Vijay Rupani ને હવે શું ગુજરાતના રાજકારણથી પણ દૂર કરી દેશે ભાજપ?
ગુજરાત (Gujarat) ના નાથ હવે વિજય રૂપાણી (Vijay Rupani) ની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલ બની ગયા છે. એટલે કે ભૂપેન્દ્ર પટેલ હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યા છે. રાજીનામા બાદ વિજય રૂપાણીએ સંગઠનમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે પરંતુ આગળ શું નિર્ણય લેવાશે તે તો સમય જ જણાવશે.
અમદાવાદ: ગુજરાત (Gujarat) ના નાથ હવે વિજય રૂપાણી (Vijay Rupani) ની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલ બની ગયા છે. એટલે કે ભૂપેન્દ્ર પટેલ હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યા છે. રાજીનામા બાદ વિજય રૂપાણીએ સંગઠનમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે પરંતુ આગળ શું નિર્ણય લેવાશે તે તો સમય જ જણાવશે.
આ જવાબદારી સોંપાઈ શકે છે
એવા સંકેત છે કે તેમને હવે રાજ્ય પોલિટિક્સથી દૂર રાખવામાં આવી શકે છે. જેનો એક રસ્તો એ છે કે તેમને રાજ્યપાલ બનાવી દેવાય. આનંદીબેન પટેલને જ્યારે હટાવીને વિજય રૂપાણીને સીએમ બનાવવામાં આવ્યા હતા ત્યારે આનંદીબેને પણ સંગઠનમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પરંતુ તેમની આ ઈચ્છા પૂરી થઈ નહતી. એવું કહેવાય છે કે તેમને રાજ્યપાલ બનાવવામાં વિજય રૂપાણીને મહત્વની ભૂમિકા હતી. કદાચ તેમને એવું લાગતું હશે કે આનંદીબેનના રાજ્યમાં સક્રિય રાજકારણમાં રહેવાથી તેમની મુશ્કેલીઓ વધી શકે છે.
ચૂંટણી નજીક
ગુજરાતની સંવેદનશીલતા એટલા માટે પણ વધી ગઈ છે કે હવે અહીં વિધાનસભા ચૂંટણી વધુ દૂર નથી. અહીં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે. વિજય રૂપાણી સામે રાજ્યપાલ બનાવવાનો પ્રસ્તાવ રજુ થાય, અને જો થાય તો તેઓ સ્વીકારે કે નહીં તે આવનારો સમય જ જણાવી શકે.
ભૂપેન્દ્ર પટેલે લીધા મુખ્યમંત્રી પદના શપથ
ભાજપે એકવાર ફરીથી ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવીને બધાને ચોંકાવી દીધા છે. ભૂપેન્દ્ર પટેલ પાટીદાર (Patidar) સમાજમાંથી આવે છે, એવામાં ભાજપે (BJP) ચૂંટણી પહેલાં રાજ્યના આ મુખ્ય સમાજને સાધી લીધો છે. જોકે તે રાજ્યના તમામ મોટા પાટીદાર નેતાઓના મુકાબલે ખૂબ ઓછા ચર્ચામાં રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલને પસંદ કરવા પાછળ એક કારણ ભાજપના રાજ્યના મોટા નેતાઓને જૂથવાદને પણ ગણવામાં આવે છે. આ ઉપરાંત તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) અને ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ની પસંદ સાથે પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યપાલ આનંદીબેન પટેલ (Anandiben Patel) ના પણ ખાસ છે.
અન્ય રાજ્યોના મુખ્યમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી રહ્યા હાજર
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદનામિત ભૂપેન્દ્ર પટેલને સોમવારે મુખ્યમંત્રી તરીકેના હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ શપથવિધિ વેળાએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ, ભારત સરકારના ગૃહ અને સહકાર વિભાગના કેન્દ્રીય મંત્રી અમિત શાહ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર, આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, કોલસા-ખાણ અને સંસદીય કાર્ય વિભાગના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષી, મત્યપાલન-પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા, કેન્દ્રીય આયુષ વિભાગના રાજ્યમંત્રી મહેન્દ્ર મુંજપરા, રેલવે વિભાગના રાજ્યમંત્રી દર્શના જરદોશ, ભારતીય જનતા પક્ષના મહામંત્રીઓ બી. એલ. સંતોષ, અરુણ સિંહ, રાજ્ય અને રાષ્ટ્રના સંતો-મહંતો, ગણમાન્ય વરિષ્ઠ અગ્રણીઓ, સાંસદો, ધારાસભ્યો, તથા શુભેચ્છકો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube