અમદાવાદ : દેશના ગૃહમંત્રી અમિત શાહ હાલ અમદાવાદના પ્રવાસે છે. અમિત શાહ ગૃહમંત્રી હોવાની સાથે સાથે ગાંધીનગરથી સાંસદ પણ છે. તેમણે અમદાવાદ કલેક્ટર ઓફીસ ખાતે કોર્પોરેશનના ઉચ્ચ અધિકારી, અમદાવાદ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે અલગ વિષયો પર બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં અનેક સ્થાનિક નેતાઓ પણ હાજર રહ્યા હતા. જો કે આ બેઠકમાં તેમણે અધિકારીઓની કામગીરી ખાસ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહીં તેમણે રસીકરણ, પીએમજય આરોગ્ય કાર્ડ સહિતનાં મુદ્દે પુછતા અધિકારીઓએ વિવિધ આંકડાઓની માયાજાળ પાથરી હતી. જો કે અમદાવાદ શહેરી વિસ્તારમાં કાર્ડના નામે લાલીયાવાડી ચાલી રહી હોવાનું તેમના ધ્યાને આવ્યું હતું. 11 લાખથી વધારે લાભાર્થીઓ પૈકી 3 લાખથી વધારે કાર્ડ જ ઇશ્યુ થયા હતા જે માત્ર 27 ટકા જ થાય છે. આ આંકડો સાંભળીને ગૃહમંત્રી ધુંવાપુવા થયા હતા. તેમણે કહ્યું કે, આયુષ્યમાન ભારતના કાર્ડનો રેશિયો ફરી એકવાર બોલો તો? કેમ 27 ટકા જ કેમ થયા તેનો જવાબ આપો.



જેના જવાબમાં અધિકારીએ ગોળગોળ જવાબ આપતા તેમણે કહ્યું કે, કોઇ પણ કામ એવું નહી હોય જેમાં ડિસ્ક્રીમન્સી ન હોય પરંતુ આપણે પહેલા ડીસ્ક્રીમન્સી શોધવાનું કામ કરવાનું હોય કે જેટલા લાભાર્થી હોય તેમને કાર્ડ આપી દેવાનું કામ કરવાનું હોય. જેના અધિકારીએ મુખ્યમંત્રી મા અમૃતમ કાર્ડના નામે ગોળગોળ જવાબ આપતા શાહે કહ્યું કે ભાઇ તમે મારો સવાલ શું છે અને જવાબ શું આપો છો. હું કહુ છુ કામ 28 ટકા જ કેમ થયું છે તેવું પુછુ છું. તમે મા કાર્ડ પર લઇ જાઓ છો મને. હું તમને પુછુ છું કે 28 ટકા કેમ થયા છે? 100 ટકા કામગીરી ક્યારે થશે? 2035,2040, 2045 કે પછી આઝાદીને 100 વર્ષ પુર્ણ થાય ત્યારે આ કામ પુરૂ કરશો તમે. 


ત્યાર બાદ કમિશ્નરની ઝાટકણી કાઢતા કહ્યું કે, તમે પર્સનલી આમા રિવ્યું કરો અને આવી રીતે થોડી ચાલે. વચ્ચે એક અધિકારીએ ગ્રામીણ વિસ્તારમાં 88 ટકા થયું છે તેવું કહેતા તેમને સીધું જ કહ્યું કે તમે બેસી જાઓ. અન્ય અધિકારીને કહ્યું શું તમારૂ નામ? જેના જવાબમાં અધિકારીએ કહ્યું કે, ડોક્ટર ચિરાગ ભાઇ . શાહે કહ્યું કે, આવી રીતે ન ચાલે. એક મહિનામાં કઇ રીતે કામગીરી થશે તેનું સંપુર્ણ આયોજન કરીને મારી ઓફીસે રિપોર્ટ મોકલો. ફરી વાર આ પ્રકારે ડેટા મિક્ષ નહી કરતા.