ઠંડીએ ઠારી નાખ્યા, રાજ્યભરમાં શીતલહેરનો પ્રકોપ, આબુ થીજી ગયું
ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાના કારણે છેલ્લા 4-5 દિવસથી ગુજરાત સહિત રાજસ્થાનમાં ઠંડીએ કહેર વર્તાવવાનું ચાલુ કર્યું છે.
અલ્કેશ રાવ, બનાસકાંઠા: ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાના કારણે છેલ્લા 4-5 દિવસથી ગુજરાત સહિત રાજસ્થાનમાં ઠંડીએ કહેર વર્તાવવાનું ચાલુ કર્યું છે. રાજસ્થાનના હિલસ્ટેશન માઉન્ટ આબુમાં બે દિવસ પહેલા તાપમાન માઇનસ ડીગ્રીએ પહોંચતા અનેક વિસ્તારોમાં બરફની પરત જામી ગઈ હતી જેના કારણે સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આજે પણ માઉન્ટઆબુમાં માઈનસ 2 ડીગ્રી જેટલું તાપમાન રહેતા લોકો ઠંડીથી બચવા તાપણા તેમજ ગરમ વસ્ત્રોનો ઉપયોગ કરી રહ્યા છે. ઠંડીના કારણે માઉન્ટ આબુમાં પ્રવાસીઓમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. હજુ 3 દિવસ સુધી કોલ્ડવેવ રહેશે. સુસવાટા મારતા પવનના કારણે જનજીવનને અસર થઈ છે. દક્ષિણ ગુજરાતમાં પણ ઠંડીનો પ્રકોપ યથાવત છે. ઠંડીના કારણે એક મહિલાના મોતના પણ અહેવાલ છે.
ગુજરાતીઓને પ્રિય એવું માઉન્ટ આબુ થીજી ગયું
ગુજરાતીઓમાં અતિ પ્રિય એવા પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઇનસમાં નોંધાયો. માઉન્ટ આબુમાં સતત ઘણા દિવસોથી તાપમાનનો પારો માઇનસમાં નોંધાયો છે. હિલ સ્ટેશનમાં પારો ગગડતા અસામાન્ય ઠંડી વચ્ચે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. માઉન્ટ આબુમાં પાણીની સપાટી ઉપર પણ બરફ જામી ગયો છે. વહેલી સવારે ઠંડીથી રાહત મેળવવા માટે લોકોએ ચ્હાની ચુસ્કીની મજા માણી હતી. માઇન્ટ આબુમાં પારો માઇનસ 2 ડિગ્રીએ નોંધાયો છે.
અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો અસહ્ય કહેર
રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી ઠંડીનો કહેર શરૂ થયો છે ત્યારે અમદાવાદમાં પણ વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. વહેલી સવારે ઠંડી ભગાડવા માટે અમદાવાદીઓ મોર્નિંગ વોક કરવા નીકળી પડ્યા હતા. અમદાવાદના વસ્ત્રાપુર ખાતેના ગાર્ડનમાં મોટીસંખ્યામાં લોકો મોર્નિંગ વોક કરતા જોવા મળ્યા હતા... એક તરફ લોકો ઠંડીમાં થરથર કંપી રહ્યા છે ત્યારે અમદાવાદીઓ આ ગુલાબી ઠંડીને માણી રહ્યા છે.