ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત પર તાજેતરમાં ૨૨૦ કિ.મી. પ્રતિ કલાકના તીવ્ર પવનની ઝડપે ત્રાટકેલા તાઉ’તે વાવાઝોડાના કારણે બાગાયતી પાકો અને ઉનાળુ પાકોને થયેલા વ્યાપક નુકસાન સામે રૂ. ૫૦૦ કરોડના વાવાઝોડા કૃષિ સહાય પેકેજની જાહેરાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આ કૃષિ હિતકારી નિર્ણયની ભૂમિકા આપતાં કહ્યું કે, તાઉ’તે વાવાઝોડાની વ્યાપક અસર ગીરસોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદ એ પાંચ જિલ્લાઓ સાથે દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ, ભરૂચ જિલ્લાઓમાં પણ થઈ છે અને રાજ્યના ૮૬ તાલુકાઓમાં અંદાજે બે લાખ હેક્ટર વિસ્તારના કૃષિ અને બાગાયત પાકોને વ્યાપક નુકસાન થયું છે. 


ક્યારે ખાતામાં જમા થશે સહાય
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ કે, જ્યાં નુકસાન થયું છે ત્યાં સર્વેની કામગીરી ચાલી રહી છે. આવતીકાલ સુધીમાં આ કામ પૂરુ થઈ જશે. ત્યારબાદ ખેડૂતોને એક સપ્તાહની અંદર આ સહાય મળી જશે. આ પૈસા સીધી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. 


આ છે રાજ્ય સરકારના પેકેજની મોટી વાતો


- ઉનાળું પિયત પાકોને નુકસાન- બાગાયતી પાકોને નુકસાન તેમજ ફળ ઝાડ પડી જવાથી નુકસાનીમાં ૩૩ ટકાથી વધુ નુકસાન માટે રાજ્ય સરકાર આપશે ઉદારતમ સહાય


- આંબા- નાળીયેરી- ચીકુ- લીંબુ જેવા બાગાયતી પાકોના ફળ ઝાડ મૂળ સહિત ઉખડી જવાથી કાયમી નાશ પામવાના કિસ્સામાં હેક્ટર દિઠ વધુમાં વધુ રૂ. એક લાખની સહાય બે હેક્ટરની મર્યાદામાં અપાશે 


- ઝાડ ઉભા હોય પરંતુ પાક ખરી પડ્યો હોય તેવા કિસ્સામાં વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં હેક્ટર દિઠ રૂ. ૩૦,૦૦૦ની સહાય રાજ્ય સરકાર કરશે.


- ઉનાળુ કૃષિ પાકોને નુકસાનના કિસ્સામાં મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં હેક્ટર દિઠ રૂ. ૨૦,૦૦૦ સહાય અપાશે.


શું બોલ્યા મુખ્યમંત્રી
તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે એવો પણ નિર્ણય કર્યો છે કે, ઉનાળુ કૃષિ પાકો તલ, બાજરી, મગ, અડદ, ડાંગર, મગફળી, ડુંગળી, કેળ, પપૈયા વગેરેમાં ૩૩ ટકા કરતાં વધારે નુકસાન થયું હોય તેવા કિસ્સામાં ઉત્પાદન નુકસાન સહાય પેટે હેક્ટર દીઠ રૂ. ૨૦,૦૦૦ ની સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં રાજ્ય સરકાર આપશે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી એ સ્પષ્ટપણે જણાવ્યું કે, આ વાવાઝોડા કૃષિ રાહત પેકેજ અંતર્ગત ખેડૂતોને મળનારી સહાય એક અઠવાડિયામાં તેમના બેંક એકાઉન્ટ ડીબીટીથી જમા કરાવી દેવાશે. એટલું જ નહિ, નુકસાનીનો સર્વે પણ આવતીકાલ સુધીમાં પૂર્ણ કરી દેવાશે. 


મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, તાઉ’તે વાવાઝોડાથી પ્રભાવિત રાજ્યના ધરતીપુત્રો આ રાહત સહાય પેકેજથી તેમને મળનારી સહાય દ્વારા ઝડપભેર બેઠા થઈ જશે અને પૂર્વવત સ્થિતિ મેળવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube