ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મોટો ખુલાસો : આરોપી તથ્ય પટેલનો DNA ટેસ્ટ થયો મેચ, કાલે દાખલ થશે ચાર્જશીટ
અમદાવાદમાં આવેલા ઈસ્કોન બ્રિજ પર 20 જુલાઈની મધ્યરાત્રીએ તથ્ય પટેલે 142થી વધુ કિમીની ઝડપે જેગુઆર કાર ચલાવીને ભયંકર અકસ્માત સર્જયો હતો. આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા હતા. હવે સામે આવેલા ડીએનએ રિપોર્ટથી સ્પષ્ટ થઈ ગયું છે કે કાર તથ્ય ચલાવતો હતો.
અમદાવાદઃ અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જી 10 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલના કેસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો છે. તથ્ય પટેલના વાળના આવેલા DNA રિપોર્ટ પરથી સાબિત થઈ ગયું છે કે કાર તથ્ય પટેલ ચલાવતો હતો. ડ્રાઈવિંગ સીટ પર તથ્ય પટેલના વાળ મળ્યા હતા. ત્યારબાદ તેના વાળનો ડીએનએ રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. આ રિપોર્ટ તથ્ય સાથે મેચ થઈ ગયો છે. આ સમગ્ર કેસમાં આવતીકાલે ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.
આરોપી તથ્ય પટેલનો DNA ટેસ્ટ થયો મેચ
ઈન્કોન બ્રિજ પર ભયાનક અકસ્માત સર્જનાર તથ્ય પટેલનો ડીએનએ રિપોર્ટ સામે આવી ગયો છે. તપાસ એજન્સીને ડ્રાઈવિંગ સીટ પર વાળ મળ્યા હતા. આ વાળનો ડીએનએ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. સામે આવેલા ડીએનએ રિપોર્ટ પ્રમાણે આ વાળ તથ્ય પટેલના હતા. એટલે કે કાર તથ્ય પટેલ ચલાવી રહ્યો હતો તે નક્કી થઈ ગયું છે. હવે આ કેસમાં તપાસ એજન્સી આવતીકાલે તથ્ય પટેલ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરશે. ચાર્જશીટમાં તથ્ય પટેલ વિરુદ્ધ તમામ પૂરાવાઓ રજૂ કરવામાં આવશે.
જેગુઆર કંપનીના રિપોર્ટમાં થયો ખુલાસો
અમદાવાદમાં આવેલા ઈસ્કોન બ્રિજ પર 20 જુલાઈની મધ્યરાત્રીએ તથ્ય પટેલે 142થી વધુ કિમીની ઝડપે જેગુઆર કાર ચલાવીને ભયંકર અકસ્માત સર્જયો હતો. આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા હતા. અકસ્માત સર્જનાર તથ્ય પટેલની કારને લઈને મોટો ખુલાસો થયો છે. જેગુઆર કંપનીના રિપોર્ટ પ્રમાણે ગાડીની સ્પીડ 137 કિમીથી વધુ હતી અને અકસ્માત સર્જયા બાદ કાર 108 Kmની સ્પીડથી લોક થઈ ગઈ હતી.
બ્રેક મારવાની તસ્દી લીધી નહીં
તથ્ય જે કાર ચલાવતો હતો તે જેગુઆર કંપનીનો રિપોર્ટ યુકેથી આવી ગયો છે. આ રિપોર્ટ પ્રમાણે અકસ્માત સમયે તથ્યએ ગાડી પર બ્રેક નહોતી મારી. તથ્યની સ્પીડ પણ લિમિટ કરતા ખુબ વધારે હતી. કંપનીની તપાસમાં પણ કારની સ્પીડ વધુ હોવાની વાત સાબિત થઈ ગઈ છે.
મેપિંગથી મળી કુંડળી
અમદાવાદ પોલીસને સાક્ષીઓ પાસેથી મળેલી જાણકારી બાદ 20 જૂનથી લઈને 20 જુલાઈ વચ્ચે તથ્ય સાથે જોડાયેલા સ્થાનોનું મેપિંગ કર્યું. તેમાં તથ્યને વિવિધ જગ્યાઓ પર મોંઘી કારને વધુ સ્પીડથી ચલાવતા જોવા મળ્યો. ટ્રાફિક પોલીસના એક અધિકારી અનુસાર સીસીટીવી ફુટેજથી જાણવા મળ્યું છે કે તે હંમેશા એસજી રોડ, સિંધુ ભવન રોડ, એસપી રિંગ રોડ અને શહેરના અન્ય રસ્તાઓ પર 120 કિમી પ્રતિ કલાકથી 140 કિમી પ્રતિ કલાકની ઝડપે ગાડી ચલાવતો હતો.
પાંચ વખત રેડલાઇટ ભંગ કરી
પોલીસની તપાસમાં સામે આવ્યું કે તથ્ય પટેલ ન માત્ર સ્પીડ લિમિટ કરતા વધુ ગાડી ચલાવતો હતો પરંતુ તેણે એક મહિનામાં પાંચ વખત રેડ લાઇટ ભંગ કરી હતી. ચોંકાવનારી વાત છે કે નિયમોનો ભંગ કરવા છતાં ટ્રાફિક પોલીસે ન તો ક્યારેય કાર્યવાહી કરી ન તો દંડ ફટકાર્યો. અમદાવાદના એડિશનલ સીપી (ટ્રાફિક) એનએન ચૌધરીએ કહ્યુ કે તથ્ય પટેલ પાછલા મહિને ગાંધીનગરમાં થયેલી એક દુર્ઘટનામાં સામેલ હતો. સાક્ષીઓએ અમને તે વિશે જણાવ્યું જેની તપાસ ચાલી રહી છે. એફએસએલ રિપોર્ટમાં ખુલાસો થયો કે જેગુઆરની ગતિ અકસ્માત સમયે 140 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube