ગુજરાત ભાજપમાં એવું બન્યુ કે પાર્ટીની છબી ખરડાઈ ગઈ! ટાર્ગેટ પૂરો કરવામાં નેતાઓએ માર્યા લોચા
BJP Membership Campaing Controversy : ભાજપનું સદસ્યતા અભિયાન ફરી વિવાદમાં... ગુજરાતમાંથી ઉઠી છે અનેક ફરિયાદો... કોંગ્રેસના આગેવાનોને બનાવાયા ભાજપના સભ્યો... કોંગ્રેસના આગેવાનોએ ઢાલવ્યો બળાપો... જેની પર આક્ષેપ લાગ્યો તેમણે કર્યો બચાવ
Gujarat Politics : ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. દરેક નેતાઓને સભ્યો વધારવા માટે ટાર્ગેટ આપવામાં આવ્યા છે. આ ટાર્ગેટ પુરો કરવા માટે નેતાઓ અને તેમના કાર્યકરો એવા એવા કામ કરે છે કે જેના કારણે પાર્ટીની છબિ ખરડાઈ રહી છે...ગુજરાતમાં આવી ચારથી પાંચ ઘટનાઓ સામે આવી છે...શું છે સમગ્ર વિવાદ?...જુઓ આ અહેવાલમાં....
- વિવાદનું બીજુ નામ બન્યું ભાજપનું સદસ્યતા અભિયાન
- સભ્ય વધારવા માટેની કામગીરીથી રાજ્યમાં વિવાદ
- કોંગ્રેસના સભ્યોના બની ગયા ભાજપના કાર્ડ
- મહેસાણા પછી વલસાડથી પણ સામે આવ્યો વિવાદ
વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીનું હાલ સદસ્યતા અભિયાન હાલ વિવાદમાં સપડાઈ ગયું છે. પાર્ટીના નેતાઓને સભ્યો વધારવા માટે જે ટાર્ગેટ આપવામાં આવ્યા છે તેને પુરા કરવા માટે નેતાઓ જે કામગીરી કરી રહ્યા છે તેના કારણે વિવાદ સર્જાયો છે.
મહેસાણા, ભાવનગર, સુરેન્દ્રનગર અને હવે વલસાડ....મહેસાણાના વીસનગરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ભાજપ સભ્યો બનાવવામાં આવી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. તો ભાવનગરમાં રૂપિયા આપીને ભાજપના સભ્યો બનાવવામાં આવી રહ્યા છે. તો સુરેન્દ્રનગરમાં શાળાના વાલીઓને ભાજપના સભ્યો બનવા મેસેજ કરાતા વિવાદ સર્જાયો છે. તો વલસાડમાં કોંગ્રેસના અગ્રણીઓને ભાજપના સભ્યો બનાવી દેવામાં આવ્યા હોવાની તસ્વીરો વાયરલ થઈ છે.
વલસાડ કોંગ્રેસના આગેવાન રમેશ પટેલ અને પૂર્વ કારોબારી સભ્ય રાજેશ પટેલને ભાજપના સભ્ય બનાવી તેની તસ્વીરો વાયરલ કરવામાં આવી છે. આ તસ્વીરો વાયરલ થતાં જિલ્લાના રાજકારણમાં ભૂકંપ આવી ગયો. કોંગ્રેસના આગેવાનોને તેમની સહમતિ વીના ખોટી રીતે OTP લઈને સભ્યો બનાવી દેવામાં આવતાં જિલ્લાનું રાજકારણ ગરમાઈ ગયું છે. કોંગ્રેસના સભ્યોએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે.
કોને કેટલા સભ્યો બનાવાનો ટાર્ગેટ
- સાંસદોને વ્યક્તિગત 10 હજાર અને મતવિસ્તારમાં 7 લાખ
- ધારાસભ્યોને વ્યક્તિગત 5 હજાર અને મતવિસ્તારમાં 1 લાખ
- કાઉન્સિલરોને 2000 સભ્યોનો ટાર્ગેટ
- જિ.પંચાયતના સભ્યોને 1 હજાર સભ્યોનો ટાર્ગેટ
- તા.પંચાયતના સભ્યોને 500 સભ્યોનો ટાર્ગેટ
- નગરપાલિકાના સભ્યોને 500 સભ્યોનો ટાર્ગેટ
- પ્રદેશ પદાધિકારીઓને 1000 સભ્યોનો ટાર્ગેટ
- પ્રદેશ મોરચાના પ્રમુખ-મહામંત્રીને 1000 સભ્યોનો ટાર્ગેટ
- પ્રદેશ સેલ સંયોજકને 1000 સભ્યોનો ટાર્ગેટ
- શહેરી મંડલ પદાધિકારીને 500 સભ્યોનો ટાર્ગેટ
- પૂર્વ સાંસદોને વ્યક્તિગત 2 હજાર સભ્યોનો ટાર્ગેટ
- પૂર્વ ધારાસભ્યોને વ્યક્તિગત 1 હજાર સભ્યોનો ટાર્ગેટ
- 2022 વિધાનસભા હારેલા ઉનેદવારોને 2500 સભ્યોનો ટાર્ગેટ
- પ્રદેશ અને જિલ્લા કક્ષાના સહકારી આગેવાનોને 3000 સભ્યોનો ટાર્ગેટ
વલસાડમાં ખોટી રીતે સભ્યો બનાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ ધારાસભ્ય અરવિંદ પટેલ પર લાગ્યો છે. ધારાસભ્યએ ખોટી રીતે OTP લઈને સભ્યો બનાવ્યા હોવાનો આરોપ કોંગ્રેસના આગેવાનોએ તેમની સામે મૂકાયો છે. બીજી તરફ આ સમગ્ર ઘટના ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલે પોતાનો બચાવ કર્યો અને કહ્યું કે, કોંગ્રેસના સભ્યો સામેથી મારી પાસે આવ્યા હતા અને તેમણે જ મને OTP આપ્યો હતો.
ભાજપ અને કોંગ્રેસ બન્ને એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે. સભ્ય બનાવવામાં થયેલા આ વિવાદમાં સાચુ કોણ અને ખોટું કોણ તે હાલ કહેવું ઉતાવળું છે. પરંતુ જે રીતે ભાજપના સભ્યો બનાવવામાં અલગ અલગ જે વિવાદો સામે આવી રહી છે તેનાથી ભાજપની છબી ચોક્કસ ખરડાઈ રહી છે. મહેસાણામાં વાયરલ થયેલા વીડિયોનો વિવાદ હજુ સમ્યો નથી ત્યાં વલસાડમાં બનેલી આ ઘટનાથી વિવાદ વધુ વકરે તો નવાઈ નહીં.