મગફળીકાંડના તીરથી સરકારને નિશાન બનાવવા તૈયાર કોંગ્રેસ, અપનાવી `આ` રણનીતિ
મગફળી કાંડનો મુદ્દો જોરશોરથી ગાજી રહ્યો છે
અમદાવાદ : કોંગ્રેસે મગફળીકાંડ મુદ્દે સરકારને ઘેરવાની રણનીતિ તૈયાર કરી લીધી છે. છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ દ્વારા આ મામલે રાજ્ય સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે કોંગ્રસ હવે રાજ્યવ્યાપી વિરોધ કરશે. આ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે રાજ્યના વિવિધ શહેરોમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો રાજ્ય સરકાર વિરોધી સુત્રોચ્ચાર અને બેનરો સાથે દેખાવ યોજશે.
હાલમાં રાજ્યમાં મગફળી કાંડનો મુદ્દો જોરશોરથી ગાજી રહ્યો છે ત્યારે ગોંડલના શાપરમાં મગફળી ગોડાઉનમાં લાગેલી આગ અંગે વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીનો ઓડિયો વાયરલ થયો છે. આ ઓડિયો ક્લિપમાં પરેશ ધાનાણી ફાયરમેન સાથે વાત કરી રહ્યાં છે. તેમાં ફાયરમેન કહે છે કે મગફળી બચાવી શકાય તેમ હતી. તો પછી કોના કહેવાથી આ આગ ઠારવામાં ન આવી? મગફળી ન બચાવવાથી કોને ફાયદો થયો હતો. આવા અનેક સવાલો સામે આવ્યા છે. આ સિવાય સરકાર પર ગોદામમાં સંગ્રહાલય મગફળીના કોથળીઓમાં માટી-પથ્થર કાંકરા ભરવાનો તેમજ તેને મગફળી વેચાણના નામે કરીને નિકાલ કરવા માટે સૌરાષ્ટ્રના વેપારીઓને ડરાવી-ધમકાવીને મગફળી પાણીના ભાવે ખરીદવા મજબૂર કર્યા હોવાનો પણ આરોપ મૂકાયો છે.
આ મામલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આરોપ મૂકતા જણાવ્યું છે કે રાજ્યના ગાંધીધામ, ગોંડલ, શાપર (રાજકોટ) અને જામનગર ખાતે મગફળીના ગોદામમાં લાગેલી આગના આજદિન સુધી એફએસએલ રિપોર્ટ કેમ આવ્યા નથી. તેમ જ કૃષિ વિભાગની તપાસણીનો અહેવાલ કેમ આવ્યો નથી. સરકારે પોલીસ તપાસને આડે પાટે દોરવા માટે થઈને સીઆઈડી ક્રાઈમને જવાબદારી સોંપી, પરંતુ તેની તપાસ કયા તબક્કામાં છે તે કેમ જાહેર કરાતું નથી.
આ મામલે સ્પષ્ટતા કરતા નાયબ મુખ્યમંત્રીનીતિન પટેલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, નાફેડના ચેરમેનનું કામ મગફળીની દેખરેખ રાખવાનું છે. ગુજરાતમાં મગફળી ખરીદવાનું કામ સરકારે શરૂ કર્યુ હતું. મગફળીનું ખરીદ અને વેચાણ એ નાફેડની દેખરેખમાં એટલે કે જવાબદારીમાં આવે. મગફળીની સારસંભાળ રાખવાની જવાબદારી નાફેડની છે
શું છે મગફળીકાંડ ?
ગણતરીના દિવસો પહેલાંપેઢલા ગામે વેપારીઓ મગફળી લેવા ગયા હતા, ત્યારે મગફળીમાં ધૂળ અને માટી નીકળતા વેપારીઓએ હોબાળો મચાવ્યો હતો, હોબાળા બાદ પણ 5 કલાક સુધી ગુજકોટ અને નાફેડના અધિકારીઓ ફરક્યા ન હતા, જેના કારણે મગનભાઇ ઝાલાવડિયાએ જેતપુર પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ બાદ 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણેય આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આરોપીઓની પૂછપરછમાં 22 લોકોના નામ ખૂલ્યા હતા.