એક શિક્ષકની બદલી રોકવા માટે 900 વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર ઉતર્યા
રાણપૂરની જન્મભૂમિ હાઇસ્કૂલમાં એક શિક્ષક તરીકે ફરજ બજાવતા વનરાજસિંહની બદલી થઈ હતી. ત્યારે તેમની આ બદલી રોકવા માટે શાળાના વિદ્યાર્થીઓએ હડતાળ શરૂ કરી છે.
બોટાદઃ જીવનમાં શિક્ષકનું ખૂબ જ મહત્વ હોઈ છે. કોઈપણ બાળકના વિકાસમાં શિક્ષકનો અમૂલ્ય ફાળો રહેલો છે. શિક્ષક એક બાળકના જીવનનું ઘડતર કરે છે. એક શિક્ષક વિદ્યાર્થીઓ માટે કેટલા કિંમતી હોઈ છે. તેનું ઉદાહરણ બોટાદના રાણપૂરની જન્મભૂમિ હાઇસ્કૂલમાં જોવા મળ્યું છે. શિક્ષકની બદલી રોકવા માટે શાળાના 900 વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર ઉતરી ગયા છે.
રાણપૂરની જન્મભૂમિ હાઇસ્કૂલમાં એક શિક્ષક તરીકે ફરજ બજાવતા વનરાજસિંહની બદલી થઈ હતી. ત્યારે તેમની આ બદલી રોકવા માટે શાળાના વિદ્યાર્થીઓએ હડતાળ શરૂ કરી છે. આ શિક્ષકને પોતાના મૂળ વતનની શાળામાં આચાર્ય તરીકે બઢતી મળી છે અને તેઓ પોતાના ગામ જઈ રહ્યાં છે. પરંતુ વિદ્યાર્થીઓ માટે આ શિક્ષકનું મહત્વ ખૂબ હતું. આથી વિદ્યાર્થીઓ આ શિક્ષકની બદલી રોકવા માટે મેદાનમાં આવ્યા અને તેઓએ માંગ કરી કે શિક્ષકની બદલી ન કરવામાં આવી. શાળાના વિદ્યાર્થીઓ પોસ્ટર સાથે મેદાનમાં ભૂખ હડતાળ શરૂ કરી છે.
એક વિદ્યાર્થીએ કહ્યું કે, વનરાજસિંહ ચાવડા વર્ષોથી અહીં ફરજ બજાવે છે. જો તેમની બદલી રોકવામાં નહીં આવે તો શાળા ખોલવા દેવામાં આવશે નહીં. આ સાથે ઘણા બાળકો રડી પડ્યા હતા. બાળકોએ શિક્ષકની બદલી કરવાના વિરોધમાં સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
આ અંગે શિક્ષકે કહ્યું કે, હું છેલ્લા 17 વર્ષથી આ શાળામાં ફરજ બજાવું છું. હવે મારી બદલી મારા ગામમાં આચાર્ય તરીકે થઈ છે અને મારી ઈચ્છા છે કે હવે હું ગામમાં જઈને મારા ગામના બાળકો માટે કંઇક કરું. પરંતુ આ વાતની જાણ વિદ્યાર્થીઓને થતા તેઓ હડતાળ પર ઉતરી ગયા છે. આ ઘટનાથી હું પણ ધર્મસંકટમાં મુકાઈ ગયો છું.