સપના શર્મા/અમદાવાદ :કૂદકેને ભૂસકે વધતી મોંઘવારી જનજીવન પર અસર કરી રહી છે. દાળ, દૂધ, શાકભાજી, તેલના ભાવ જે રીતે વધી રહ્યા છે તે જોતા લોકોના થાળીમાંથી વાનગીઓ ગાયબ થઈ રહી છે. માસુમ બાળકો પણ તેનો ભોગ બની રહ્યા છે. રોજ એક ગ્લાસ દૂધ પીવાની સલાહ શાળામાં જનારા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. પરંતુ જો દૂધના ભાવમાં વધારો થતો રહેશે માતાપિતા બાળકોને દૂધ કેવી રીતે આપે. માસુમ બાળકોના ગ્લાસમાંથી દૂધ ગાયબ થઈ રહ્યું છે. ત્યારે અમદાવાદની 8 વર્ષની એક દીકરીએ કાલીઘેલી ભાષામાં પીએમ મોદીને મોંઘવારી અંગે રજૂઆત કરી છે. બાળકીએ કહ્યું કે, દૂધનો ભાવ વધી જતા હાલ મમ્મી એક ગ્લાસ દૂધ ને બદલે અડધો જ દૂધનો ગ્લાસ આપે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ શાહપુરની 8 વર્ષીય  બુલબુલ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજુઆત કરી કે, દૂધનો ભાવ વધી જતા હાલ મમ્મી એક ગ્લાસ દૂધને બદલે અડધો જ દૂધનો ગ્લાસ આપે છે. આ પહેલા મારી મમ્મી દૂધનો એક ગ્લાસ આપતી હતી. તો સાથે જ શાળાની ફી મામલે પણ બાળકીએ ટકોર કરી છે. બુલબુલે કહ્યુ કે, શાળાની ફી વધતા તેના માતાપિતાએ તેણીને ભણાવવા આખો દિવસ કામ કરે છે. આમ, મોંઘવારી ઉપર કાબુ મેળવવા બાળકીની અપીલ ચોટદાર છે. બાળકીએ કહ્યું કે, મોદી દાદા તમે દૂધના ભાવ બહુ વધારી દીધા છે. 



ઉલ્લેખનીય છે કે, નાના બાળકોને પણ હવે મોંઘવારી શુ છે એ ખબર પડવા લાગી છે. બાળકોને શરીર ઘડાવા માટે સૌથી જરૂરી એવા દૂધને પણ મોંઘવારીનું ગ્રહણ લાગ્યુ છે. જો દૂધના ભાવ આ રીતે જ વધશે તો એક સમય એવો આવશે કે બાળકોને દૂધથી પણ વંચિત રહેવુ પડશે.


આંકડા પર નજર કરીએ તો, છેલ્લાં 10 વર્ષમાં પેટ્રોલ-સોના કરતાં પણ દૂધના ભાવ વધુ વધ્યા છે. 2012થી 2022ના દસ વર્ષના ગાળામાં દૂધના ભાવમાં સૌથી વધુ 76 ટકાનો વધારો થયો છે.