નવનીત દલવાડી, ભાવનગરઃ વિકાસની હરણફાળ ભરતી રાજ્યસરકાર આગામી દિવસોમાં ભાવનગર શહેરને ગટરની ગંદકીમાંથી મુક્તિ, શુદ્ધ હવા, પાણીની સુખાકારી સાથે સાથે હરવાફરવાની સુવિધા યુક્ત કંસારા શુદ્ધિકરણ અને રિવરફ્રન્ટ પ્રોજેકટના કામની ભેટ આપવા જઈ રહી છે. અંદાજીત 90 થી 100 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ ભાવનગર શહેરની શકલ બદલી નાખશે અને ભાવનગરની પ્રજાની વિવિધ સુખાકારીમાં વધારો કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગર શહેર મધ્યમાંથી પસાર થતી કંસારા નદી કે જેમાં વર્ષોથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ નદીને સાફ સુથરી કરી અને તેના વિકાસની કામગીરીનું આયોજન 30 વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું. હાલ આ પ્રોજેકટને અમલી બનાવી અને 41 કરોડ રૂ.ના ખર્ચે નદીનું શુદ્ધિકરણ અને બંને સાઈડ આર.સી.સી ની દિવાલથી બાંધવાની કામગીરી કરવામાં આવી રહી છે. બોરતળાવ નજીકથી પ્રારંભ થતી સવા આઠ કિમિ લાંબી આ કંસારા નદી શહેરના મધ્ય માંથી પસાર થઈ અને શહેરના બીજા છેવાડે એસ.ટી.પી પ્લાન્ટ નજીક પૂર્ણ થાય છે. જેમાં નદીની સમાંતર ગટર લાઈનો પણ નાંખવામાં આવી રહી છે. જેથી તમામ ગંદકી પાઇપલાઈનો મારફતે સીધી જ સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે શુદ્ધિકરણ માટે પહોંચશે અને જેનું શુદ્ધ થયેલું પાણી પણ અન્યત્ર કામમાં ઉપયોગી બનશે.


આ પણ વાંચોઃ પોલીસ ઓફિસરે કહ્યું, મને મોજ કરાવી દે હું તને કરોડપતિ બનાવી દઇશ પછી એક દિવસ અચાનક...

સાથે સવા આઠ કિમી લાંબી આ નદી મધ્યે 12 ચેકડેમનું પણ નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જેથી આ નદીમાં સારા પાણીનો સંગ્રહ થતા આજુબાજુના વિસ્તારના પાણીના તળમાં પણ સુધારો થશે અને પીવાના પાણીની સમસ્યા હલ બનશે. પરેલલ ગટર લાઈનો નાખવાથી આ નદીમાં ગંદુ પાણી નહિ ઠલવાય જેથી દુર્ગંધ માંથી પણ લોકોને મુક્તિ મળશે અને શહેરના લોકોને વધુ શુદ્ધ હવા સાથેનું વાતાવરણ મળશે. શુદ્ધિકરણ બાદ રિવરફ્રન્ટની બંને સાઈડ માર્ગો, ટ્રી ગાર્ડ અને અન્ય સુવિધાથી સજ્જ કરી એક પર્યટન સ્થળ તરીકે વિકસિત કરવામાં આવશે.


અમદાવાદનું રિવરફ્રન્ટ જેમ આકર્ષણનું કેન્દ્ર બની અને પર્યટન સ્થળ તરીકે વિકસિત થયુ છે. તેમ કંસારા નદી પણ કંસારા રિવરફ્રન્ટ તરીકે આગામી દિવસોમાં ભાવનગર માટે નવું નજરાણું બની પર્યટન સ્થળ તરીકે વિકસિત થશે અને શહેરની સુખકારીમાં પણ વધારો થશે. આમ આગામી સમયમાં રાજ્યસરકારની અનેરી ભેટ ભાવનગરવાસીઓ ને મળશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube