અમદાવાદ : પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાત જેવા વિકસિત રાજ્યનાં મુખ્યમંત્રી બાયલા જેવા અભદ્ર શબ્દો વાપરે તે શોભનીય નથી. પરેશ ધાનાણીએ કહ્યું કે, મુખ્યમંત્રીએ કોંગ્રેસને બાયલું કહીને પોતાની માનસિકતા છતી કરી છે. મુખ્યમંત્રી પદ પર બેઠેલા વ્યક્તિએ એક સ્ત્રી શક્તિનું અપમાન કર્યું છે. બાયડમાં પરેશ ધાનાણીએ સભા દરમિયાન જણાવ્યું કે, જેના થકી સમગ્ર વિશ્વ છે તે તેવી સ્ત્રી શક્તિનું મુખ્યમંત્રીએ અપમાન કર્યું છે. તે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે આવા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે ગુજરાતીઓએ આઝાદી અપાવી બે ગુજરાતીઓ ફરી ગુલામ બનાવશે
પરેશ ધાનાણીએ ભાજપ પર પણ પ્રહારો કરતા કહ્યું કે, એનઆરસી મુદ્દે પણ મોટો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. ભાજપ સરકાર આધુનિક અંગ્રેજ સરકાર છે. જે ભાગલા પાડો અને રાજકરોની નીતિમાં માને છે. બે ગુજરાતીઓએ (મહાત્મા ગાંધી અને સરદાર પટેલ) આ દેશને આઝાદી અપાવી. હવે બે ગુજરાતીઓ (વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ) ફરી એકવાર દેશને ગુલામ બનાવવાનું ષડયંત્ર રચી રહ્યા છે. જો કે ગુજરાતની પ્રજા જાગૃત છે તે આ ષડયંત્રને સફળ થવા નહી દે. 

રામ મંદિર મુદ્દે ભ્રમણા ફેલાવે છે ભાજપ
રામ મંદિર અંગે પરેશ ધાનાણીએ કહ્યું કે, રામ સૌના હૃદયમાં છે. ભાજપે રામના નામે સત્તા સંભાળી લીધી છે. રામની ભક્તિ અને કરોડો લોકોની આસ્થા સાથે રમત કરીને ગાદી સંભાળી લીધી છે. હવે તે વર્ગ વિગ્રહ કરાવવાનાં પ્રયાસો કરી રહ્યું છે. જે આવનારા તોફાનનું ઘોતક છે.