અમદાવાદઃ જાહેરમાં નહીં કરી શકો 31 ડિસેમ્બરની ઉજવણી, પો. કમિશનરની જાહેરાત
અમદાવાદવાસીઓને આ વર્ષે કોરોના વાયરસને લીધે 31 ડિસેમ્બરની ઉજવણી કરવા મળશે નહીં. શહેરમાં આ દિવસે પણ કર્ફ્યૂ અમલમાં રહેશે. તો કોઈ પાર્ટી આયોજનને મંજૂરી આપવામાં આવશે નહીં.
ઉદય રંજન, અમદાવાદઃ કોરોના કાળમાં છેલ્લા ઘણા તહેવારોની માત્ર ઘરમાં ઉજવણી કરનાર લોકોએ હવે આગામી 31 ડિસેમ્બરની ઉજવણી પણ પોતાના ઘરમાં કરવી પડશે. અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરાત કરી છે કે 31 ડિસેમ્બરની જાહેરમાં ઉજવણી કોઈ મંજૂરી આપવામાં આવશે નહીં. આ દિવસે કડક કર્ફ્યૂનો અમલ કરવામાં આવશે. રાત્રે લોકોને કોઈ સ્થળે ભેગા ન થવા માટેની પણ કડક સૂચના પોલીસ કમિશનરે આપી છે.
જાહેરમાં નહીં થાય 31 ડિસેમ્બરની ઉજવણી
મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં કોરોના વાયરસને કારણે રાત્રી કર્ફ્યૂ લાગૂ છે. રાત્રે 9 કલાકથી સવારે છ કલાક સુધી લોકોને ઘરની બહાર નિકળવાની મંજૂરી નથી. હવે એક સપ્તાહ બાદ 31 ડિસેમ્બર આવી રહી છે. આ દિવસે દર વર્ષે શહેરમાં અનેક જગ્યાએ પાર્ટીઓના આયોજન થતા હોય છે. પરંતુ આ વખતે કોરોના વાયરસને કારણે કોઈને જાહેરમાં પાર્ટીની મંજૂરી મળશે નહીં. આ સાથે તે દિવસે કર્ફ્યૂનો કડક અમલ કરવામાં આવશે. પોલીસનું પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવશે. પોલીસ તરફથી કોઈ જગ્યાએ પાર્ટીની ઉજવણી કરવાની મંજૂરી આપવામાં આવશે. અમદાવાદના પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજી આ જાહેરાત કરી છે.
આ પણ વાંચોઃ આવતીકાલે અમદાવાદના આ ઝોનમાં પાણીકાપ, જાણો ક્યા-ક્યા વિસ્તારમાં નહિ મળે પાણી
છેલ્લા એક સપ્તાહમાં એક કરોડથી વધુનો દંડ ફટકાર્યો
મહત્વનું છે કે હાલ કોરોના વાયરસ મહામારીને કારણે અનેક નિયમો લાગૂ છે. તેનું પાલન લોકોએ ફરજીયાત કરવાનું હોય છે. તો રાત્રી કર્ફ્યૂ પણ શહેરમાં લાગૂ છે. આ દરમિયાન નિયમોનો ભંગ કરતા લોકો વિરુદ્ધ પોલીસ દંડની કાર્યવાહી કરી રહી છે. છેલ્લા એક સપ્તાહમાં પોલીસે 1 કરોડ 10 લાખનો દંડ વસૂલ કર્યો છે. પોલીસે આ દરમિયાન 2 હજાર 429 ગુના નોંધ્યા છે. જેમાં કર્ફ્યૂ ભંગ, રાત્રે બહાર નિકળતા લોકો, માસ્ક ન પહેરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube