12 અને 13 ડિસેમ્બરે ભાજપની ચિંતન શિબિર, આ મુદ્દે થઈ શકે છે ચર્ચા
આગામી તા.12 અને 13 ડિસેમ્બરે ભાજપા પ્રદેશ કાર્યાલય `શ્રી કમલમ`, ગાંધીનગર ખાતે પ્રદેશ ભાજપાની બે દિવસીય ચિંતન બેઠક યોજાશે.
બ્રિજેશ દોષી, અમદાવાદઃ રાજ્યમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. આ સાથે ભાજપ પ્રદેશ પ્રમુખે હાલમાં જ જિલ્લાના નવા માળખાની રચના કરી છે. હવે ભારતના સંગઠનને મજબૂત બનાવવા તથા આગામી ચૂંટણીની રણનીતિ તૈયાર કરવા પ્રદેશ ભાજપ દ્વારા આગામી 12 અને 13 ડિસેમ્બરે બે દિવસીય ચિંતન શિબિર યોજાવાની છે.
ભાજપની ચિંતન બેઠક
આગામી તા.12 અને 13 ડિસેમ્બરે ભાજપા પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ', ગાંધીનગર ખાતે પ્રદેશ ભાજપાની બે દિવસીય ચિંતન બેઠક યોજાશે. આ ચિંતન બેઠકમાં ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી તેમજ ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ, સહ-પ્રભારી સુધીર ગુપ્તા, ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તથા પ્રદેશ ભાજપા અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહેશે.
પાટીલ પ્રમુખ બન્યા બાદ પ્રથમ ચિંતન બેઠક
સી આર પાટીલ ભાજપના પ્રમુખ બન્યા બાદ આ પહેલી ચિંતન બેઠક છે જેમાં પ્રદેશ પ્રમુખ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મંત્રી, સંગઠન ના મહામંત્રીઓ સહિત ઉચ્ચ હોદેદારો હાજર રહેશે. ભાજપના પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને સહપ્રભારી સુધીર ગુપ્તા પણ આ બેઠકમાં માર્ગદર્શન આપશે.
આ પણ વાંચોઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુલતવી રહેતા હવે વહીવટદાર સંભાળશે કમાન, સરકારનો નિર્ણય
આગામી સમયમાં યોજાશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા પ્રદેશ ભાજપની આ ચિંતન બેઠક ખૂબ મહત્વની માનવામાં આવે છે કારણકે પ્રદેશનું નવું સંગઠન માળખું જાહેર થયા પહેલા ચૂંટણીની તૈયારીઓ અંગે આ બેઠકમાં ચર્ચા થશે. આ બેઠક બાદ પ્રદેશ ભાજપનું નવું માળખું પણ જાહેર થશે. ભાજપ પ્રમુખ સી આર પાટીલની નવી ટીમ જાહેર થશે જે આગામી વિધાનસભા ચૂંટણીઓ સુધી રહેશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ગુજરાત ભાજપ સામે સ્થાનિક પડકારો રહેલા છે જેમાં કોરોનાકાળમાં સરકારની કામગીરી અને લોકોને થયેલી હેરાનગતિ મુખ્ય રહેશે. જો કે વેક્સીન આવ્યા બાદ સરકારને આ મુદ્દે રાહત મળશે તેવી આશા છે. ભાજપ આશા રાખી રહ્યું છે કે ચૂંટણીઓ જાહેર થયા પહેલા ખેડૂત આંદોલન નો પણ અંત આવી જશે. વર્ષ 2015ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસને ખૂબ મોટી સફળતા મળી હતી ત્યારે આ વખતની ચૂંટણીઓ માં ભાજપ આશ્વસ્ત છે કે ભવ્ય જીત મળશે. જેના માટેનું મંથન આ સપ્તાહના અંતે યોજાનારી ચિંતન બેઠકમાં થશે.
આ પણ વાંચોઃ 4200 ગ્રેડ પે મુદ્દે સરકારનો મોટો નિર્ણય, 65 હજાર જેટલા પ્રાથમિક શિક્ષકોને મળશે લાભ
ભાજપ પ્રભારીની હાજરીમાં યોજાનારી આ બેઠક સરકાર અને સંગઠન વચ્ચેની મડાગાંઠ પણ ઉકેલાય તેવી પૂરી શક્યતાઓ છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube