ઘડપણની ચિંતા કર્યા વગર ભાવનગરના વૃદ્ધ દંપતીએ ડિફેન્સને કર્યું 1 કરોડનું દાન, યોગ્ય સમયે કરેલું યોગ્ય ઈન્વેસ્ટમેન્ટ કામ આવ્યું
- નિવૃત બેંક ક્લાર્ક દ્વારા નેશનલ ડિફેન્સ ફંડમાં 1 કરોડનું અનુદાન કરાયું
- તેમણે રોજનો એક રૂપિયો દેશની સુરક્ષા માટે આપવા દેશવાસીઓને અનુરોધ કર્યો
- અત્યાર સુધીમાં તેઓ 4.50 કરોડથી વધુનું અનુદાન કરી ચૂક્યા છે
- શેર માટીની ખોટ ધરાવતા આ દંપતીએ પોતાની બચત મૂડીનો દેશના કામ માટે કર્યો સદુપયોગ
- જનાર્દનભાઈના કાર્યને લઈને લોકોએ શુભકામનાનો ધોધ વહાવ્યો
નવનીત દલવાડી/ભાવનગર :ભાવનગરમાં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર પરિવાર દ્વારા દેશની સુરક્ષા કાજે નેશનલ ડીફેન્સ ફંડમાં આજે ફરી 1 કરોડનું અનુદાન આપવામાં આવ્યું છે. બેંકના નિવૃત ક્લાર્ક જનાર્દનભાઈ ભટ્ટ અને તેના પત્ની પદ્માબેન દ્વારા રૂપિયા 1 કરોડનો ચેક એડિશનલ ડી.આઈ.જી હસમુખ પટેલને અર્પણ કર્યો હતો. 1 કરોડનું અનુદાન કરનાર જનાર્દનભાઈ ભટ્ટ દ્વારા સૈનિકોની સુરક્ષા અને દેશની સંરક્ષણ શક્તિ વધુ મજબુત બને તે માટે કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રપ્રેમ-રાષ્ટ્રભાવના અને રાષ્ટ્રભક્તિ એ લોહીમાં સાથે મળેલી શક્તિ છે. આ પ્રેમ–ભાવના અને ભક્તિ ક્યારે જતાવવી તેનો કોઈ સમય નથી હોતો. ત્યારે ભાવનગરના એક 84 વર્ષીય નિવૃત બેંક ક્લાર્કે એવુ કામ કર્યું છે જે યુવાનોને પણ શરમાવે. જનાર્દનભાઈ નાનપણથી જ આર.એસ.એસ સાથે સંકળાયેલા હતા. અને રાષ્ટ્ર માટે કંઈક કરવાની ભાવના પહેલેથી જ તેમના મનમાં હતા. આવા દિલેર રાષ્ટ્રપ્રેમી વ્યક્તિએ પોતાની મૂડીમાંથી અગાઉ પણ 1 કરોડની રકમ નેશનલ ડિફેન્સ ફંડમાં જમા કરાવી હતી. ત્યારે આજે ફરી 1 કરોડ રૂપિયાનો ચેક આપી રાષ્ટ્ર પ્રત્યેનું ઋણ અદા કર્યું છે. જર્નાદનભાઈએ એડિશનલ ડી.આઈ.જી હસમુખ પટેલને સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર પરિવારના નામે અર્પણ કર્યો હતો.
આ પણ વાંચો : છ વર્ષની બહેને ખોલ્યો હત્યારા પિતાનો રાઝ ‘મારા પપ્પાએ જ ભાઈને માર્યો’
મૂડીનું યોગ્ય સમયે યોગ્ય ઈન્વેસ્ટમેન્ટ
યુવાનીના સમયમાં બેંકમાં ક્લાર્ક તરીકેની નોકરીની સાથે સાથે જર્નાદનભાઈએ કર્મચારી યુનિયનનું નેતૃત્વ પણ કર્યું. આ સાથે જ પોતાની મૂડીનું યોગ્ય સમયે યોગ્ય ઈન્વેસ્ટમેન્ટ પણ કરતા ગયા. આ ઈન્વેસ્ટમેન્ટ તેમના નિવૃત્તિ બાદ એક વટવૃક્ષ બનીને ઉભરી આવ્યું. તેમણે જે-તે સમયે શેરમાં કરેલું રોકાણ આજે કરોડોની કિંમતમાં પહોચ્યું છે અને જેને લઇને તેઓ પોતાની મૂડીને રાષ્ટ્ર પ્રત્યેનું ઋણ અદા કરવા માટે ખર્ચ કરી રહ્યાં છે. અત્યાર સુધીમાં તેઓ 4.50 કરોડ કરતા વધું રકમનું અનુદાન કરી ચૂક્યા છે. આજે વધુ 1 કરોડના અનુદાન પ્રસંગે જનાર્દનભાઈની સાથે તેમના પત્ની પદ્માબેન પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : લોકડાઉને લોકોને ઘણું શીખવાડ્યું, આખા વર્ષનું અનાજ ભરવાની પ્રથાનુ મહત્વ હવે સમજાણું
ભાવનગરના ડોક્ટર હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મેયર, હાઇકોર્ટના જજ અને જીલ્લા વિકાસ અધિકારી સહિતના મહાનુભાવો તેમજ આમંત્રિત મહામાનો ઉપસ્થિત રહ્યા હતા. આ વિશે જર્નાદન ભટ્ટ કહે છે કે, શહીદોના પરિવારને 15 લાખ જેટલી રકમ હાલ સરકાર તરફથી મળી રહી છે. પરંતુ લોકો રાષ્ટ્ર પ્રત્યેનું ઋણ અદા કરવા દાન વધારે તો તો પણ દેશની સંરક્ષણ શક્તિમાં ભારે વધારો થશે. શહીદ પરિવારને વધુ રૂપિયા મળશે અને પાડોશી દેશ ભારત સામે આંખ ઉઠાવીને જોવાની હિંમત પણ નહિ કરી શકે.
આ પ્રસંગે હાજર રહેલા હસમુખ પટેલે કહ્યું કે, જનાર્દનભાઈએ જે રીતે તેની મૂડીનું યોગ્ય પ્લાનિંગ કર્યું હતું અને જેનું ફળ પ્રાપ્ત કરી આજે તેઓ રાષ્ટ્ર પ્રત્યેનું ઋણ અદા કરી રહ્યા છે ત્યારે તેમની આ ભાવનાને તેઓ આગળ ધપાવવા પ્રયાસ કરશે તેમ જણાવ્યું હતું.
આ પણ વાંચો : શું લોકડાઉન જ એકમાત્ર વિકલ્પ છે? એક વર્ષ પછી પણ માણસ કોરોનાને હંફાવી ન શક્યો