રાહુલનો ભાજપ પર વાર, ‘આજે બે હિન્દુસ્તાન બન્યા છે, એક અરબપતિઓનું અને બીજુ ગરીબ જનતાનું’
Gujarat Elections 2022 રાહુલ ગાંધીએ સુરતના મહુવા અને રાજકોટમાં સંબોધી સભા... કહ્યું- મોરબીની ઘટનાથી દુઃખી છું.... ચોકીદારોને પકડ્યા પરંતુ ગુનેગારોને છોડી દીધા
Gujarat Elections 2022 : સુરતમાં સભા સંબોધ્યા બાદ રાહુલ ગાંધી રાજકોટ પહોંચ્યા હતા. જ્યાં વિશાળ જનમેદની સામે તેમણે કોંગ્રેસનો ભવ્ય પ્રચાર કર્યો હતો. સાથે જ મંચ પરથી ભાજપ પર ઉદ્યોગપતિઓને લ્હાણી કરાવતો આરોપ પણ મૂક્યો. સંબોધનની શરૂઆત પહેલા તેમણે મોરબી દુર્ઘટના મુદ્દે 2 મિનિટનું મૌન પાળ્યુ હતું.
રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે ભારત જોડો યાત્રા શરૂ કરી. આ યાત્રા શ્રીનગર સુધી જશે. શ્રીનગરમાં તિરંગે લહેરાવીશુ. આ યાત્રામા બહુ શીખવા મળી રહ્યું છે. યુવાઓ સાથે વાતચીત થઈ રહી છે. ખેડૂતો, મજૂરો, નાના વેપારીઓ સાથે વાત થઈ રહી છે. લોકો પ્રેમ વરસાવી રહ્યાં છે. પરંતુ ટીવીવાળા બહુ બતાવતા નથી. પરંતુ નદી જેવુ છે, રોજ સવારે છ વાગ્યે શરૂ થાય, અને રાતે પૂરી થાય. દુખ એટલુ છે કે યાત્રા ગુજરાતમાંથી ન નીકળી.
મોરબી દુર્ઘટના પર રાહુલ ગાંધીએ કહ્યું કે, મને પત્રકારોએ પૂછ્યુ કે તમે શુ વિચારો છો. મેં કહ્યું કે, 150 લોકોના મોત થયા છે, આ રાજકીય મુદ્દો નથી. આ વિશે હુ નહિ બોલું. પરંતુ આજે સવાલો ઉઠે છે. જેઓએ આ કામ કર્યું તેની સામે કોઈ કાર્યવાહી નહિ. કોઈ એફઆઈઆર નહિ. બીજેપી સાથે તમારો સારો નાતો છે. તો તેમને કંઈ નહિ થાય કે શું. ચોકીદારોને પકડીને અંદર કર્યાં. પરંતુ જવાબદારો સામે કંઈ ન થયું. ગુજરાત પ્રદેશ સ્મોલ એન્ડ મીડિયમ ઈન્ડસ્ટ્રીઝનુ હાડકુ છે. નાના વેપારીઓ રોજગાર આપતા હતા, પરંતુ સરકાર કાળાધનના નામે નોટબંધી લાવી, પરંતુ નાના અને મધ્યમ કદના ઉદ્યોગો બંધ થઈ ગયા. હવે જીએસટી લાગુ કરી. પાંચ અલગ અલગ ટેક્સ લાવ્યા. જે વેપાર બચ્યા હતા તે પણ નાબૂદ થયા, અરબપતિઓ માટે રસ્તો બનાવવાનો હતો. કોરોનાના સમયે પણ એવુ જ કર્યું. જીએસટી બાદ કોરોના આવ્યો, તેમાં પણ સરકારે મદદ ન કરી. આ કોઈ પોલિસી નથી. નોટબંધી, જીએસટી, કોવિડ કોઈ પોલિસી નથી. તે ખેડૂત, મજબૂર, વેપારીઓને નાબૂદ કરવાના હથિયાર છે. હિન્દુસ્તાનના બે-ચાર ઉદ્યોગપતિઓ માટે રસ્તો બનાવવાના હથિયાર છે. આ અરપતિઓ પોર્ટ, એરપોર્ટ, ઈન્ફ્રસ્ટ્ર્કચર, ખેતી, ગ્રોસરી સ્ટોરમાં ઘૂસી રહ્યાં છે. પરંતુ હિન્દુસ્તાનનો યુવા સપનુ જોવા માંગતો હોય તો તેના માટે લાખો રૂપિયા આપવા પડે છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, આજે યુવાઓને રોજગાર નથી મળી રહ્યું. પહેલા ગરીબોને પબ્લિક સેક્ટરમાં નોકરી મળતી હતી. પરંતુ આજે પબ્લિક સેક્ટરનું પ્રાઈવેટાઈઝેશન કરાઈ રહ્યું છે. સરકારમાં લાખો નોકરીઓ ખાલી છે. એક તરફ બેરોજગારી અને બીજી તરફ મોંઘવારી છે. આજે પેટ્રોલ 100 રૂપિયા પર પહોંચી ગયુ છે. આજે બે હિન્દુસ્તાન બની ગયા છે, એક અરબપતિઓનું અને બીજુ હિન્દુસ્તાનની ગરીબ જનતાનું. અમને બે હિન્દુસ્તાન નથી જોઈતા, અમને ન્યાયનુ હિન્દુસ્તાન જોઈએ. ભારત જોડો પાછળના વિચારો મહાત્મા ગાંધીના છે. આ રસ્તો અમને ગુજરાતે બતાવ્યો હતો. તમારી પાસેથી શીખીને અમે આ તપસ્યા કરી રહ્યાં છે. અમે બોલતા નથી, પણ લોકોની વાત સાંભળીએ છીએ. અમે 11 કલાક સુધી સતત ચાલીએ છીએ.
આ સભામાં ઇન્દ્રનીલ રાજગુરૂએ કહ્યુ હતું કે, કોંગ્રેસની હું માફી માંગી માંગુ છું. હું ભૂલથી ભટકી ગયો હતો. હું આમ આદમી પાર્ટીમાં ગયો હતો. એ કોઈ કટ્ટર ઈમાનદાર પાર્ટી નથી, પરંતું ભ્રષ્ટચારી પાર્ટી છે. મેં એ લોકોને નજીકથી જોયા છે. તેમોન વિશ્વાસ ન કરતા. હું કોંગ્રેસ અને બધાની માફી માંગુ છું. તો પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યુ હતું કે, ભાજપના ગઢ સમાં ગુજરાતમાં વર્ષો બાદ ભાજપના પગ નીચેથી જમીન ખસી ગઈ છે.