ભલભલાનું હૈયુ દ્રવી ઊઠે તેવા આયશા કેસ પર ઔવેસી બોલ્યા, દહેજભૂખ્યાં સાસરિયાં પર લાનત છે
- આયશા આપઘાત મામલે પોલીસે તપાસ તેજ કરી છે અને આરોપી સામે વધુ મજબૂત પુરાવા મળે તે માટે કામ કરી રહી છે
- આયશા સાથે છેલ્લી 70 મિનિટ જે વાત થઈ છે તેમાં શુ વાત થઈ છે તે માટે આરીફની પૂછપરછ શરૂ કરવામાં આવી છે
- પોલીસ દ્વારા વચ્ચે થયેલા મેસેજ અથવા ચેટને રિકવર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે
મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદના બહુચર્ચિત આયશા આપઘાત કેસ મામલામાં ક્રૂર પતિ આરીફને મેટ્રો પોલીટન કોર્ટમાં પોલીસે રજૂ કર્યો હતો. રિવરફ્રન્ટ પોલીસે 5 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. ત્યારે કોર્ટે આરોપી પતિ આરીફના 6 માર્ચ સુધીના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. હાલ આરોપી આરીફ 6 માર્ચ સુધી પોલીસ રિમાન્ડ પર છે. તો સાથે જ AIMIM પાર્ટીના અસુદ્દીન ઔવેસીનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ દહેજભૂખ્યા સાસરિયા પર ફીટકાર વરસાવી રહ્યાં છે.
દહેજ ભૂખ્યા સાસરિયા પર લાનત છે - ઔવેસી
આપઘાત કરતાં પહેલાં જે રીતે આઈશાએ વીડિયો બનાવ્યો અને પોતાની દાસ્તાન વર્ણવી એનાથી ભલભલાનું હૈયુ દ્રવી ઊઠ્યું છે. ઓલ ઈન્ડિયા મજલિસના (AIMIM) નેતા અસદુદ્દીન ઓવૈસીએ પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરવા ઉપરાંત દહેજભૂખ્યાં સાસરિયાં પર લાનત હોવાનું કહ્યું છે. આ સાથે જ ઓવૈસીનો દરેક મુસ્લિમ મહિલાને આવા દહેજભૂખ્યાં પતિઓને લાત મારીને કાયદાનો સહારો લેવાની અપીલ કરતો વીડિયો વાઈરલ થયો છે. આયશાના આપઘાત પર દુખ વ્યક્ત કરી અસદુદ્દીન ઓવૈસીએ આવા લોકો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી.
આ પણ વાંચો : આયશાને મરવા મજબૂર કરનાર ક્રૂર આરીફ હવે અફસોસ કરે છે, છેલ્લા ફોનમાં પણ તે કસૂવાવડને લઈને રડી હતી
અમદાવાદની આયશા નામની યુવતીના આપઘાતના મામલામાં રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આરોપી આરીફને નામદાર મેટ્રો કોર્ટમાં રજૂ કર્યો હતો. આ કેસમાં વધુ તપાસ અને સાયન્ટિફિક પુરાવા એકત્ર કરવા માટે પોલીસે રિમાન્ડ માંગ્યા હતા. આયશા આપઘાત કેસમાં પોલીસે આરોપી પતિ આરીફની રાજસ્થાન થી ધરપકડ કરી હતી. આરોપી પોતાની બહેનના ત્યાં જવાની માહિતી મળતા ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે, આઈશાએ આપઘાત કરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો.
આયશાના પિતા તેની કબર પર દુઆ માંગીને કોર્ટમાં પહોંચ્યા
આરોપી આરીફને કોર્ટમાં રજૂ કરતા પહેલાં આયેશાને ન્યાય મળે તેના માટે પિતા લિયાકાંત અલી પણ આયેશાની કબર પર દુઆ માગીને કોર્ટમાં હાજર રહ્યા. કોર્ટમાં પોલીસે આરોપીની પુરપરછ માટે 5 દિવસના રિમાન્ડ માંગ કરી. પોલીસે અલગ અલગ કારણો રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી જેમાં આરોપીનો ફોન રિકવર કરવાનો બાકી છે અને આપઘાત કર્યાના દિવસથી કોને કોને મળ્યો હતો, કોને કોને વીડિયો વાયરલ કર્યો હતો. તે અંગે જાણકારી મેળવવાની છે. જે ગ્રાઉન્ડના આધારે 6 માર્ચ બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા.
આ પણ વાંચો : આરીફે નફ્ફટાઈની તમામ હદ વટાવી હતી, આયશાની સામે પ્રેમિકા સાથે પ્રેમનો નગ્ન નાચ ખેલતો
બેવફાએ આરીફે આયશાના મોત પહેલા જ ટીકટોક પર કહ્યું હતું કે, ‘તુમ રોઓગી, તડપોગી, પર...’
મહત્વ નું છે કે, આ મામલે પોલીસે તપાસ તેજ કરી છે અને આરોપી સામે વધુ મજબૂત પુરાવા મળે તે માટે કામ કરી રહી છે. તપાસમાં સામે આવ્યું છે કે આયશા સાથે છેલ્લી 70 મિનિટ જે વાત થઈ છે તેમાં શુ વાત થઈ છે તે માટે આરીફની પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને પોલીસને એ પણ શંકા છે કે, કદાચ બંને વચ્ચે કોઈ મેસેજ અથવા ચેટ પણ થઈ હોય શકે. જેથી એફએસએલની મદદ લઈને તેને રિકવર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
સવાલ એ ઉભો થાય છે કે, આ આપઘાત પાછળ દહેજ કારણભૂત છે કે પછી અન્ય કોઈ કારણ પણ જવાબદાર છે. આ મામલે આરીફના પરિવારનો કોઈ રોલ છે કે કેમ. હવે તમામ સવાલોનો જવાબ આરીફ અથવા આયશાના મોબાઈલમાંથી જ મળી શકશે.