અમદાવાદ : ગુજરાતના રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવેએ નવરાત્રિમાં શાળા અને કોલેજોમાં વેકેશનની જાહેરાત કર્યા હવે આ ટાઇમટેબલનો સમય ફેરવીને તોળવામાં આવ્યો છે. આ વેકેશનના ટાઇમિંગ વિશે વિવાદ ઉભો થતા આજે પ્રેસ કોન્ફરન્સ કરીને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વેકેશનનો સમય બદલીને 10થી 17 ઓક્ટોબર સુધીના વેકેશનની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા સરકારે 15 ઓક્ટોબરથી 21 ઓક્ટોબર સુધીની રજા જાહેર કરી હતી. જેને પગલે 19 ઓક્ટોબરના રોજ યોજાનારી પ્રથમ પરીક્ષા અને રજાની તારીખ ટકરાઈ રહી હતી. જોકે નવરાત્રિમાં વેકેશન બોનસમાં નથી મળ્યું પણ દિવાળીનું વેકેશન ટુંકાવી દેવામાં આવ્યું છે. જાહેર કરાયેલા શેડ્યુલ પ્રમાણે હવે દિવાળી વેકેશન 5 નવેમ્બરથી 18 નવેમ્બર જાહેર કરવામાં આવ્યું છે અને એના સાત દિવસો ઓછા કરી દેવાયા છે. આ નિર્ણય ગુજરાત બોર્ડ સાથે સંલગ્ન સ્કૂલનો જ લાગુ પડશે પણ સીબીએસઇની સ્કૂલોને નહીં લાગુ પડે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોંધનીય છે કે પહેલાં રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવેએ શાળા-કોલેજોમાં નવરાત્રિ દરમિયાન 15 ઓક્ટોબરથી 21 ઓક્ટોબર સુધી વેકેશનની જાહેરાત કરી દીધી હતી. આ વાતની મુખ્યમંત્રી સુદ્ધાંને જાણ નહોતી. શિક્ષણમંત્રીએ 21 તારીખે સુધી નવરાત્રિ વેકેશનની જાહેરાત તો કરી દીધી પરંતુ 19 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી ધોરણ 9થી 12ના તમામ પ્રવાહની પ્રથમ કસોટી જાહેર થઈ ચૂકી છે. આ જોતા જાહેરાતમાં મોટો લોચો ઉભો થયો હતો અને વિદ્યાર્થીઓની મુંઝવણમાં વધારો થયો હતો. વળી, નવરાત્રિની શરૂઆત 10 ઓક્ટોબરથી થઈ રહી છે, જ્યારે સરકારે 15 ઓક્ટોબરથી નવરાત્રિ વેકેશનની જાહેરાત કરાઈ હતી.


શાળાઓમાં નવરાત્રિ દરમિયાન વેકેશનની કરવામાં આવેલી જાહેરાત અંગે બે દિવસ પહેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે આ મામલે તેમને કોઈ જાણ નથી. જ્યારે મુખ્યમંત્રી પહેલા રાજ્યકક્ષાના અને કેબિનેટ કક્ષાના મંત્રીઓ અનુક્રમે ડો. વિભાવરીબેન દવે અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નવરાત્રિ દરમિયાન મિનિ વેકેશનની સત્તાવાર જાહેરાત કરી દીધી હતી.


ઉલ્લેખનીય છે કે, નવરાત્રિ ગુજરાતનો મહત્વનો તહેવાર છે. મોડી રાત સુધી તમામ લોકો ગરબા રમતા હોય છે. જેથી સવારે શાળા કે કોલેજોમાં જવા માટે મુશ્કેલી થાય છે. આ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ શાળા-કોલેજોમાં રજા રાખતા હોય છે. હવેથી રજા જાહેર કરતા વિદ્યાર્થીઓને કોઇપણ મુશ્કેલી નહીં પડે. 


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક..