કાયમી કરવાની માંગ સાથે કોરોના વોરિયર્સનું ગાંધીનગરમાં પ્રદર્શન, થઈ અટકાયત
- રાજ્યભરમાંથી આવેલા લેબ ટેકનિશિયન અને લેબ આસિસ્ટન્ટ દ્વારા સચિવાલયના ગેટ નંબર 1 સામે ઉગ્ર રજૂઆત કરવામાં આવી.
- શાંતિપૂર્વક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને વિરોધ કરી રહેલા કર્મચારીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી
હિતલ પારેખ/ગાંધીનગર :સિવિલ હોસ્પિટલના લેબ ટેક્નિશિયન અને લેબ આસિસ્ટન્ટ આજે કાયમી કરવાની માંગ સાથે ગાંધીનગર (gandhinagar) પહોંચ્યા હતા. પરંતુ કોરોનાકાળમાં કપરી કામગીરી બજાવનાર આ કર્મચારીઓ (corona warriors) જ્યારે પોતાના હક માટે સરકાર સામે પહોંચ્યા તો તેઓની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર ભરતી મુદ્દે ગુજરાતમાં વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે. તમામ કર્મચારીઓની ગુજરાત સરકાર સામે નોકરીમાં કાયમી કરવાની માંગ ઉઠી છે.
છેલ્લે 2013માં ભરતી કરાઈ હતી
ભરતીના 7 વર્ષ થયાં છતાં કાયમી નિમણૂંક નહીં આપાતા ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં કાર્યરત લેબ ટેકનેશિયન અને લેબ આસિસ્ટન્ટ વિરોધ પર ઉતર્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા વર્ગ 3 ના કર્મચારીઓની 2013 માં ભરતી કરવામાં આવી હતી. પરંતુ રાજ્યમાં 450 થી વધુ કર્મચારીઓની ભરતીને 5 વર્ષ થી વધુ સમય થવા છતાં કાયમી નિમણૂક નહીં અપાતા તેઓ રજૂઆત કરવા ગાંધીનગર પહોંચ્યા હતા. વિભાગ અને સરકારમાં અનેક રજૂઆતો કર્યા છતાં કાયમી નિમણૂંક પત્રો આપવામાં આવ્યા નથી, જેથી કર્મચારીઓમાં ગુસ્સો જોવામળ્યો હતો. સચિવાલયની બહાર પ્રદર્શન કરતા કર્મચારીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
શાંતિપૂર્વક પ્રદર્શન કરતા કર્મચારીઓની અટકાયત કરાઈ
રાજ્યભરમાંથી આવેલા લેબ ટેકનિશિયન અને લેબ આસિસ્ટન્ટ દ્વારા સચિવાલયના ગેટ નંબર 1 સામે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. કોરોના કાળ દરમિયાન કરેલી કામગીરી જો પ્રોત્સાહિત કરવી હોય તો કાયમી નિમણૂક આપવાની માંગણી તમામ દ્વારા કરવામાં આવી હતી. શાંતિપૂર્વક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને વિરોધ કરી રહેલા કર્મચારીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. તેઓને ખીચોખીચ રીતે પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યા હતા. અટકાયત છતા કર્મચારીઓ ઉગ્ર બન્યા હતા.
કોરોના વોરિયર્સ સાથે અન્યાય થયો - કર્મચારી
પોતાની માંગ સરકાર સામે રજૂ કરતા કર્મચારીઓએ કહ્યુ હતું કે, અમારી સાથે અન્યાય થયો છે. અમે અહીં ન્યાય માંગવા આવ્યા, પણ અમને પોલીસે પકડી લીધા છે. કોરોના વોરિયર્સ સાથે આવો અન્યાય કરવામાં આવ્યો છે. તો અન્ય એક કર્મચારીએ કહ્યું કે, અહી તમામ કોલેજમાંથી બધા વિરોધ કરવા આવ્યા છે. 7 વર્ષ થયા છતા અમને પરમનન્ટ કર્યા નથી. અમે આ અ વિશે ચારથી પાંચવાર રજૂઆત કરી છે. કોરોના કાળમાં જે લોકોએ મહત્વની કામગીરી કરી હતી, તેઓ સાથે આવો વ્યવહાર કરાયો હતો.