• હોસ્પિટલના પ્રથમ માળ પર આવેલા સર્વર રૂમમાં આગ લાગતા જ શોર્ટ સર્કિટથી ઝેરી ધુમાડો ચારેતરફ ફેલાયો હતો.

  • કોરોનાની વૈશ્વિક મહામારી બાદ ગુજરાતની ચાર હોસ્પિટલમાં આગ લાગવાના બનાવ બન્યા


ઝી મીડિયા/બ્યૂરો :સુરતમાં ફરી એકવાર આગકાંડ સર્જાયો છે. સુરતના અઠવા ગેટ વિસ્તારમાં આવેલી ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગવાને પગલે ફાયર વિભાગના 10 ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સારવાર લઈ રહેલા તમામ 16 દર્દીઓને શિફ્ટ કરાયા છે. પ્રાથમિક તપાસમાં શોર્ટસર્કિટથી આગ લાગી હોય તેવુ લાગે છે. જોકે, સર્વર રૂમમાં લાગેલી આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.  ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં આગ લાગી હોવાની જાણ થતા નજીકમાં પોઈન્ટ પર ફરજ બજાવતા ટીઆરબી જવાન પણ દોડી આવ્યા હતા અને રેસ્ક્યૂ કામમાં જોડાઈ ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સર્વર રૂમમાં આગ લાગી હતી. 
બપોરે 2 વાગ્યાની આસપાસ ટ્રાઈસ્ટાર હોસ્પિટલના સર્વર રૂમમાં આગ લાગી હતી. હોસ્પિટલના પ્રથમ માળ પર આવેલા સર્વર રૂમમાં આગ લાગતા જ શોર્ટ સર્કિટથી ઝેરી ધુમાડો ચારેતરફ ફેલાયો હતો. જોકે, દર્દીઓને બચાવવા માટે એલિવેશનનો ભાગ તોડી નંખાયો હતો. હોસ્પિટલના નોન કોવિડ વિંગમાં આગ લાગી હતી. જ્યાં આઈસીયુમાં રહેલા16 દર્દીઓને સફળતાથી શિફ્ટ કરાયા હતા. તો સાથે જ હોસ્પિટલના સ્ટાફને પણ સાવચેતીથી બહાર કાઢવામાં આવ્યા હતા. 


આ પણ વાંચો : પીએમ મોદીએ વડોદરા અકસ્માતમાં મૃત્યુ પામેલા 11 લોકો માટે દુ:ખ વ્યક્ત કર્યું


હોસ્પિટલના સંચાલકનો જવાબ 
ટ્રાઈસ્ટાર હોસ્પિટલના સંચાલકે જણાવ્યું કે, આગ લાગતા જ હોસ્પિટલનો વીજ પુરવઠો તાત્કાલિક કાપી દેવાયો હતો. હોસ્પિટલમાં આગ લાગતા તમામ દર્દીઓને શિફ્ટ કરી દેવાયા હતા. દર્દીઓને કોઈ પણ પ્રકાની ઈજા પહોંચી ન હતી. હોસ્પિટલ પાસે તમામ પ્રકારની એનઓસી છે. તેમજ તમામ સિસ્ટમ પણ કાર્યરત છે. જોકે, હોસ્પિટલના સંચાલકે મીડિયાથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. 



સમગ્ર હોસ્પિટલમાં ધુમાડો ફેલાયો
હોસ્પિટલના તમામ સ્ટાફને નીચે ઉતારી દેવાયો હતો. આગને કારણે ધુમાડાનું પ્રમાણ સૌથી વધુ હતુ. તેથી દર્દીઓને બચાવવાની કામગીરીમાં થોડી તકલીફ પેદા થઈ હતી. આગનો ધુમાડો હોસ્પિટલના ત્રીજા માળ સુધી ફેલાઈ ગયો હતો. 


આ પણ વાંચો : સુરતના આહીર પરિવારને પાવાગઢ દર્શન પહેલા મળ્યુ મોત, હોસ્પિટલમાં લાશોની લાઈન પડી


ગુજરાતની ચોથી હોસ્પિટલમાં આગ 
કોરોનાની વૈશ્વિક મહામારી બાદ ગુજરાતની ચાર હોસ્પિટલમાં આગ લાગવાના બનાવ બન્યા છે. કોરોના મહામારી બાદ આ બનાવો વધ્યા છે. અમદાવાદની શ્રેય હોસ્પિટલ જામનગરની જીજી હોસ્પિટલ, વડોદરાની એસએસજી હોસ્પિટલ તથા સુરતના ટ્રાયસ્ટાર હોસ્પિટલમાં આગ લાગી છે. ત્યારે સવાલ એ થાય છે કે કોવિડ હોસ્પિટલ શરૂ કરતા પહેલા શું પૂરતી તકેદારી રાખવામાં નથી આવતી. આખરે આ આગ લાગવાનું કારણ શું.