જયેન્દ્ર ભોઈ/પંચમહાલ: પંચમહાલના કાલોલ વિધાનસભા ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ફરી એક વાર મોટા વિવાદમાં સપડાયા છે. પોતાના નિવેદનોને લઈ હંમેશા સોશિયલ મીડિયામાં છવાયેલા રહેતા ફતેસિંહ ચૌહાણ આ વખતે જલારામ બાપા અને સાંઈબાબા અંગે ટિપ્પણી કરીને ભારે વિવાદમાં સપડાયા છે. જો કે પોતાના વાયરલ વિડિઓ અંગે ફતેસિંહે ખુલાસો કરી માફી પણ માંગી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ આમ તો પોતાના ભજન ગાવાના શોખ અને પોતાની હિન્દુવાદી છબીને કારણે જાણીતા સોશિયલ મીડિયામાં અનેક વખત ચમકતા રહે છે. છેલ્લા કેટલાકથી પણ ફતેસિંહનો એક વિડિઓ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. જો કે આ વખતે ફતેસિંહ કોઈ સારી બાબતને કારણે નહિ પરંતુ પોતાનાના વિવાદિત નિવેદનના કારણે ચર્ચા આવ્યા છે. 


છેલ્લા કેટલાક દિવસથી ફતેસિંહનો એક વિડિઓ વાયરલ થયો છે. જેમાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ કોઈક કાર્યક્રમમાં જાહેર મંચ પર હિન્દૂ ધર્મના સંત શ્રી જલારામ બાપા અને સાઈ બાબા અને વિવાદિત ટિપ્પણી કરી રહ્યા છે. ફતેસિંહને આ વિડિઓમાં જલારામ બાપા સંત હતા, કોઈ ભગવાન નથી અને સાંઈબાબા મુસ્લિમ હોવાના બેફામ નિવેદનો આપી રહ્યા છે. વિડિઓ સોશિયલ મીડિયામાં અપલોડ થતાં ભારે હોબાળો થયો. 



બીજી તરફ જલારામ બાપાના અનુયાયીઓ રોષે ભરાયા અને ઠેર ઠેર ફતેસિંહના નિવેદન અંગે વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા. પોતાના વાયરલ વિડિઓ અંગેના વિવાદને વધુ વકરતો જોઈ ફતેસિંહ ચૌહાણે જાતે જ આ બાબતે મીડિયા સમક્ષ ખુલાસો કરતા કહ્યું કે હું પ્રખર સનાતની છું, આ વિડિઓ સાથે છેડછાડ કરવામાં આવી છે. જલારામ બાપા અંગે કે કોઈ પણ સંત અંગે કોઈ પણ ખોટું નિવેદન આપી જ ન શકું, જેને પણ ઉતાર્યો છે એને અડધો વિડિઓ ઉતાર્યો છે. પૂરો વિડિઓ હોય તો જુઓ તો ખ્યાલ આવે. મારી વાતનું ખોટુ અર્થઘટન કરવામાં આવ્યું છે અને કદાચ આ બાબતથી કોઈની પણ લાગણી દુભાઈ હોય તો હું તમામ ની માફી પણ માંગુ છું. 


જોકે, ફતેસિંહ ચૌહાણના વાયરલ થયેલ વિડિઓ અંગે હાલ તો કોઈ પુષ્ટિ થઈ શકી નથી. સમગ્ર વિવાદ અંગે ફતેસિંહ ચૌહાણે માફી માંગી લેતા હાલ તો આ વિવાદ પર પૂર્ણવિરામ મુકાયું હોય તેમ લાગી રહ્યું છે.