્યો હતો. બંનેને અમેરિકા પહોંચાડવા માટે 1.15 કરોડની ડીલ થઈ હતી. સંકેત પટેલના કહેવા અનુસાર, એજન્ટનો એડવાન્સમાં એક રૂપિયો પણ આપવાનો ન હતો. પંકજ પટેલ અને તેની પત્નીને પહેલા હૈદરાબાદ લઈ જવાયા હતા. ત્યાંથી બીજો એજન્ટ તેમને વાયા દૂબઈ, ઈરાન થઈને અમેરિકા મોકલશે એવી ડીલ થઈ હતી. જોકે, અમેરિકા જવાને બદલે દંપતી ઈરાન પહોંચ્યુ હતું. ઈરાનમાં બંનેને બંધક બનાવી લેવાયા હતા.
યુવકના ભાઈએ ફરિયાદ નોંધાવી
જે યુવકનો વીડિયો સામે આવ્યો છે, તેનુ નામ પંકજ પટેલ છે. તેના સગા ભાઈ સંકેત પટેલે અમદાવાદના કૃષ્ણનગર પોલીસ મથકમાં અરજી કરી કે, તેના ભાઈ-ભાભીએ ગાંધીનગર સરગાસણ ખાતેના એક એજન્ટ સાથે રૂ.1.15 કરોડમાં ગેરકાયદે અમેરિકા જવાનો સોદો નક્કી કર્યો હતો. એજન્ટે એવુ કહ્યું હતું કે તેમના ભાઈ ભાભીને પહેલા હૈદરાબાદ લઈ જવાશે અને ત્યાંથી બીજો એજન્ટ તેમને વાયા, દુબઈ, ઈરાન થઈને અમેરિકા મોકલશે. આવામાં હવે અમેરિકા પહોંચતા પહેલતા જ તેમના ભાઈ-ભાભીનુ ઈરાનમાં અપહરણ થયું હોય તેવું લાગે છે.
કેવી રીતે પાર પાડ્યુ ઓપરેશન
દંપતીને છોડાવવા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગંભીરતા દાખવી હતી. એક તરફ અમદાવાદ પોલીસ રથયાત્રાની તૈયારીમાં વ્યસ્ત હતી, છતાં વિદેશ મંત્રાલય, ઈન્ટરપોલ, ઈરાન ખાતેના રાજદૂતનો સંપર્ક કરાયો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટેમ હાઈલેવલ ડેડીકેટેડ ટીમ દ્વારા તપાસ કરાવી હતી. વિદેશ મંત્રાલય, સેન્ટ્રલ આઈબી, રો, ઈન્ટરપોલ તમામનો સંપર્ક કરાયો હતો. હર્ષ સંઘવી રાતે 3.30 સુધી પંકજ પટેલના પરિવાર સાથે રહ્યા હતા. આખરે તહેરાનથી અપહરણકારોની ચુંગલમાંથી દંપતીને મુક્ત કરાવાયા હતા.
ક્રુરતા આચરતો વીડિયો પરિવારને મોકલ્યો હતો
પંકજ પટેલ પર યાતનાઓ કરતો આ વીડિયો તેના પરિવારજનોને મોકલાયો હતો. જેમા એક વીડિયોમાં પતિ અને પત્ની સ્વીમિંગ પુલ પાસે ઉભા છે અને અમેરિકા જઈ રહ્યા હોવાનું જણાવે છે. તો બીજા વીડિયોમાં પંકજ પટેલ પર યાતનાઓ કરવામા આવી રહી હતી. પંકજ પટેલને બાથરૂમમાં ઊંધો સૂવડાવાયો છે. તેના પીઠ પર બ્લેડથી અસંખ્ય ઘા મારવામાં આવ્યા છે. તેની આખી પીઠ લોહીથી ખરડાઈ ગયેલી હતી. દર્દથી કણસતો યુવક રીતસરનો કરગરી રહ્યો હતો. તે આજીજી કરી રહ્યો છે કે, જલ્દીથી પૈસા મોકલી આપો નહીંતર આ લોકો મને મારી નાંખશે.
આ કિસ્સા બાદ તો સમજી જાઓ ગુજરાતીઓ
આ કિસ્સો એ તમામ લોકો માટે લાલ બત્તી સમાન છે, જેઓ અમેરિકા જવાની ઘેલછામાં ખોટો રસ્તો અપનાવી લે છે. પટેલ પરિવારે પણ ગેરકાયદેસર રીતે અમેરિકા જતા લોકોને ચેતવ્યા છે. નસીબ જોગે પંકજ અને નિશા પટેલ બચી ગયા, જો કે અમેરિકા જવા ખોટો રસ્તો અપનાવનાર દરેકના નસીબમાં જિંદગી નથી હોતી. તાજેતરમાં જ એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે, જેમાં કેનેડા કે મેક્સિકો સરહદેથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશતા લોકો મોતને ભેટ્યા છે. કોઈ નદીમાં તણાઈ ગયું તો કોઈ હાડ થિજાવતી ઠંડીમાં ઠુંઠવાઈને મૃત્યુને ભેટ્યું.
અમેરિકા જવાની લાલચમાં લોકો પોતાના અને પોતાના પરિજનો જીવ જોખમમાં નાંખતા પણ નથી ખચકાતા. એજન્ટો લોકોને વિદેશના સપના દેખાડીને કરોડો રૂપિયા તફડાવી લે છે અને તેમને જીવના જોખમે બોર્ડર ક્રોસ કરાવવા બીજાના ભરોસે છોડી દે છે. જો રસ્તામાં કોઈ મુશ્કેલી સર્જાય તો એજન્ટો હાથ અદ્ધર કરી દે છે. ઈરાનના કિસ્સા બાદ હવે લોકોએ સમજી લેવું પડશે.