અંબાજીથી દર્શન કરી બાલારામ જતા અકસ્માતમાં અમદાવાદનાં બેનાં મોત
પ્રાંતીજના દલપુર નજીક એસટી બસની ટક્કરે એક પદયાત્રીનું મોત થતાં ગમગીની, ગુરૂવારે સવારે મોડાસા નજીક થયેલા અકસ્માતમાં 15 વ્યક્તી ઘાયલ થયા હતા
અંબાજીઃ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ ગઈ છે અને ચાલીને અંબાજી જતા શ્રદ્ધાળુઓથી માર્ગો ઉભરાઈ રહ્યાં છે. આ કારણે, માર્ગો પર અકસ્માતો પણ અવાર-નવાર સર્જાતા હોય છે. ગુરૂવારે સર્જાયેલા ત્રણ અકસ્માતમાં કુલ ત્રણનાં મોત અને 15 વ્યક્તી ઘાયલ થયા હતા.
મોડી સાંજે અંબાજીથી દર્શન કરી બાલારામ દર્શન કરવા જઈ રહેલા અમદાવાદના એક પરિવારને અકસ્માત નડ્યો હતો. આ પરિવાર રીક્ષામાં જઈ રહ્યો હતો. અંબાજી ગબ્બરની પાછળના રોડ ઉપર આ રીક્ષા પટલી જતાં રીક્ષામાં સવાર દાદા અને પૌત્રનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. અન્ય 5 ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘરના બે સભ્યોનાં મોત થઈ જતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઈજાગ્રસ્તોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.
મોડી રાત્રે પ્રાંતીજના દલપુર નજીક એસ.ટી બસ ની ટક્કરે એક પદયાત્રીનું મોત થઈ જતાં શ્રદ્ધાળુઓ રોષે ભરાયા હતા. પ્રાંતીજના દલપુર નજીક રોડ ઉપર એસટી બસને વાળવા દરમિયાન રોડ પર જઈ રહેલા એક પદયાત્રીને ટક્કર લાગી ગઈ હતી. ઘાયલ પદયાત્રીને સ્થાનિક લોકો હોસ્પિટલ લઈ જતા હતા, પરંતુ માર્ગમાં જ તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું.
ગુરૂવારે સવારે પણ એક અકસ્માત થયો હતો, જેમાં અંબાજી આવી રહેલા એક ટેમ્પોના જનરેટરમાં વિસ્ફોટ થતાં માર્ગ પર પસાર થઈ રહેલા 15થી વધુ પદયાત્રીઓ ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ ઘાયલોને મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું હતું.