બીજી લહેર પર કાબૂ મેળવ્યો, ત્રીજી લહેર સામે પણ લડીશું, હતાશ થવું નથી : વિજય રૂપાણી
કોરોનાની બીજી લહેરમાં રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે છેલ્લા મહિનામાં બેડની સંખ્યા ૪૧ હજારથી વધારીને ૧ લાખ કરવામાં આવી છે. જ્યારે ઓક્સિજન બેડની સંખ્યા ૧૮ હજારથી વધારીને ૫૮ હજાર કરવામાં આવી છે.
ગાંધીનગર: છેલ્લા ૧૦ દિવસથી ગુજરાતમાં કોરોનાના કેસ સ્ટેબલ થયા છે. ગઈકાલે ગુજરાતમાં ૧૨,૫૦૦ નવા કેસ સામે ૧૩,૮૦૦ દર્દી સાજા થઈને પોતાના ઘરે ગયા છે જે આપણા સૌ માટે ખૂબ જ રાહતના સમાચાર છે. કોરોનાની બીજી લહેરમાં રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે છેલ્લા મહિનામાં બેડની સંખ્યા ૪૧ હજારથી વધારીને ૧ લાખ કરવામાં આવી છે.
કોરોના સામે લડવા છેલ્લા દોઢ માસમાં ગુજરાતમાં ૨ લાખ ૭૫ હજારથી વધુ લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના સઘન પગલાં તેમજ કોરોના વોરિયર્સની દિવસ- રાત મહેનત અને લોકોના સહકાર- જાગૃતિના પરિણામે ગુજરાત કોરોનાની બીજી લહેરમાં પણ ધીમે ધીમે મક્કમતાથી બહાર આવી રહ્યું છે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગાંધીનગરથી જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે યોગી ડિવાઇન સોસાયટીના ઉપક્રમે આજે આત્મીયધામ- વડોદરા ખાતે આત્મીય પોઝિટિવ કેર- પોસ્ટ કોવિડ સેન્ટરનો ગાંધીનગરથી ઇ-પ્રારંભ કરાયો હતો.
વેક્સીનને Import કરવાનો રસ્તો સાફ, નવી ગાઈડલાઈનથી કોરોના સામેના vaccination ને મળશે વેગ
મુખ્યમંત્રી રૂપાણીએ વિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, સાફ નિયત, સાચી દિશા અને પરિશ્રમની પરાકાષ્ઠા સાથે રાજ્ય સરકાર કોરોના સામે જંગ જીતવા સતત કાર્યરત છે. કોરોનાની બીજી લહેરમાં રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે છેલ્લા મહિનામાં બેડની સંખ્યા ૪૧ હજારથી વધારીને ૧ લાખ કરવામાં આવી છે. જ્યારે ઓક્સિજન બેડની સંખ્યા ૧૮ હજારથી વધારીને ૫૮ હજાર કરવામાં આવી છે. રાજ્ય સરકારના સઘન પ્રયાસોથી ૨,૦૦૦ જેટલી હોસ્પિટલોમાં દૈનિક ૧૧૦૦ ટન ઓક્સિજનનો ૨૪ કલાક અવિરત પ્રવાહ પુરો પાડવામાં આવી રહ્યો છે.
નવા નવા ઓક્સિજન પ્લાન્ટ પણ સ્થાપવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત છેલ્લા એક માસના ગાળામાં ગુજરાતની વિવિધ હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે રાજ્ય સરકારે ૭ લાખથી વધુ રેમડેસિવર ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવીને દર્દીઓને સુવિધા પુરી પાડી છે જેના પરિણામે આજે ગુજરાતમાં કોરોનાના નવા કેસ કરતાં વધુ દર્દી સાજા થઈને ઘરે જઈ રહ્યા છે.
