ગ્લુકોઝ અને મીઠું મિક્સ કરીને બનાવાતું રેમડેસિવિર ઈન્જેક્શન, સુરતના ફાર્મહાઉસમાં ચાલતા કૌભાંડનો પર્દાફાશ
- આરોપીઓ પાસેથી નકલી રેમડેસિવિર બનાવવાની રીત જાણીને પોલીસના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી
- આરોપીએ અત્યારસુધી પાંચ હજાર ઈન્જેકશન સુરત, મોરબી અને અમદાવાદમાં વેચ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું
ઝી મીડિયા/બ્યૂરો :ડુપ્લીકેટ રેમડેસિવિર ઇન્જેક્શનનું રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ થયો છે. સુરતમાં નકલી રેમેડિસિવર ઇન્જેક્શન બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. સુરતના ઓલપાડ નજીકના પિંજરત ગામમાંથી 60 હજારથી વધુ ડુપ્લીકેટ ઇન્જેક્શન જપ્ત કરાયા છે. મોરબીથી પકડાયેલા આરોપીઓની તપાસમાં મોટો ખુલાસો છે. પરંતુ પૂછપરછમાં પોલીસની સામે આરોપીઓએ રેમડેસિવિર બનાવવાની રીતની જે કબૂલાત કરી, તે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ઇન્જેકશનમાં ગ્લુકોઝ અને પાણી ભરવામાં આવી રહ્યુ હતું. આવા સો બસ્સો નહિ પરંતુ એકસાથે 63 હજાર ઇન્જેક્શન પકડાયા હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો : અસલી અને નકલી રેમડેસિવિર ઈન્જેક્શનને આ રીખે જાતે જ ઓળખો, માત્ર એક નિશાનનો છે તફાવત
સુરતના ફાર્મહાઉસમાં બનાવાતા નકલી રેમડેસિવિર
સુરતના ઓલપાડના પિંજરત ખાતે ફાર્મહાઉસ ભાડે રાખી નકલી રેમડેસિવિર ઈન્જેકશનની ફેકટરી ચલાવતા બેની પોલીસે ધરપકડ કરી છે. રાજ્યવ્યાપી રેમેડેસિવિર કૌભાંડમાં સુરતના કૌશલ વોરા અને પુનિત જૈનનું નામ ખૂલ્યું હતું. જ્યાં મોરબી પોલીસ અને સુરત ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડીને પિંજરતના ફાર્મહાઉસ ખાતેથી બંનેને પકડ્યા હતા. બંને પાસેથી 74 લાખ રોકડા અને 63 હજાર જેટલી ખાલી વાયલ મળી આવી છે.
કેવી રીતે બનાવતા નકલી રેમડેસિવિર
આરોપીઓ પાસેથી નકલી રેમડેસિવિર બનાવવાની રીત જાણીને પોલીસના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. જે ઈન્જેક્શન કોરોનાના ગંભીર દર્દીઓ માટે ઉપયોગ થતું તેને માત્ર ગ્લુકોઝ પાઉડર અને મીઠાનું મિશ્રણ કરીને બનાવવામાં આવતુ હતું. ગ્લુકોઝ અને મીઠાનો પાવડર બનાવીને શીશીમાં ભરી દેતા હતા અને તેના પર રેમડેસિવિરના સ્ટીકર ચોંટાડી બજારમાં વેચવામાં આવતું.
આ પણ વાંચો : ગુજરાતના આ ખોબા જેવડા ગામમાં નથી નોંધાયો કોરોનાનો એક પણ કેસ
5 માણસોને પગાર પર રાખ્યા હતા
કોરોનાએ માથુ ઉંચકતા છેલ્લા પંદર દિવસથી ફાર્મ હાઉસ ભાડે રાખીને આ રીતે ઈન્જેક્શન બનાવવામાં આવતા હતા, અને તેની કાળાબજારી કરી લોકો પાસેથી રૂપિયા ખંખેરવાનો ધંધો બંનેએ શરૂ કર્યો હતો. એટલુ જ નહિ, આ માટે 5 માણસોને પગાર પર પણ રાખવામાં આવ્યા હતા. આરોપીએ અત્યારસુધી પાંચ હજાર ઈન્જેકશન સુરત, મોરબી અને અમદાવાદમાં વેચ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. અત્યાર સુધીમાં 5000 ડુપ્લીકેટ ઇન્જેક્શનનું વેચાણ કર્યું હોવાનો ખુલાસો થયો છે.
આ પણ વાંચો : સરકારના આ પ્લાનિંગથી કોરોનામુક્ત બનશે ગુજરાતના ગામડા
આ કૌભાંડમાં કોણ કોણ પકડાયું
- કૌશલ મહેન્દ્ર વોરા (સુરત)
- રાહુલ અશ્વિનભાઈ કોટેચા (મોરબી)
- રવિરાજ ઉર્ફે રાજ મનોજભાઈ હીરાણી (મોરબી)
- મહંમદ આશીમ ઉર્ફે મહંમદ આશીફ મહંમદ અબ્બાસ પટ્ટણી (અમદાવાદ)
- રમીઝ સૈયદ હુસૈન કાદરી (અમદાવાદ)
- પુનીત ગુણવંતલાલ શાહ (મુંબઇ)
- ભરૂચ અને સુરતના એક-એક આરોપી હજી પોલીસ પકડથી દૂર છે.