• ગીર જંગલ સહિતના આસપાસના વિસ્તારમાં દીપડાને રેડિયો કોલર લગાવાયા

  • વન વિભાગ દ્વારા સિંહ બાદ હવે દીપડાને રેડિયો કોલર લગાવાયા

  • સાસણમાં બે દીપડાને રેડિયો કોલર લગાવી જંગલમાં છોડાયા

  • દીપડાના માનવ પરના હુમલાની ઘટના ટાળવામાં મદદ મળશે

  • પ્રાયોગિક ધોરણે પ્રથમ પાંચ દિપડાને રેડિયો કોલર લગાવાની કામગીરી


સાગર ઠાકર/જુનાગઢ :ગીર જંગલ સહીતના આસપાસના વિસ્તારમાં દીપડાને રેડિયો કોલર લગાવાયા છે. વન વિભાગ દ્વારા સિંહ બાદ હવે દીપડાને પણ રેડિયો કોલર લગાવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાસણમાં બે દીપડાને રેડિયો કોલર લગાવી જંગલમાં છોડવામાં આવ્યા છે. દીપડાના માનવ પરના હુમલાની ઘટના ટાળવામાં આ ટેકનોલોજી મદદરૂપ સાબિત થશે. હાલ પ્રાયોગિક ધોરણે પ્રથમ પાંચ દીપડાને રેડિયો કોલર લગાવાની કામગીરી કરવામાં આવનાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂનાગઢના ગીર જંગલ અને આસપાસના સૌરાષ્ટ્રના વિસ્તારમાં સિંહની સાથે દીપડાની વસ્તી પણ છે. તેમજ દીપડા દ્વારા રહેણાંક વિસ્તારમાં માનવ પરના હુમલાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે દીપડાની હિલચાલનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ થઈ શકે તે માટે વન વિભાગ દ્વારા પાંચ દીપડાને રેડિયો કોલર લગાવવામાં આવશે. જેમાંથી બે દીપડાને રેડિયો કોલર લગાવીને જંગલમાં છોડવામાં આવ્યા છે.


આ પણ વાંચો : મેયરની રેસમાં કોણ આગળ? આ નામો પર ચાલી રહી છે ચર્ચા


દીપડાને રેડિયો કોલર લગાવાથી તેની અવર જવર, જીવનશૈલી, આવાગમનનો સમય સહિતની બાબતો પર નજર રાખવા આ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. જે રેડિયો કોલર દીપડાને લગાવાયા છે તે વિદેશથી આયાત કરાયા છે, તેનો રંગ પણ દીપડા સાથે મળી જાય તેવો છે. રેડિયો કોલરથી મળતી માહિતી ખાસ કરીને વન્ય પ્રાણીઓના માનવ સાથેના ઘર્ષણને નિવારવામાં ઉપયોગી બને છે. વન વિભાગના વેટરનરી અને સંશોધન સ્ટાફ દ્વારા આ કામગીરી કરવામાં આવી છે અને આવનારા ભવિષ્યમાં રેડિયો કોલરથી ઉપલબ્ધ માહિતીના આધારે વન વિભાગ દ્વારા દિપડાને લઈને કાર્યવાહી કરવામાં આવશે તેવું મુખ્ય વન સંરક્ષક ડીટી વસાવડાએ જણાવ્યું. 


આ પણ વાંચો : Motera Stadium નું નામ બદલાયું, હવે કહેવાશે ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ 


રેડિયો કોલર લગાવ્યા બાદ હવે વન વિભાગ દીપડા પર યોગ્ય રીતે નજર રાખી શકશે. વન વિભાગના 2016ની ગણતરીના આંકડા અનુસાર, જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં 600 જેટલા દીપડા છે. આ જિલ્લાઓમાં સિંહો કરતા પણ દીપડાઓનો આતંક વધુ છે. અહી સતત દીપડાના હુમલાના બનાવ બનતા રહે છે. ત્યારે દીપડાઓના હુમલા ટાળવા માટે દીપડાઓને રેડિયો કોલર લગાવવામાં આવ્યા છે. અદ્યતન ટેકનોલોજીથી બનેલું એક રેડિયો કોલર સીધું કંટ્રોલ સેન્ટર સાથે જોડાયેલું રહેશે. અને તેને લીધે દીપડા આસાનીથી ટ્રેક થઇ શકશે. વન વિભાગે આ માટે જંગલમાં દોડવું નહીં પડે. 


ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ગીરના સિંહોને રેડિયો કોલર લગાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ મુદ્દે ભારે વિવાદ પણ થયો હતો. વન્યજીવ એક્સપર્ટસે આ રેડિયો કોલરને સિંહો માટે ઘાતકી ગણાવ્યા હતા. જે સિંહોને રેડિયો કોલર લગાવેલા છે તેમાંથી મોટાભાગના સિંહોની મનોદશા ખરાબ થઈ જતી હોવાનું અને ઘણાં ખરા મોતને પણ ભેટયા હોવાના આક્ષેપો કરાયા હતા.


આ પણ વાંચો : ગ્રાફિક્સમાં જુઓ ગુજરાતની 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું સચોટ પરિણામ