Gujarat goverment : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 9મી માર્ચના રોજ નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાનો શુભારંભ થયો.  મુખ્યમંત્રીએ ઘાટલોડિયા ખાતે જ્ઞાનદા સ્કૂલમાં શિક્ષણ ક્ષેત્રે અંદાજિત રૂપિયા 1650 કરોડની બે મહત્વપૂર્ણ યોજનાઓનો પ્રારંભ કરાવ્યો છે. આ અવસરે ગુજરાતના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમંત્રી કુબેર ડિંડોર પણ ઉપસ્થિત રહ્યા. આ યોજનાઓ હેઠળ  દસ લાખ વિદ્યાર્થીનીઓને સહાય આપવામાં આવશે. અત્રે જણાવવાનું કે પીએમ મોદીએ વર્ષ 2047માં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ આપ્યો છે, જેને પૂર્ણ કરવાના ઉદ્દેશથી ગુજરાતના વિદ્યાર્થીઓને અમૃતકાળમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભવિષ્યલક્ષી શિક્ષણ મળી રહે તે હેતુથી વર્ષ 2024-25ના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે વિવિધ યોજનાઓ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવેલી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મને યુવા શક્તિ ઉપર ઘણો વિશ્વાસ


આ અવસરે સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતનું નિર્માણ દરેક વર્ગના સશક્તિકરણથી કરવાનું નક્કી કર્યું છે. નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો પ્રારંભ કર્યો છે. રાજ્ય સરકાર નમો લક્ષ્મી યોજના વિદ્યાર્થીનીઓના અભ્યાસ સાથે પોષણનું પણ ધ્યાન આપશે. વિદ્યાર્થીનીઓના ઉચ્ચ શિક્ષણનો ઝોક વધારશે. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો હેતુ એ છે કે વિજ્ઞાન ક્ષેત્રે રુચિ ધરાવતી દરેક દીકરીઓના ભાવિ નિર્માણમાં ભાગીદારી આપશે. મને યુવા શક્તિ ઉપર ઘણો વિશ્વાસ છે. કન્યાઓ શિક્ષણ મેળવે અને પોષણ પણ મેળવે તે માટે રાજ્યની 10 લાખ દીકરીઓને લાભ મળશે. તેમણે કહ્યું કે આ વર્ષે બજેટમાં મુકાયેલી 88 ટકા યોજનાઓની અમલવારી કરવાની મંજૂરી આપી દીધી છે. આજથી શુભારંભ કરવામાં આવેલી આ બંને યોજનાઓ વિશે ખાસ જાણો. 


નમો લક્ષ્મી યોજના
રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓ ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે હેતુથી કન્યાઓ માટે નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે. ધોરણ 9 થી 12 નો અભ્યાસ પૂર્ણ કરનારી દરેક કન્યાને નમો લક્ષ્મી યોજના અંતર્ગત ₹50,000ની નાણાકીય સહાય ચૂકવવામાં આવશે. આ યોજનાનો લાભ રાજ્યની સરકારી, અનુદાનિત તેમજ ખાનગી શાળાઓમાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી અંદાજિત 10 લાખ કન્યાઓને આપવામાં આવશે. આ યોજનાથી ધોરણ 9 થી 12 માં કન્યાઓ વધુ સંખ્યામાં પ્રવેશ મેળવશે તેમજ આ ધોરણોમાં કન્યાઓનો ડ્રોપ આઉટ રેટ ઘટશે અને સાથે તેમના શિક્ષણ અને પોષણમાં સહાય મળશે જેનાથી કન્યા સશક્તિકરણ થશે. નમો લક્ષ્મી યોજના માટે ગુજરાત બજેટ 2024-25માં અંદાજિત ₹1250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 


સાવધાન! દસ્તાવેજ તૈયાર કરનારે કરવું પડશે આ કામ...નહીં તો 7 વર્ષની જેલ


નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના
વર્ષ 2024-25થી ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વિજ્ઞાન સાધના યોજના શરૂ કરવામાં આવી રહી છે. વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત ધોરણ 10ની બોર્ડ પરીક્ષા 50%થી વધુ ગુણ સાથે પાસ કરનાર વિદ્યાર્થીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સંલગ્ન શાળાઓ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) માન્યતા પ્રાપ્ત રાજ્યની સરકારી, અનુદાનિત અને સ્વ-નિર્ભર શાળાઓમાં ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહ લેવા પર કુલ રૂ.25,000ની સહાય ચૂકવવામાં આવશે. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત ગુજરાત બજેટ 2024-25 માં અંદાજિત ₹400 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.


15 લાખ વિદ્યાર્થીઓને ફાયદો
નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાના કારણે દર વર્ષે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે 15 લાખ વિદ્યાર્થીઓને સીધા DBT (Direct Beneficiary Transfer)થી નાણાકીય સહાયનો લાભ મળશે. નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાના શુભારંભની સાથે-સાથે જ્ઞાનસેતુ મેરિટ સ્કૉલરશિપ, જ્ઞાનસાધના મેરિટ સ્કૉલરશિપ, જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઑફ એક્સલન્સ અને રક્ષાશક્તિ સ્કૂલ્સ હેઠળ 60,000થી વધુ વિદ્યાર્થીઓને અંદાજિત ₹61 કરોડના લાભોનું વિતરણ કરવામાં આવશે. 


ગુજરાતીઓ..આ તારીખથી ભૂક્કા બોલાવી નાખે તેવી કાળઝાળ ગરમી શરૂ થઈ જશે, રહેવું ભારે પડશે


ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણનું સ્તર સુધારવા માટે અને પ્રાથમિક શિક્ષણ રાજ્યના ખૂણે-ખૂણે પહોંચે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર સતત પ્રયાસો કરી રહી છે. શાળાકીય શિક્ષણ માટેની કુલ બજેટ જોગવાઇ છેલ્લા પાંચ વર્ષમાં બમણાથી વધુ કરવામાં આવી છે. આ બંને યોજનાઓ શરૂ થવાથી રાજ્યમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓના શિક્ષણમાં, તેમાં પણ ખાસ કરીને કન્યાઓના શિક્ષણના સ્તરમાં નોંધપાત્ર સુધાર થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube