રાજ્યમાં આજે 104 તાલુકામાં વરસાદ, લાલપુર અઢી તો સુરતના ઓલપાડમાં બે ઈંચ જેટલો વરસાદ

ગુજરાતમાં ધીમે-ધીમે ચોમાસાનો માહોલ જામી રહ્યો છે. વિવિધ જગ્યાએ વરસાદનું આગમન થઈ રહ્યું છે. આજે રાજ્યના 104 તાલુકામાં વરસાદ પડ્યો છે. જામનગર જિલ્લાના લાલપુરમાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. 

રાજ્યમાં આજે 104 તાલુકામાં વરસાદ, લાલપુર અઢી તો સુરતના ઓલપાડમાં બે ઈંચ જેટલો વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન તો નથી થયું પરંતુ, 2 દિવસથી જે રીતે રાજ્યમાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે એ જોતા લાગી રહ્યું છેકે, ચોમાસું હવે ગણતરીના કલાકો જ દૂર છે.. જી હાં, રવિવારના દિવસે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબક્યો તો સોમવારે ઉત્તર ગુજરાતનો પણ એમાં ઉમેરો થયો.. જોકે, વરસાદને લઈને આગામી દિવસો ભારે હોવાનું હવામાન વિભાગ જણાવી રહ્યું છે.. એટલું જ નહીં કેટલાક જિલ્લાઓમાં તો રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે.. જુઓ આ રિપોર્ટ.. 

રાજ્યના 104 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં આજે રાત્રે 8 કલાક સુધી 104 તાલુકામાં વરસાદ પડ્યો છે. જામનગર જિલ્લાના લાલપુરમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ પડ્યો છે. આ સિવાય સુરત, તાપી, દેવભૂમિ દ્વારકામાં દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. તુલ 20 જેટલા તાલુકા એવા છે જ્યાં એક ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. 

ગુજરાતમાં મેઘરાજાના પ્રથમ રાઉન્ડમાં જ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘ જમાવટ જોવા મળી રહી છે.. આ વર્ષે ચોમાસુ ગુજરાતમાં પ્રવેશ્યા બાદ નવસારીમાં અટવાઈ ગયું હતું જે હવે સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે.. જેને કારણે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે.. હવે દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં પણ ચોમાસાએ એન્ટ્રી લીધી છે.. 

વરસાદના દ્રશ્યોની શરૂઆત દક્ષિણ ગુજરાતથી કરીએ.. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ છવાતાં રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા.. અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા થઈ હતી.. ડાંગના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો.. 

પહેલા વરસાદમાં ક્યાંક હાલાકીના દ્રશ્યો પણ સામે આવ્યા.. વલસાડમાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ ખાબક્યો.. ભારે વરસાદના કારણે છીપવાડ, મોગરવાડી અંડરપાસમાં પાણી ભરાયા.. અંડરપાસમાં પાણી ભરાવાના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો..

ઉત્તર ગુજરાતના છોટાઉદેપુરમાં સિઝનનો પ્રથમ વરસાદ પડ્યો..પ્રથમ વરસાદમાં જ છોટાઉદેપુર પાણી પાણી થઈ ગયું.. છોટાઉદેપુરના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે હેરણ નદીમાં પુર આવ્યું.. નદીમાં નવા નીર આવતાં જ વાસણા આડબંધ ઓવરફ્લો થયો હતો..  એટલું જ નહીં ક્વાંટ તાલુકાની કરા નદીમાં પણ પૂર આવ્યું હતું.. ક્વાંટ તાલુકામાં વાવણી લાયક વરસાદ વરસ્યો હતો.. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો..

જોકે ક્યાંક હાલાકીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.. સંખેડા તાલુકાના કરાલી ગામે એના કોતર પરનું ડાયવર્ઝન ધોવાઈ ગયું હતું.. રસ્તો બંધ થઈ જવાના કારણે 25 ગામના લોકોને અસર થઈ હતી.. 

જામનગર પંથકમાં ધોધમાર વરસાદના કારણે મુળીલા ગામની નદી પરનો પુલ તૂટી ગયો હતો.. નપાણિયાથી ખીજડિયા જવાનો પુલ તુટતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.. સ્થાનિકોએ વારંવાર બ્રિજ બનાવવાની માગ કરી છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.. 

હવામાન વિભાગ દ્વારા હાલમાં દક્ષિણ ગુજરાત તરફ સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ તો ક્યાંક ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.. હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસને લઇને વરસાદ બાબતે આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારો તથા દક્ષિણ ગુજરાતના ભાગોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે..

રાજ્યમાં આખરે ચોમસાનો માહોલ જામતા લોકોમાં પણ હર્ષની લાગણી જોવા મળી રહી છે.. પરંતુ, તંત્રની બેદરકારીના કારણે પ્રથમ વરસાદમાં જ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે..
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news