હાઇકોર્ટના આદેશ બાદ સરકારે કોરોના દર્દીઓ માટે જાહેર કરી પોલિસી
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાત સરકારે કોરોના સંક્રમણને ગામમાં જ દબાવી દેવા માટે ગત તા, ૦૧ મેથી “મારુ ગામ કોરોના મુક્ત ગામ” અભિયાનનો પ્રારંભ કર્યો છે. જેમાં ગામમાં સર્વેલન્સ કરીને તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો ધરાવતાં લોકોને અલગ કરીને તેમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવે છે અને જો તેમાં કોઇ પોઝિટિવ આવે તો ગામના કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરમાં તેની અલગથી સારવાર આપીને સંક્રમણને આગળ વધતું અટકાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે.
આ અભિયાન હેઠળ ખૂબ જ ટૂંકા ગાળામાં રાજ્યના ૩૩ જિલ્લામાં ૧૩,૦૦૦થી વધુ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર નિર્માણ કરીને ૧ લાખ ૨૦ હજારથી વધુ બેડની વ્યવસ્થા ઉભી કરી છે. ગામના લોકો અને વહીવટી તંત્રના સહિયારા પ્રયાસો, સૌના સહકારથી ગુજરાતમાં કોરોના હારશે અને ગુજરાત જીતશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ સંતોના આર્શીવાદ સાથે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કે, ગુજરાત કોરોનાથી ત્રીજી લહેર માટે અત્યારથી સજ્જ થઈ રહ્યું છે જેના ભાગરૂપે નવા નવા ઓક્સિજન પ્લાન્ટ સહિત જરૂરી વ્યવસ્થાઓ વિકસાવાઇ રહી છે. આપણે વ્યથા નહી વ્યવસ્થા સાથે આગળ વધી રહ્યા છીએ એટલે કોરોના સામેનો જંગ આપણે જીતી રહ્યા છીએ.
ધારાસભ્યો પોતાની સંપૂર્ણ ગ્રાન્ટ પણ આરોગ્ય સાધનો-ખરીદી માટે આપી શકશે
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, પૂજ્ય સંતોના આર્શીવાદથી શરૂ કરેલું આત્મીય પોઝિટિવ કેર સેન્ટર કોરોનાના દર્દીઓમાં આત્મ વિશ્વાસનો નવો સંચાર કરશે. આ સેન્ટર કોરોના બાદ માનસિક અને હતાશ થયેલા લોકોને નવું મનોબળ પુરૂ પાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ભગવાન સ્વામિનારાયણે પણ વન વિચરણ દરમિયાન રોગીઓની સેવા કરી હતી.
શિક્ષાપત્રીમાં પણ માંદા-રોગી જનની આજીવન સેવા કરવાના શિખ આપેલી છે જેને આજે સાચા અર્થ યોગી ડિવાઇન સોસાયટીના માધ્યમથી આપણે અપનાવી રહ્યા છીએ, આપણે આ સેવાના સંસ્કાર જાળવી રાખ્યા છે તેમ જણાવી મુખ્યમંત્રીએ સેવા કાર્ય બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા.
પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીએ આર્શીવાદ આપતાં કહ્યું હતું કે, લોકો અને સમાજની સેવા કરવી એ જ અમારો મુખ્ય ફરજ છે. ભગવાનના આર્શીવાદ અને સૌના સહયોગથી આપણે આ કોરોના સામેનો જંગ જલદીથી જીતશું અને ગુજરાતને કોરોના મુક્ત બનાવીશું.
સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલે આત્મીય પોઝિટિવ કેર સેન્ટર શરૂ કરવા બદલ સંતો અને યોગી ડિવાઇન સોસાયટીનો આભાર માન્યો હતો. પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ આત્મીય પોઝિટિવ કેરની કામગીરીની રૂપરેખા આપીને સૌને માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે વડોદરાના મેયર કેયુરભાઇ રોકડીયા, OSD ડૉ. વિનોદ રાવ, ભાજપના મહામંત્રી ભાર્ગવભાઇ ભટ્ટ, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત પૂજ્ય સંતગણ અને ભક્તો ઓનલાઇનના માધ્યમથી સહભાગી થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube