તોડપાણી કરતી નકલી પોલીસથી થઇ જજો સાવધાન, જરૂરી નથી દરેક જગ્યાએ ત્રીજી આંખની નજર હોય
મળતી માહિતી મુજબ નરોડ પોલીસે મૂળ અરવલ્લીના વતની અને હાલ નરોડા વિસ્તારમાં વસવાટ કરતા અશોક પરમાર નામના આરોપીને પકડી પાડ્યો હતો.
મૌલિક ધામેચા, અમદાવાદ: ગુનેગારો પાસેથી પોલીસ રૂપિયા પડાવે તેમા કોઈ નવાઈ નથી. પરંતુ પોલીસની આ હરકતનો લાભ હવે આરોપી પણ લઈ રહ્યા છે. રાહદારીઓને પોલીસના નામે દમ મારી રૂપિયા પડાવી લેવામાં આવતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અસલી પોલીસે ગણતરીના કલાકોમાં નકલી પોલીસને ઝડપી જેલ હવાલે કરી દીધો હતો.
મળતી માહિતી મુજબ નરોડ પોલીસે મૂળ અરવલ્લીના વતની અને હાલ નરોડા વિસ્તારમાં વસવાટ કરતા અશોક પરમાર નામના આરોપીને પકડી પાડ્યો હતો. લોકડાઉન બાદ આરોપી આરોપી બેકાર હોવાથી તેણે બે દિવસ પહેલા પોલીસના નામે એક લૂંટને અંજામ આપ્યો હતો.
જો બનાવની વિગત અંગે વાત કરીએ તો નરોડા જીઆઈડીસીના ગેટ નંબર એક પાસે આવેલ બિસ્કીટ ગલીમાંથી પસાર થતા એક રાહદારીને અશોક પરમાર નામના યુવકે લૂંટી લીધો હતો. બે દિવસ અગાઉ નરોડા વિસ્તારમાં બનેલા આ બનાવમાં આરોપી અશોક પરમારે પોલીસ તરીકે ઓળખ આપી માસ્ક ન પહેરવા અંગે ગુનો નોંધવાની ધમકી આપી ફરિયાદી પાસેથી 10 હજારની લુંટ ચલાવી હતી.
જોકે આરોપી રૂપિયા લઈને ભાગ્યો તે સમયે ફરિયાદીએ બાઈકનો નંબર જોઈ લીધો હતો અને તે નંબરના આધારે તથા સીસીટીવી ફુટેજના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસના નામે તોડ અને રૂપિયા પડાવવાના બનાવો ન માત્ર શહેર પરંતુ રાજ્યભરમાં બની રહ્યા છે.
તેવા સમયે પોલીસ અધિકારી લોકોને સુફિયાણી સલાહ આપે છે કે પોલીસ તરીકે ઓળખ આપનારના આઈકાર્ડ ચેક કરવામાં આવે. પરંતુ પોલીસ પ્રો એક્ટિવ કામગીરી કરી આરોપીને ઝડપી લેવાની કાર્યવાહી ક્યારે કરશે તે સોથી મોટો પ્રશ્ન છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube