કચ્છના ભૂકંપથી માંડીને રાજ્યના દરિયાકિનારે ત્રાટકતાં વાવાઝોડાં જેવી કુદરતી આપત્તિઓ સમયે સર્જાતી ભીષણ પરિસ્થિતિઓમાં ગુજરાતે હંમેશાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અત્યારે બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં ટકરાવાની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે વાવાઝોડા સામે પહોંચી વળવા અને જનતાને સુરક્ષિત રાખવા માટેની તમામ પૂર્વતૈયારીઓ કરી લીધી છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા વિવિધ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે વાવાઝોડાની લેટેસ્ટ સ્થિતિ
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ હાલ બિપરજોય વાવાઝોડું ગુજરાતના જખૌથી 120 કિમી દૂર છે. જ્યારે દેવભૂમિ દ્વારકાથી 170 કિમી દૂર છે. જખૌ બંદરે આજ સાંજથી લેન્ડફોલ પ્રક્રિયા શરૂ થઈ જશે જે મધરાત સુધી ચાલશે. 


19 NDRF અને 12 SDRF ટીમો તહેનાત
ગુજરાતના દરિયાકાંઠાના 9 જિલ્લાઓ એટલે કે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, ગિર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને વલસાડ તેમજ 1 કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં મળીને કુલ 19 NDRF ટીમો તહેનાત કરવામાં આવી છે. આ સાથે જ દરિયાકાંઠાના 10 જિલ્લાઓ (કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, ગિર સોમનાથ, જૂનાગઢ, પાટણ, બનાસકાંઠા, સુરત)માં 12 SDRF ટુકડીઓ તહેનાત કરવામાં આવી છે અને 1 SDRF ટુકડીને રિઝર્વ રાખવામાં આવી છે. 


વાવાઝોડું, વરસાદ અને પવનના જોરને ધ્યાનમાં રાખીને પૂર્વતૈયારીરૂપે સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓમાં વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવેલા 4317 હોર્ડિંગ્સ હટાવી લેવામાં આવ્યા છે, જેથી જાનમાલની હાનિને ટાળી શકાય. આ ઉપરાંત, આ 8 જિલ્લાઓમાં 21,595 હોડીઓને જનતાની મદદ માટે તૈયાર રાખવામાં આવી છે. 


આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાઓ અને લોજિસ્ટિક્સનો પર્યાપ્ત જથ્થો સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. અસરગ્રસ્ત જિલ્લાઓની હોસ્પિટલોમાં 100% ડીઝલ જનરેટર્સની વ્યવસ્થા કરવામાં આવી છે. વાવાઝોડાંથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પૂરતી તબીબી મદદ મળી રહે તે માટે કુલ 17 જેટલી 108 એમ્બ્યુલન્સીસ ફાળવવામાં આવી છે, જેમાં કચ્છમાં 10, દ્વારકામાં 5 અને 2 એમ્બ્યુલન્સ મોરબી મોકલવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં વસતી સગર્ભા મહિલાઓ તેમજ તેમની અંદાજિત ડિલિવરીની તારીખોનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે, જેથી તેમને સમયસર યોગ્ય સારવાર આપી શકાય. આ જિલ્લાઓમાં કુલ 197 DG સેટ ફાળવવામાં આવ્યા છે. 


રાજ્ય સ્તરે અને જિલ્લા સ્તરે કંટ્રોલ રૂમની વ્યવસ્થા
11 જૂનથી જ ગુજરાતમાં રાજ્ય સ્તરે અને જિલ્લા સ્તરે કંટ્રોલ રૂમ ઊભા કરવામાં આવ્યા છે. કચ્છ-સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેડિકલ ટીમ અને સ્પેશિયાલિસ્ટ્સને મોકલવામાં આવ્યા છે, જેમાં મોરબીમાં 10, કચ્છમાં 15, દ્વારકામાં 5, જામનગરમાં 2, ગિર સોમનાથમાં 2 અને 30 જેટલા સ્પેશિયાલિસ્ટ્સ ડોક્ટરોને સંભવિત અસરગ્રસ્ત થનારા વિસ્તારોમાં તહેનાત કરવામાં આવ્યા છે. સંભવિત અસરગ્રસ્ત તમામ જિલ્લાઓ અને કોર્પોરેશન્સમાં એન્ટિ એપિડેમિક ડ્રગ્સનો જથ્થો સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. આ દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ RRT અને દરેક તાલુકામાં 2 મેડિકલ ટીમ્સની વ્યવસ્થા કરવામાં આવી છે. વાવાઝોડાંની અસરોને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે રૂ.50 લાખની ગ્રાન્ટ પણ રીલીઝ કરવામાં આવી છે, જેમાં કચ્છમાં રૂ.15 લાખ અને બાકીના 7 જિલ્લાઓમાં રૂ.5 લાખ પ્રતિ જિલ્લો ગ્રાન્ટ રીલીઝ કરવામાં આવી છે. અસર હેઠળ આવનારા સંભવિત જિલ્લાઓમાં 92 વેક્ટર કંટ્રોલ ટીમ તહેનાત કરવામાં આવી છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube