કોંગ્રેસના રાજકોટ બંધને વિવિધ વેપારી વર્ગનું મળ્યું સમર્થન, શાળાઓએ પણ સવારે રજા જાહેર કરી
રાજકોટમાં 25 મે એટલે કે પાછલા મહિને ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગમાં 27 લોકોના મોત થયા હતા. આ ઘટનાને મંગળવારે એક મહિનો પૂર્ણ થવાનો છે. કોંગ્રેસ દ્વારા અગ્નિકાંડની પ્રથમ માસિક પૂણ્યતિથિએ રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે.
રાજકોટઃ રાજકોટમાં આજથી એક મહિના પહેલા ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગમાં 27 લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટનાને આવતીકાલે એક મહિનો થઈ રહ્યો છે. કોંગ્રેસ દ્વારા આ ઘટનામાં લોકોને ન્યાય 25 જૂન મંગળવારે રાજકોટ બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે. હવે કોંગ્રેસના આ બંધને અનેક વેપારી સંગઠનો દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.
પીડિત પરિવારની લોકોને અપીલ
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના પીડિત પરિવાર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. મંગળવારે રાજકોટ બંધમાં જોડાવાની અપીલ પીડિત પરિવારો દ્વારા કરવામાં આવી છે. મૃતક આશા કાથડના બહેન સંતોષ કાથડે રાજકોટવાસીઓને બંધમાં જોડાવાની અપીલ કરી છે.
રાજકોટ બંધને વેપારી સંગઠનોનું સમર્થન
રાજકોટ માટે ક્યારેય ન ભૂલી શકાય તેવી ઘટના 25 મેએ બની હતી. આ દિવસે સાંજના સમયે ટીઆરપી ગેમઝોનમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 27 જેટલા લોકોના મોત થયા હતા. રાજ્ય સરકાર દ્વારા એસઆઈટીની રચના કરી આ દુર્ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. આ વચ્ચે કોંગ્રેસ દ્વારા 25 જૂને રાજકોટ બંધનું આહવાન કર્યું છે.
રાજકોટના દાણાપીઠ એસોસિએશનના 300 કરતા વધુ વેપારીઓએ આ બંધને ટેકો આપ્યો છે. આ સિવાય સિલ્વર મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા પણ બંધને ટેકો આપવામાં આવ્યો છે. તો આ બંધને લઈને ઘણી સ્કૂલો દ્વારા પણ આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે. રાજકોટની વિવિધ સ્કૂલોએ રજા અંગે વાલીઓને મેસેજ પણ કર્યો છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં આજે 104 તાલુકામાં વરસાદ, લાલપુર અઢી તો સુરતના ઓલપાડમાં બે ઈંચ જેટલો વરસાદ
રાજકોટની એક અગ્રણી સ્કૂલ દ્વારા વાલીઓને કહેવામાં આવ્યું છે કે બંધના એલાન દરમિયાન બાળકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ મંગળવારે સવારની શિફ્ટમાં શાળામાં રજા રહેશે.
બીજીતરફ રાજકોટમાં કોચિંગ ક્લાસિસ ઓનર્સ એસોસિએશન અને તેમના 400 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા રેસકોર્ષ ખાતે અગ્નિકાંડના મૃતકોને પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.