ઝી મીડિયા બ્યુરો: ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ત્યારે આ મેચમાં ન્યૂઝીલેન્ડના મૂળ ગુજરાતી સ્પિનરે ઇતિહાસ રચ્યો છે. મૂળ ભરૂચના કંથારિયા સાથે સંબંધ ધરાવતા હાલ ન્યૂઝીલેન્ડમાં રહેતા સ્પિનર એજાઝ પટેલ (Ajaz Patel) એ પ્રથમ ઇનિંગમાં ભારતની 10 વિકેટ ઝડપી ઇતિહાસ રચ્યો છે. ન્યૂઝીલેન્ડના સ્પિનર અજાઝ પટેલે મુંબઇ ટેસ્ટમાં 'પરફેક્ટ 10' માં સામેલ થઈ ભારતના અનિલ કુંબલે (Anil Kumble) અને ઇંગ્લેન્ડના જિમ લેકર (Jim Laker) ની બરાબરી કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઇમાં થયો હતો એજાઝ પટેલનો જન્મ
21 ઓક્ટોબર 1988 ના રોજ મુંબઇમાં એજાઝ પટેલનો જન્મ થયો હતો. 1996 માં એજાઝ પટેલ અને તેનો પરિવાર ન્યૂઝીલેન્ડ શિફ્ટ થયો હતો. તે સમયે એજાઝ પટેલ 8 વર્ષનો હતો. એજાઝના પિતાનું નામ યુનુસ પટેલ છે અને તેની માતાનું નામ શહનાઝ પટેલ છે. મૂળ ગુજરાતી અને ન્યૂઝીલેન્ડમાં રહેતા એજાઝના પિતા ઈલેક્ટ્રોનિક્સના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. ત્યારે એજાઝની માતા સ્કૂલ ટીચર હતા. વ્યવસાયના કારણે એજાઝના પિતા મુંબઇથી ન્યૂઝીલેન્ડ શિફ્ટ થયા હતા. એજાઝની પત્નીનું નામ નીલોફર પટેલ છે. એજાઝને બે નાની બહેનો પણ છે. ન્યૂઝીલેન્ડની માઉન્ટ મેરી સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ એજાઝે એવોંડેલ કોલેજમાંથી ડીગ્રી પ્રાપ્ત કરી હતી.


ન્યૂઝીલેન્ડના મૂળ ગૂજરાતી સ્પિનરે રચ્યો ઇતિહાસ, 'પરફેક્ટ 10'માં સામેલ થઈ આ દિગ્ગજને પાછળ છોડ્યા


પોતાના જન્મસ્થળે હાંસલ કરી સિદ્ધિ
એજાઝના નાના ભરૂચના રહેવાસી છે. જો કે, એજાઝના નાના મોહમ્મદ મુસા કાપડિયા ન્યૂઝીલેન્ડના કાયમી નિવાસી છે પરંતુ તેઓ છેલ્લા એક વર્ષથી ભરૂચમાં રહે છે. એજાઝના નાનાનું કહેવું છે કે, એજાઝે જે પરાક્રમ કર્યું છે તેનાથી અમે બધા ખુશ છીએ. એજાઝે ભારત સામે 10 વિકેટ ઝડપી 'પરફેક્ટ 10' માં સામેલ થઈ ઇતિહાસ રચ્યો અને ક્રિકેટ ઇતિહાસમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. એજાઝે તેના જન્મસ્થળ મુંબઇ ખાતે સિદ્ધિ હાંસલ કરી તે એક ગૌરવની વાત છે. પરિવારના તમામ સભ્યોને એજાઝ પર ગર્વ છે. જો કે, એજાઝના મામાએ જણાવ્યું હતું કે, અમે તેને મળવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ પરંતુ કોરોના ગાઈડલાઈનને કારણે અમે તેને મળી શક્યા નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube